સ્ટ્રોબેરી……

શંકર..! ફ્રીઝમાંથી સ્ટ્રોબેરી લાવજે તો..!

જલ્પાનું ફરમાન છૂટ્યું અને શંકર બધાજ કામો પડતા મૂકી, સ્ટ્રોબેરી સાથે ખાલી ડીશ કાચી સેકન્ડમાં લેતો આવ્યો! હું આ જોઈ મલકાયો અને શંકર જાણે મારી નજરો પામી ગયો એમ સિફતપૂર્વક ત્યાંથી ખસકી ગયો!

મને પેપર વાંચતા મલકાતો જોઈ જલ્પા બોલી.. ” કેમ, આજે રવિવાર છે એટલે જરા વધારે “વેરાઈ” જાય છે ને કઈ..!! બાકી રોજ તો તોબરો ચડેલો હોય છે..!

“હા, ગાંડી.. હસવું એટલે આવ્યું, હજી ૫૫ વર્ષે પણ તારો રૂઆબ એવોજ છે જેટલો કોલેજમાં હતો!, અને રોજ કરતા રવિવારે કામનું ટેન્શન ઓછુ અને પાછુ ગઈકાલે એકલા ઈન્ફોસીસના સોદાઓમાં લાખોનું બ્રોકરેજ જમા આવ્યું છે! સાચે યાર તારું મોઢું જોઈ નીકળું ત્યારે ચોકસ્સ દિવસ ફળે છે મારો!

ફરી પાછુ મોઢું સહેજ વાંકું કરી, એ સ્ટ્રોબેરીમાંથી કાંટા ચૂંટવા લાગી ગઈ! જાણે શબરી રામને મીઠાબોર પીરસતી હોય એમ મને ચૂંટીને આપવા લાગી! હું એને જોવામાં એવોતો તલ્લીન થઇ ગયો કે સ્થળ સમયનું ભાન ભુલીગયો! હાથનું પેપેર તો એમજ રહી ગયું,

હિંચકે બેસેલી જોઈ, પગની ઠોકર વાગી ગઈ! હીંચકો ચાલી નીકળ્યો અને જલ્પું હસી પડી….!!! “સીધા નહી રહો એમ ને..! પોતે તો કદી હિંચકે બેસતા નથી બસ મનેજ જુલાવ્યા કરે છે..!!”

“તને ખબર તો છે, મને હીંચકા થી ચક્કર આવે છે, એટલેજ તો તને ઝુલાવી આમ મારા અરમાન પુરા કરી લઉં છું!”

“લાજો હવે, છોકરાના ઘેર પણ છોકરા આવી ગયા છે!”

“એટલેજ તો કાઢ્યા છે જુદા…. એમને મારી શરમના નડે અને મને એમની..!!”

“હમમ.. હવે ખબર પડી, મનમાની કરતા ફાવે એટલે મારા ત્રણેય દીકરાઓને કાઢી મેલ્યા..!” (મીઠો છણકો કરી જલ્પું બોલી અને એની આજ વાતો પરતો ફિદા હતો હું… હજીય.. લગ્નના ૩૫ વર્ષો પછી પણ..!)

“જો જલ્પું.. એમને જુદા કરવાનાં વિચાર અને નિર્ણય બંનેમાં તારી સંમતિ હતી,, એટલે એ ચેપ્ટર ક્લોઝ, અને રહી વાત મનમાની ની…. તો હા, છોકરા મોટા થાય એટલે આપણે સન્યાસ લઇ લેવો એવી કોઈ શાસ્ત્રો માં લખ્યું નથી, અને તું હજીય એવીજ બ્યુટીક્વીન હેમામાલીની જ લાગે છે! ચશ્માં સિવાય (કદાચ હેમાને પણ ચશ્માં હોય પણ ખરા!) બીજો કોઈ ચેન્જ આવવા દીધો નથી.. એક સેન્ટીમીટર પણ વધી નથી કોઈજ જગ્યાએ થી!”

લજવાઈ ગઈ… એટલે વરંડામાં હિંચકેથી ઉઠી અંદર રૂમ માં જતી રહી… કૈંજ બોલ્યા વગર..! (આવી રીતે જતા રહેવું અલ્પવિરામ મૂકી.. એય એની જૂની આદત!)

