નેશનલ બુક ફેર, અમદાવાદ

કાવ્યને સંગીતની કાખઘોડીની જરૂર નથી!

શબ્દો છે તો સંગીત છે.

કાવ્યને સંગીતમાં રજુવાત કરવી એ એક કાવ્ય પ્રસારનું માધ્યમ છે! ગુજરાતમાં સંગીત બે પ્રકારે વહેંચી શકાય.સુગમ સંગીત અને કાવ્ય સંગીત. સુગમ એટલે જે સુગમ અર્થાત સારું ગમે એવું શાસ્ત્રીય રીતે સ્વીકારાયેલું હોય, જેમાં કદાચિત શબ્દ, કાવ્યને અવકાશ ન પણ હોય! જયારે કાવ્ય સંગીતમાં એવો કોઈ બાધ નથી. ગુજરાતમાં સંગીત આજકાલનું નથી. વર્ષો સદીઓથી ચાલ્યું આવે છે. એ તો છે, લગ્નગીતોમાં કોરસ લેતી સ્ત્રીઓનું પણ, અને દુહા આલાપતા અસ્સલ કાઠીયાવાડીનું પણ!

કાવ્ય સંગીત એના ઉદભવથી લઇ પ્રચલિતતા વિષે આશરે વીસેક મીનીટની અર્થપૂર્ણ જાણકારી આપ્યા પછી, સંચાલક શ્રી તુષાર શુક્લે (હા, મારા માટે આજે જે બે મોટ્ટા સરપ્રાઈઝ હતા, એમાં નું એક કાર્યક્રમના સંચાલન તુષારભાઈ ખુદ કરશે!) જયારે શ્રી મનહરભાઈ અને સાથીઓને (આ બીજું સરપ્રાઈઝ!) કાવ્ય સંગીત પીરસવા માટે આમત્રણ આપ્યું, ત્યારે એમને આખ્ખા ઓડીટોરીયમમાં બેઠેલી ચિક્કાર મેદની એક સાથે તાળીયોના ગડગડાટ સાથે વધાવી લીધા. શ્રોતાગણની ઉત્સુકતા અને રસપ્રયાણતા નિહાળી ખુદ મનહરભાઈ બોલી ઉઠ્યા : “હા, આજે ગઝલ એના શ્રેષ્ઠ સ્થાને છે!” જયારે તુષારભાઈએ કહ્યું, “ઓડીયન્સમાં માથે કાળા વાળ વાળા શ્રોતાઓની હાજરી જોઈ લાગે છે, ગુજરાતી ગઝલનું ભવિષ્ય ખાસ્સું ઉજ્જવળ છે!”

વક્રતુંડ મહાકાયના શ્લોકથી શરૂવાત કરી, મનહરભાઈએ પહેલી રચના જનાબ આદિલ મન્સૂરી (જેમને અમદાવાદને દિલથી માણ્યું છે)ની રચના જયારે પ્રણયની જગમાં…. એમના જ મુક્તક થી કરી…
****
એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ,
કોણે કહ્યું કે લયને આકાર નથી હોતા, એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

આદિલ સાહેબ અને એમનો અમદાવાદ, ખાસ કરીને માણેકચોક પ્રેમ યાદ કરતા તુષારભાઈએ એક સ રસ શેર સંભળાવ્યો :

અત્યંત ખાનગી એવી વાત વિષે,
જાહેર સભાઓ ભરાય છે, માણેકચોકમાં!
http://youtu.be/iYPGYKvZsTo
****
બીજી ગઝલ જનાબ બરકત વિરાણી “બેફામ” સાહેબની… થાય સરખામણી તો….. જેના અન રેકોર્ડેડ શેર સાથે અહી આપની સમક્ષ મુકું છું…

થાય સરખામણી તો ઊતરતા છીએ તે છતાં આબરુને દીપાવી દીધી
એમના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી

