જુગલબંધી……………..

પહેલી જ વાર
આ જલદ પાણીમાં
હાથ બોળતા જ…
આકર્ષક એવી-
કોઈ ‘મત્સ્યગંધા’ મારા બાહુ-કરમાં
ઝૂલવા લાગી..!!
કદાચ,
શાંતનું રૂપે પૂર્વે કદી હું..
અવતર્યો હોઈશ..
પરંતુ
આ વખતે કોઈ ‘દેવવ્રત’ ‘ભીષ્મ’
ન બને તેવી
આકાંક્ષા સાથે
આ કામિનીને મારા પાવન ઘરમાં લઇ આવ્યો…
દેવવ્રત કોઈ ભીષ્મ ના થયો..!
આજે પરિસ્થિતિ એ છે કે…
એ હાથ માંથી સરકી ગઈ છે,
તેની ગંધ મારા હાથોમાં છે,
હું મારા હાથોને
‘ડીસ્ટીલ્ડ વોટર’થી
ક્યારેક સાબુ,વોશિંગ પાવડરથી..
સાફ કરવાની કોશિશો કરું છું..!!
તેની ગંધ મને પરેશાન કરે છે,
હવે તો
હું ખુદ ‘ભીષ્મ’ બની ગયો છું…
કૌરવસભામાં બેઠો છું..
રાહ જોઉં છું..
કોઈ અર્જુનની..
તેના તીક્ષ્ણ બાણોની..
જે મને આરપાર વીંધી નાખે ને..
પછી બાણશૈયા પર સૂતાં સૂતાં..
નિહાળું કુરુક્ષેત્રનાં ભીષણ
મહાસંગ્રામ ને..
જેના પાયામાં ‘મત્સ્યગંધા’ની ગંધ પડી છે..
પડી પડી શ્વાસે..છે..!!

વિજય યુ મકવાણા “આદત”
________________________________

પડી પડી શ્વાસે..છે..!
એ ગંધ.. જે
ધોવાનો નિરર્થક પ્રયાસ
કર્યો છે
‘ડીસ્ટીલ વોટર’ ને ‘વોશિંગ પાઉડર’ થી
ગંધ હાથમાં નોહતી
હૈયે હતી..!
સમજણ નોહતી આપી…
કો’ એ…
કદાચ સૌની આંખે
હતી ગાંધાર પટ્ટી…..
કહે છે…..’નિયતિ’
નિયત થયેલી હોય છે !
અને એ નક્કી કરનાર
પેલો દ્વારિકા વાળો
બેઠો હતો….
સામા પક્ષે..!
ખુલ્લી આંખે અને સ્પષ્ટ સમજણે…!

~એજ તન્મય..!