અને હું ખોવાઈ ગયો એ દિવસોમાં….. જયારે જલ્પુને પામવા રીતસરની હોડ લાગતી! એ કોલેજના દિવસો…… જયારે એણે વિપ્લા (વિપુલ)ને સેન્ડલના એકજ ફટકારે સીધો દોર કરી દીધો હતો! જલ્પા પટેલ.. આ એક નામ નોહ્તું.. સાક્ષાત મિઝ હન્ટરવાલી હતી! તીખું ગોંડલ મરચું, આગની જ્યોત, પાસે જવાની હિમત કરતા પણ થીજી જવાય! રૂપ અને ગુણનો સમન્વય.. આજ પર્યંત તો જોયો નોહ્તો આવો!

ત્રણ વર્ષ કોલેજના અમે સાથે હતા અને દર બેચાર દિવસે કોઈકે એના હાથે તમાચો કે મોઢે અમૃત વાણી ચાખ્યાના સમાચારો આવતા રહેતા! આખરે છેક TY માં થોડી,…… ના…. ના….. થોડી નહી ઘણીબધી હિમત એકઠી કરી પ્રિલીમના ૫ દિવસ પહેલા મારી બુક માં લેટર લખી આપી આવ્યો!

એજ બુક હાથમાં લઇ બીજાદીવસે એને મારી તરફ આવતા જોઈ તમ્મર ચડી ગયા! નક્કી ભરતા.. હવે તું ગયો! અનાયાસેજ ડાબો હાથ ગાલને પંપાળી રહ્યો! પણ એણે આવીને બસ એટલુજ કહ્યું..”આ તમારી બુક,, ભૂલ થી કદાચ મારી જોડે આવી ગઈ હતી ગઈ કાલે..!” આંખ મીચકારી ચાલી નીકળી..!………… કૈંજ બોલ્યા વગર..!

બુક ખોલી,,,,અને જોયું,, તો એક પિંક કલરનું કવર, રોઝની ખુશ્બુવાળું, કવર ખોલી અંદરનો લેટર જેમ જેમ વાંચતો ગયો, દિલો દિમાગ જાણે સાતમાં આસમાન માં ઉડવા લાગ્યું! એની “હા” આવી હતી! અને સાથે સાથે મળવાનું ઇન્વીટેશન પણ!

જલ્પુને હું મળવા ડેટ પર જઈ રહ્યો છું એ વાત મિત્રો માનવાના જ નહી.. એટલે કોઈજ પુર તૈયારી કરવાનું છોડી,, જો હોગા વો દેખા જાયેગા,, ના ન્યાયે બંદા હાજર..રાઇટ ટાઈમે અને સ્થળે! જલ્પું મારાથીય વહેલી પહોંચી ગઈ હતી! આપણને તો ખાસ અનુભવ નહી,, (મનમાંથી જવાબ આવ્યો અલ્યા ડફોળ,,, એનુય પહેલીવારનું છે! ચિંતાના કર.. શીખી જઈશ..!) એમને એમ.. ખાલી હાથેજ પહોંચી ગયા હતા!

પણ જલ્પું મારી ધારણા કરતા વધુ મેચ્યોર નીકળી! સીધીજ પોઈન્ટ પર આવી ગઈ! “જો ભરત, પસંદ તો હું પણ તને કોલેજના પહેલાજ વર્ષથી કરતી હતી, તારી સજ્જનતા હશે કે ડરપોકપણું, તે એક અંતર રાખ્યું છે હમેશા મારી સાથે! & આઈ એમ ઈમ્પ્રેસ્ડ વિથ ધેટ..! કદાચ એટલેજ મનોમન તું પણ મને પસંદ હતો!”

“તો પછી તારેજ પહેલ કરવી’તી ને!” (વાહ..! મેરે શેર.. સીધો જ એટેક..!) નાહકના આટલા વર્ષોના બગડ્તાને!

હા, હું કરી શકત.. પણ હજી એટલી ફોરવર્ડ નથી બની શકી! અને બીજું કારણ એ કે મારા ઘરનું વાતાવરણ ઘણું સંકુચિત અને જુનવાણી છે. રીત રીવાજ અને જ્ઞાતીબંધનો હજીય જલ્પા પટેલનો પરિવાર માને છે! કદાચ ભરતને એ સ્વીકારી શકશે પરંતુ… ભરત પારેખને નહી!