ઘોર અંધાર છે આખી અવની ઉપર તો જરા દોષ એમાં અમારોય છે
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

આ જગત ને અમારું જીવન બેઉમાં જંગ જે કંઈ હતો જાગૃતિનો હતો
જ્યાં જરા ઊંઘમાં આંખ મીચાઈ ગઈ ત્યાં તરત તેગ એણે હુલાવી દીધી

બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી કોઈએ જાળ પંથે બિછાવી દીધી

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે વાટ કિંતુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો એને આખી કહાણી સુણાવી દીધી

દિલ જવા તો દીધું કોઈના હાથમાં દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ
સાચવી રાખવાની જે વસ્તુ હતી એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી

જીવતાં જે ભરોસો હતો ઈશ પર એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલેને તરાવી નહીં લાશ મારી પરંતુ તરાવી દીધી

-બરકત વિરાણી ‘બેફામ’
http://youtu.be/H686ptl6-IA
****
મનહરભાઈ ત્રીજી રચના લઈને આવ્યા જનાબ મરીઝ સાહેબની… મુક્તક સાથે….. જેને પણ અહી અન રેકોર્ડેડ શેર સાથે મુકું છું.

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી. એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’ દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.

ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.

~મરીઝ
http://youtu.be/vED8FNTEfGE
****
કવિ માત્ર ચાર લીટીમાં કેવી કેવી અંધારી વાત સમજાવી જાય છે… એવા થોડા ઘણા દિલને અડે એવા શેરોની રમઝટ વડે મનહરભાઈએ ખુબ સુંદર વાતો કરી…. જેમાં આજના યુગનું મુક્તક ડો. મુકુલ ચોક્સીનું…. હાસ્યની છોળો ઉડાવી ગયું!

કોણ ભલા ને પૂછે છે, અહી કોણ બુરા ને પૂછે છે. મતલબથી બધાને નિસ્બત છે, અહી કોણ ખરા ને પૂછે છે.
અત્તરને નીચોવી કોણ પછી, ફૂલોની દશાને પૂછે છે. અરે સંજોગ ઝુકાવે છે, નહિ તો કોણ ખુદા ને પૂછે છે.

~ કૈલાસ પંડિત

સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી નિયમ છે પ્રેમનો સાદો કે એ ટકતો નથી
તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો અને મારો સાદો નિયમ છે, હું ભટકતો નથી

~ મુકુલ ચોકસી

એવું નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ. પણ જો પડ્યા તો બેઉને પરવડવું જોઈએ
જો સાચવી ન શકો તો કાઈ નહિ, બસ બહાનું સારું કાઢતા આવડવું જોઈએ!

~મુકુલ ચોક્સી

****
પછી આવ્યો વારો હાલરડાંનો! દીકરો અને દીકરી બંને હાલરડાં સંભળાવી, મનહરભાઈએ સૌને મંત્ર મુગ્ધ કરી દીધા….
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

~કૈલાસ પંડિત
http://youtu.be/9U0uVIW7ZpM
****દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર

દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માતપિતા નું ધન્ય થયી જાય
એક જ સ્મિત માં તારા ચમકે મોતીડા હાજર
દીકરી મારી લાડકવાયી

ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ
રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર
રૂપ માં તારા લાગે મને પરી નો અણસાર
દીકરી મારી લાડકવાયી

કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે
પ પ પગલી ચલાવતા બાપ નું હૈયું ઝૂમે
દીકરી તું તો માતપિતા નો સાચો છે આધાર
દીકરી મારી લાડકવાયી

હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવું
હાલરડાં ની રેશમી રજાઈ તને હું ઓઢાડું
પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર
દીકરી મારી લાડકવાયી

દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર

~મુકેશ માલવણકર
http://youtu.be/9Hj9fflciII

એમાય ઓડીટોરીયમમાં હાજર સૌ નાના નાના ભૂલકાઓને મંચ પર બોલાવી, બાળકોનો “સાચો” ઉપયોગ કર્યો ! બાકી આવા સમારંભમાં બાળકો ફરમાઈશની ચિઠ્ઠી પહોચાડવાના કામે જ આવતા હોય છે !

