————————————–
૩૦મી ડીસે. આ વર્ષે જીગી (જીગીષા)નો ફોન સાંજે આવ્યો. બાકી એ સવારે જ કરે, અચૂક! ૧૧ વર્ષ થી એણે આ ક્રમ જાળવી રાખ્યો છે! કોલ કરી થેન્ક્સ કહેવાનો! અમે ૧૧ વર્ષ માં માંડ ૩ વખત મળ્યા હોઈશું અને ફોન પણ ભાગ્યેજ! જીગીષા કમલેશ પરમાર.. કમલેશ.. મેહસાણાની લાઈફ માં મારું સૌથી ગમતું પાત્ર (હા, પાત્ર જ ગણાય, એને મેં જ બનાવ્યો હતો ને..!) સ્વચ્છંદ
ી, આખાબોલો, ઉદ્ધત, પણ દિલનો સાફ! અમારી ફેક્ટરીનો પ્રોડક્શન મેનેજર અને એના ગામ બોરીયાવીનો એક માત્ર ગ્રેજ્યુએટ માણસ..!
દેખાવમાં થોડો વ્હાઈટ, અને ડ્રેસિંગ તથા વ્યક્તિત્વથી બિલકુલ નરેશ કનોડિયાની ઝેરોક્સ લાગે! ખભાથી આગળ વિસ્તરતી ઝુલ્ફો, ચાલતો એનાથી ૪૫* નો ખૂણો બનાવી સામાન્ય કરતા વધારે હલતા હાથ અને પહેલી વાર કોઈ જુવે તો સ્ત્રેણ જ સમજે એવી લહેકા વાળી ચાલ..! ટ્રેડમાર્ક હતા અમારા મેનેજર સાહેબના..!
બોલવામાં તો અઠંગ બ્રામ્હણ નેય શરમાવે એવો કોડાફાડ!…. “અલ્યા વોણીયા, ચ્યો ગુડાણો વરી પાસો,, ઓય મર ને હવ,,, ત્યો હું દોટ્યું સે.. તે આખો દી ભરાઈ રે સે… ઓફીસ મો..!!!” …..આ રીતે બોલાવતો મને જમવા માટે..!!
સામે જીગી.. જીગીષા.. શાંત, સોમ્ય અને વિકાસશીલ! સહેજ ભીને વાન એટલે કમા (દેદીયાહણ સે ભાઈ.. કમલેશ નું કમો જ થાય..!) કરતા થોડી ઘાટી લાગે, પણ વાણી વર્તનમાં તો કમાને ક્યાય ટક્કર મારે એવી! પાટણમાં PTC કરતી અને હોસ્ટેલમાં રહેતી એટલે શહેરી રંગ થોડો ગણો ચડ્યો હતો! બોલચાલમાં રહેણીકરણીમાં સ્વતન્ત્રતા ચાડી ખાઈ રહી હતી! (પોતાની સગાઇમાં એ બ્લેક ડ્રેસ પહેરીને આવી હતી!)
એને જોઈ આપણી તો હળી કરવાની ટેવ જાગૃત થઇ ગઈ! “કમા.. આ તારા હાથમાં નહી રહે.. હાચવજે નહી તો ભાગી જશે..!!”
કમો તો તાડૂક્યો..”ઈમ શીની ભાગી જાય, વોણીયા… ચોટલો ઝાલી ચૂલે ના બેહારું તો નોમ બદલી નાખજે..!!”
એટલે આપણે વધારે ઘી નાખ્યું..” હારું બકા..!! કાલે અમદાવાદ થી હારી ચોપડી લેતો આયે.. જે ગમે એ નોમ રાખી લેજે.. બાકી આ ફટાકડી બોરીયાવી ના ચૂલે તો નહી જ બેહે..!!!” (મારી ભાષા પણ મેહોણાં જેવી જ સેટ થઇ ગઈ હતી!)