તો પછી..?? હવે..?? (અલ્યા………. હું પહેલી ડેટ પર હતો કે છેલ્લી એજ કળી નોહ્તો શક્યો હજી! આ પાર્ટી સવારે શરૂવાત અને સાંજે ઇતિશ્રી કરી રહી હતી!)

મેં મામાને વાત કરી લીધી છે! પરંતુ હવે તારો વારો…! તારા પરિવાર માંથી કોઈ પ્રોબ્લેમ આવશે તો..??

“નો વે..! મારા પરિવારની સંમતિ છે જ…! મેં બધીજ વાત કરેલી છે! અને એ રેડી છે જો તું હા ના પાડત તો મમ્મી કદાચ તને સમજાવવા પણ આવત! મને તું પસંદ છે એ આખું પરિવાર જાણે છે! બાકી શહેરના સૌથી મોટા શેરબ્રોકરનો એકનો એક દીકરો છેક TY સુધી કાચો કુંવારો થોડી બેસી રહેત!” (ઓહ્હ.. જલ્પું સામે એક શબ્દ પણ નોહ્તો બોલી શકનાર આજે આટલું બધું એકજ શ્વાસે ફૂલ કોન્ફીડન્સ સાથે બોલી ગયો હતો..!! વાહ.. ! ભરતા.. પ્રેમ માં હિમંત આપોઆપ આવી જતી હોય છે..! કહ્યું તું ને.. શીખી જઈશ..!)

“ઓકે ધેન.. મામા સાથે કન્સલ્ટ કરી આગળ કઈ રીતે વધવું એ નક્કી કરીશું…!” ટીલ ધેન.. આપણે પહેલાની જેમ જ વર્તીશું.. એક સામાન્ય કોલેજ સ્ટુડટની જેમ..! અને ઉભી..!(જલ્પા ફરીથી એની અસલ સ્ટાઈલમાં આવી ગઈ!)

જલ્પા.. એક વાત કહું..??

હજી કંઈ બાકી છે..??!!

અરે હા ને.. આવી છું તો એક કોફી તો પીતી જા..?? પ્લીઝ્ઝ..” (પ્રેમની દર્દ ભરી ફરિયાદ…!)

ના.. કહ્યુંને મામા સાથે વાત થશે પછી જ..!!

અને ત્યારબાદ મામા(પારસભાઈ પટેલ.. એક બીજું મોટું નામ શહેર નું!) સાથે અમારી બંનેની મીટીંગ.. જલ્પાની જેમ મામા પણ સીધા પોઈન્ટ પર! જુવો ભરત.. તમારા વીષેના સઘળા રીપોર્ટસ મેં કાઢવી દીધા છે! બધાજ પોઝીટીવ છે એટલે મારી ભાણી માટે બિલકુલ લાયક છો! (હાશ!…) પણ એના પરિવારને મનાવવા માટે મારે કેટલીક સ્ટ્રેટેજી અપનાવવી પડશે… જેમાં તમારો સાથ જોઇશે! અને હા બીજી અને મહત્વની વાત… જલ્પાને આજીવન પામવી હશે તો અત્યારે થોડો વિરહ સહન કરવો પડશે! જાહેરમાં ફરવાની અને છાટકા બની વર્તન કરશો તો કાયમ માટે ગુમાવી દેશો એને! US માં મુરતિયો ગોતાઈ ગયો છે જલ્પા માટે!…

મુક સંમતિ આપી.. (બીજો કોઈ છૂટકો પણ ક્યાં હતો.. પટેલ પરિવાર પણ જેવું તેવું તો નોહ્તુજ ભાઈ!.. જલ્પા એ વખતે સ્કુટર લઈને કોલેજ આવતી!) અને ત્યારબાદ છેક ભાગ્યા ત્યાં સુધીમાં અમે માત્ર બેજ વાર મળ્યા હતા! બસ પત્રોની  આપ લે દ્વારા જ વાતો થતી અને.. વાંચીને તરતજ નસ્ટ કરવાનું ફરમાન!

