આવી ગયા..

અંત વેળા એ, બધા આવી ગયા;
પારકા થ્યા એ, સગા આવી ગયા..મોત કમજોરી રહી છે, કાયમી;
જીવવું’ તું, ને ખુદા આવી ગયા..

શું હતી મારી કિંમત? ક્યાં છે ખબર;
“હા”… “ના” માં પૈસા, ખરા આવી ગયા !

દર્દ મારું, કોઈ જાણી ના શક્યું :,
હાલ જોવા તો, ઘણા આવી ગયા..

સાથ માં તારા, વ્યથા વેઠી સદા;
તું શું જાણે આમ, ક્યાં આવી ગયા..

જીવ સળવળતો હતો, મારી ભિતર;
દાહ ઠારે કોણ? સુરા આવી ગયા..

અશ્રુ,એકલતા, વ્યથા, પીધી અમે;
ઓડકારો પણ તુરા આવી ગયા..
Image
~સ્મિતા પાર્કર

ભૂલ થી પણ ભૂલ

રાહ ગોતું ને ગલી ભૂલાય છે;
કોણ જાણે ક્યારથી આ થાય છે!

કૈંક ભૂસું, કૈંક ચેકું તે છતાં;
કૈંક તારું નામ આવી જાય છે!

આપણે સાથે રહ્યાં, ખાસ્સો સમય;
કેમ “હું” ને “તું”, હવે ફંટાય છે

પ્રેમ, પત્થર, હેમ કે બસ વ્હેમ છું;
પારખા શા? બસ હવે જીવાય છે.

આમ જુવો તો હવે સપનું હતું;
તું મને જે રીત થી, દેખાય છે!

ઝાંઝવા પીધા પછી, તરસ્યો રહ્યો;
ઝાંઝવાથી હોઠ ક્યાં ભીંજાય છે!

ખુદ હું મારા શ્વાસને ગોત્યા કરું;
તું બની ચંદન, અહી ફેલાય છે.

તું હતી અક્ષર, લખી એથી ગઝલ;
આજ સઘળી પળ મહીં સંભળાય છે.

કારણો શોધ્યા તને ભૂલી જવું;
ભૂલ થી પણ ભૂલ ક્યાં શોધાય છે.
Image
~એજ તન્મય..!

જિંદગી બોરિંગ છે

જિંદગી બોરિંગ છે, પણ ચાલશે;
જિંદગી બે રંગ છે, પણ દોડશે.

‘કો અકારણ આમ ચાલી નીકળે?
ધારણા છે, તું ફરી થી આવશે.

આભ ને આખું જમા રાખી લઉં;
તેજ તારું, તો ગગન મારું હશે.

થાય, ઈશ્વરને શું પસ્તાવો ભલા!
મોત આપી ભૂલ, સુધારી જશે.

પ્રેમ તારો આખરી મંઝીલ છે;
કાયમી રોકાણ તારું, ફાવશે.

મોત ક્યાં આવે છે સાચી રીતમાં;
આશ શેની? જિંદગી સારી હશે.
Image
~એજ તન્મય..

ગર્લફ્રેન્ડ તું પ્લીઝ………!

ગર્લફ્રેન્ડ તું પ્લીઝ, મારી બની જા;
બે ચાર વાતો ય લવની, કહી જા.

કાયમ શું ટીયર બની, બસ વહેવું?
લાઈફ બની, આંખમાં તું વસી જા.

દીધો છે તે હાથ તારો, મને તો;
જો ટ્રસ્ટ ના હોય, ફિંગર ગણી જા.

ચૂમી તને, મેથ્સના દાખલા માં;
નોટો ની પણ તું, ખરાઈ કરી જા.

સૌ તો કહે, સાવ એળે ગયો છું;
તું પ્રુવ કરવા મને બસ, મળી જા.
Image
~એજ તન્મય..!

વાત થઇ!

“મેં” ગઝલ જેવું લખ્યાની વાત થઇ;
“તે” એ ફંગોળી, રમ્યાની વાત થઇ!

વાંઝણી ‘તી લાગણી હમણાં લગી;
શ્વાસ પણ તારા જડ્યાની વાત થઇ!

ઝેર પણ પીધા, અને જીવી ગયો;
આંગળી તારી અડ્યાની વાત થઇ!

પ્રેમ તો છે, બસ જતાવું કેમનો?
ગોળ, મોળો નીકળ્યાની વાત થઇ!

એરટેલીયા સખા, શાં કામના?
એકલા જીવી ગયાની વાત થઇ!

તોપગોળાના બિરુદ લઇ શું કરું?
ફૂલથી ઘા રુઝ્વ્યાની વાત થઇ!
Image
~એજ તન્મય..!

જિંદગીમાં એટલું સમજાય છે;

જિંદગીમાં એટલું સમજાય છે;
પ્રેમને પણ, વ્હેમ જેવું થાય છે.

તું ન આવે છો ન આવે, ચાલશે;
જિંદગી તો છે, ને વીતી જાય છે.

છે, બહું અઘરું તને ભૂલી જવું;
આજ નાકામી હવે ચર્ચાય છે.

કેમ કરતા વાત જાણું પ્રેમની;
એ વખત આવે ને સૌ પરખાય છે.

થાય આંખો ચારની એક તે છતાં;
કેમ? સૌ પળ વારમાં વટલાય છે.

થાક ને વ્હાલો કર્યો છે મેં હવે;
મૌનમાં પણ એ, રુદન પડઘાય છે.
Image
~સ્મિતા પાર્કર

લખ્યું છે…………..

લોકો કહે છે ઝાઝું લખ્યું છે;
થોડું ઘણું પણ, ખાસું લખ્યું છે.

સૂરજ ઉભો લમણે હાથ દઈને;
જા ઉગ! તને સરનામું લખ્યું છે.

કાંઠા ભલે ડૂબી ગ્યા હશે પણ;
ઉભવા ગઝલનું થાણું લખ્યું છે.

પાયલના રણઝણ અથડાય કાને;
એ મૌન, જેવું ગાણું લખ્યું છે.

ખોવાઇ ચૂક્યો આખો હું જેમાં;
તારી એ લટનું જાળું લખ્યું છે.

આ વાળ પણ ધોળાછમ થયા જો;
સમજણ વિના મેં સઘળું લખ્યું છે.
Image
~સ્મિતા પાર્કર