૩૦મી ડિસે. એમની સગાઇ હતી. અને બંને પહેલીજ વાર મળવાના હતા! (ફોટા બતાવી પસંદગી… હા બોસ.. હજીય એ પ્રથા ચાલુ છે!) એટલે આ નોટ એવી તૈયાર થઇ હતી.. ને પૂછ્યું તો કહે…”રોફ જમાવવા…!!” બોલો થનારી પત્ની પર પહેલીજ મુલાકાત માં “રોફ” જમાવશે.. ૨૧ મી સદીનો ઇન્ડિયન ગ્રેજ્યુએટ..!!
જે વિધિ સગાઇ પહેલા થવી જોઈએ,, (બંને ને એકાંત માં મળવા દેવું..! જોકે મને તો આ પણ જબ્બરનું ફની લાગે છે! બોલો વધુ માં વધુ ૩૦ મિનીટની મુલાકાત માં ૭ જન્મો ના બંધન…!! વાહ રે ઇન્ડિયન કલ્ચર..!!) એ હવે થવા જઈ રહી હતી! અમારો હીરો ઘોરી સામે સોમનાથ બચવા જંગે ચડ્યો હોય એમ… છાતી ફુલાવી મેદાને (રૂમમાં) પડ્યો!
ગયો એવો જ ૨૦ મિનીટ માં બહાર..!
આવીને કહે.. “લ્યાં.. તારી હારે કઈ વાત બાત થઇ કે હું..?? આતો તારી ભાષા જ બોલે હે..!! કે સે.. હગાઈ ભલે થઇ.. પણ હોંજે મેહોણાં મળવા આવજો પસે નક્કી કરીસ.. હગાઈ રાખું કે તોડું..!!
લ્યો ભાઈ..! મને તો જાણે નવું કામ મળી ગયું! કમા ને કીધું.. “ચાલ વાત કરાવ મારી..!” કમો તો ડરતા ડરતા (!) લઇ ગયો જીગીને મળવા!
પેલીએ સીધી હાથ આગળ કર્યો શેક હેન્ડ માટે..! “હાય… જીગીષા પરમાર.. PTC લાસ્ટ ઈયર.. પાટણ..”
વાહ..!
પછી હું જાલ્યો રહું??! “તન્મય શાહ.. ફર્સ્ટ ઈયર.. BSC ભવન્સ કોલેજ.. અમદાવાદ.”
થોડી ઘણી ઔપચારિક વાતો અને ઓળખાણ પછી મેં કમા ને ખસવા કહ્યું..! જીગી પણ ઈશારો સમજી ગઈ અને એની ફ્રેન્ડને પાણી લેવા મોકલી! (ફિકવન્સી સેટ..!)
એક પણ ક્ષણના વિલંબ વગર (મારે જે જાણવું હતું એને માટે એ જરૂરી હતું! આખા ઘર માં મહેમાનો છવાયેલા હતા!) સીધુજ પૂછી લીધું. ” તમે હા… કેમ પાડી તો પછી..??”
“ગ્રેજ્યુએટ સમજીને!.. બાકી એટલો ગમાર હશે એની કલ્પના નોહતી..! સાંજે વધુ વાત કરીશ એની જોડે.. નહી ગમે તો સગાઇ ફોક.!” એ જે બોલી એ ૧૦૦% સાચું હતું.. કોઈ પેહલી વાર માં કમાને પસંદ નાજ કરે!
મેં કહ્યું.. “હું એને તમારા લાયક “માણસ” બનાવી દઉં તો..!”
“યા શ્યોર.. તમારી પાસે…. ૫ કલ્લાક છે..” બોલી ને જતી રહી..!
ભાઈ ભાઈ.. હવે વાત નાક પર આવી ગઈ.. “કમા છોકરી ગમે છે..??
“હાસ્તો.. પણ નક્કી ચૂલે તો નહી જ બેહે..!”
“અરે પહેલા હાંજ નું વિચાર.. પાસે ઘેર આવે એટલે ચૂલે ય બેહવાની!”
“તું બોલ તો હું કરું..??”
“હું કહું એમ કરે..??”