પણ બોસ શું પત્રો હતા એ! જલ્પાએ જાણે દિલ નીચોવ્યું હતું એક એક લેટર માં..! પ્રેમની અભિવ્યક્તિ પણ એટલીજ માદકતાથી કરતી જેટલી એ સ્ક્રિપ્ટના ભાગરૂપે મને કોલેજ માં ખખડાવતી! દરેક પત્ર જાણે પ્રેમની ગુહાર લઈને આવતો.. દરેક વખતે અલગરીતે ફોલ્ડ કરેલો, અલગ કવરમાં બીડેલો, અલગ સ્પ્રે થી મધમધતો અને અલગ રીતે છુપાવેલો! રીતસરની મહેનત કરવી  પડતી એને શોધવા!…

સ્ત્રી નફરત હોય કે પ્રેમ … દિલ થી કરે ત્યારે….. ઓફ્ફ્ફ્ફફ્ફ્ફ્ફ…. આઈ કાન્ટ ઈમેજીન… શબ્દો નથી હોતા એ લાગણીને વર્ણવવા માટે…! એવીજ હાલત હતી એ વખતે પણ મારી… કદાચ સચવાયા હોત એ પત્રો… તો આજે એને માણવાની મજા જ અનેરી હોત! પણ હવે રંજ નથી એ વાતનો….. પત્રો ભલેના સચવાયા… એની લેખિકા તો………એય ને મારે હિંચકે જુલે છે!

સાચું કહુતો….. મામાએ ઘણો જ સાથ આપ્યો અમને.. કોલેજ પછી હાયર એડ્યુકેશન માટે જલ્પાના પરિવારને મનાવવા (મેરેજ માટે ૨૧ વર્ષ જરૂરી હોય એટલે), છાનામાંના મેરેજ રજીસ્ટ્રેશન, એના પરિવારમાં જાહેરાતનો ફૂટેલો બોમ્બ, જલ્પુની મારપીટ અને નજરકેદ, અને છેલ્લે ભાગવા સુધીના પ્લાનીગ મામાએ કાબિલે તારીફ પાર પાડ્યા હતા!

ઘર છોડીને ભાગવાની આગલી રાત સુધી મને કે જલ્પુને કોઈને પણ એ વાતની જાણ નહોતી! અમે ક્યાં જઈ રહ્યા છીએ, બધીજ વાતો છેક છેલ્લા દિવસે કહી હતી! મારા પરિવારની સંમતિ હતી છતાં મામાએ મને પપ્પા કે મોટાભાઈ કોઈની પણ સાથે વાત કરવા નોહતી દીધી!

મેરેજ રજીસ્ટ્રેશન પછી એક્ઝેક્ટ ૩૨ માં દિવસે અમે ભાગ્યા હતા! એટલે કાયદાદીય રીતે અમે પતિ પત્ની જ હતા! અને પછી ૭ દિવસ જાણે હનીમુન પર જ હતા ને!………… જલ્પા ક્યારે જલ્પું બની ગઈ અને હું એને માટે “તમે” થઇ ગયો,, ખબરજ ક્યાં પડી!

અને આઠમાં દિવસે સવારે અચાનક જ મામા બંનેના પરિવારોને લઇ કલકતા (અમે જ્યાં રોકાયા હતા એ હોટેલમાં) આવી ચડ્યા! સમાધાન થઇ ચુક્યું હતું! “છોકરી” હવે કોઈકના ઘરની વહુ સ્વીકારાઈ ચુકી હતી!

“હવે હનીમુન પતી ગયું હોય તો પાછા આવશો…??!! (જ્લ્પુને ખબરજ છે… હું એજ દિવસો માં ખોવાઈ જાઉં છું..! અને ભલે કહે કે ના કહે.. એય એ દિવસો ભૂલી નથી શકી..! આજેય વિકમાં એકવાર તો ઘરમાં એ સાત દિવસ દરમ્યાન માણેલી “સ્ટ્રોબેરી” અચૂક આવે છે….!!)

~એજ..તન્મય..!

6 thoughts on “સ્ટ્રોબેરી……

Leave a reply to planettanvay જવાબ રદ કરો