“હાઉરે.. પણ જોજે વોણીયા.. હગાઈ તૂટવી નો જોહે..!”
“અલ્યા સીધું બોલ.. કરીશ..?? નહી તો જા ભાળ માં..!” મને તો જે ગમ્મત થઇ રહી હતી…!!!
“આ વોણિયો આજ બવ.. ભાવ ખાશ.. હારુ.. કરે.. પણ જોજે હાચવજે..”
અને સિધ્ધાં પહોંચી ગયા મહેસાણા.. બપોરેજ! (મહેસાણા થી બોરીયાવી 12KM ) સમીરને ઘેર! પછી શરુ થયું ક્માનું મેક ઓવર! સારામાં સારા હૈર ડ્રેસર જોડે વાળ કપાવ્યા, શેમ્પુ કરાવી સ્મુધ બનાવ્યા, પાંધી વચ્ચેની સાઈડ કરાવી દીધી! એ વખતની લેટેસ્ટ ફેશન પ્રમાણે લાઈટ બિસ્કીટ કોટન ટ્રાઉઝર અને ડાર્ક બ્લુ લીનન શર્ટ! બેલ્ટ, રીસ્ત, વુડ લેન્ડ શુઝ બધુજ બદલાવી અમે ૫.૩૦ વાગે ફ્રી પડ્યા!
બપોરે નીકળ્યા ત્યારથી કમા માંથી કમલેશ બનવાના લેશન તો ચાલુજ હતા! મેં અને સમીરભાઈએ (ઓલ્સો લવ મેરીડ!) અમારો સમગ્ર અનુભવો નો નીચોડ એના દિમાગ માં ઘુસાડવાની મહેનત કરી નાખી! અને તોય નક્કી થયું.. કઈ લોચો વાગે તો મારે માથે લઇ લેવું!
અને ભગવાનનું કરવું અને કૈંજ લોચો ના થયો! મહેનત રંગ લાવી હતી અને કમો અમારા ચાવી દીધેલ રમકડાની જેમજ વર્તતો હતો! સામે જીગી પણ થોડી ડીફેન્સીવ લાગી રહી હતી! કદાચ એને ૫ કલાક માં આવેલા કમા ના બદલાવને સ્વીકારી લીધો હતો!
પછી તો મેં અને એની સાથે આવેલી ફ્રેન્ડે એ બંને ને એકલા મુક્યા… જેથી.. બંને વધારે ખુલી શકે.!.. છુટા પડતા એ બોલી…”થેન્ક્સ્સ..!! ૫ કલ્લાક ની મહેનત દેખાય છે! હવે તમારી પાસે પુરા ૫ મહિના છે!(લગ્ન વૈશાખમાં!) મારું જીવન (કમો) તમારા હાથ માં છે..!
બસ.. પછી તો બંનેની ગાડી એવી પાટે ચડી ગઈ છે… જીગી મહેસાણા સાર્વજનિક સ્કુલમાં ટીચર છે! અને “કમો” હજીય આ વોણીયાને ભૂલ્યો નથી!
શું જાણે કેવા ઋણાનુબંધ હશે કે એ ૧૧ માસ ની જોબ નો એક એક દિવસ અક્ષરસ: યાદ છે! રોજે રોજ નાવીન્ય થી ભરેલી! આટલી તો આ ૧૦ વર્ષ ની કોર્પોરેટ જોબ પણ યાદ નથી! જે મળે છે એ ફુલ્લી પ્રોફેશનલ હોય છે…!! લાગણી વગરના, પ્રાણી જેવા..!
કદાચ એ વખતે માણસો જે કોઈ પણ મળ્યા એમને માટે પૈસો સર્વસ્વ નોહ્તો..! ક્માનીજ વાત કરું તો એ કદાચ ગામડાનો હતો એટલે મને સોંપી શક્યો…. બાકી…….. સાચેજ પૈસો દરેક જગ્યાએ મહત્વનો નથી જ હોતો..!!
~એજ…તન્મય..!!