હાલરડું શબ્દ ખુબ સ રસ છે! હાલરડું એટલે હાલ જે બાળક રડતું હોય એ છાનું રહી જાય એ! માંના ગર્ભ જેવા ખોયામાં સુતેલા બાળકને સુવડાવતી માં…. આનાથી વધુ સારું દ્રશ્ય આ જગતમાં શું હોઈ શકે?! ધાર દાર વ્યંગ : જોકે ડોકટરો હવે ફ્લેટ ઘોડીયાની તરફેણ કરે છે! જેથી બાળકની કરોડરજ્જુને નુકસાન ન થાય! પણ આજેય એ ડોકટરો અને બીજા ઘણા એવા કમ્મરેથી વળ્યા નથી જેઓ ખોયા માં સુતા હતા!

~તુષાર શુક્લ
****
ત્યાર બાદ વારો આવ્યો પ્રચલિત અને એમાય પ્રેમીઓના “રાષ્ટગીત” એવા વેણીભાઈ પુરોહિત વડે લિખિત, અજીત મર્ચન્ટ વડે સ્વરાંકિત અને ગાયક શ્રી દિલીપ ધોળકિયાની મહેનતથી બનેલું, ફિલ્મ દીવા દાંડી નું “તારી આંખનો અફીણી ” સમગ્ર ગીત આપની સમક્ષ….

ગીત વિષે તુષારભાઈએ ખુબ સરસ અને રસાળ વાત કહી… ગવાય છે સોલો અને પાછળથી ફીમેલ કોરસ બની જાય છે ! સ્ત્રી અને ખાસ કરીને પ્રેયસી કે પત્ની, એક જ લીટીમાં ત્રણ ત્રણ વિશેષણો સાંભળી સૌથી મહત્વની વાત ભૂલી જતી હોય છે! “એકલો” ! જે પુરુષનું પ્રતિબિંબ છે.. પણ સ્ત્રી તો બસ, તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પુનમનો પાગલ… જાણે કે અમારા માટે જ ગવાય છે એમ માની સાથે આવેલાંને પણ ભૂલી જતી હોય છે!

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

~વેણીભાઈ પુરોહિત
http://youtu.be/F0jMptcMx8I
****
ત્યાર બાદ… એમના તદ્દન નવા આલ્બમ માંથી મુકેશ માલવણકર વડે લિખિત માતા-પિતાની વાત કહેતું દર્દભર્યું ગીત…. “પિતા કદી મરતા નથી, પિતા હંમેશાં સંતાનોમાં દેખાય, પિતાના દેનના મૂલ્ય, કદીયે સૂકવ્યા ના સૂકવાય…” રજુ કરી સૌ કોઈ ને આજની વાત વિચારવા પર મજબુર કરી દીધા…
****
અને ત્યાર પછી આવી…….. જેનો સૌ કોઈ ને આતુરતાથી ઇન્તઝાર હતો એ… જનાબ બરકત વિરાણી “બેફામ” સાહેબની એવરગ્રીન ગઝલ “નયનને બંધ રાખીને”! ગઝલના સંદર્ભમાં તુષારભાઈએ સ્ત્રીઓની માનસિકતા પર ખુબ જ હળવી રમુજ આપી… પહેલા જ મિસરા પર સ્ત્રી એટલી ઓળ ઘોળ થઇ જાય છે કે બાકીનો મિસરો જે ખરેખર વધુ પ્રેમના ઊંડાણ દર્શાવે એ દબાઈ જાય છે! “તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે!” આવું ક્યારે શક્ય બને ? જયારે કોઈ ક સાચો સાચ દિલમાં વસ્યું હોય ત્યરે જ ને?! પણ હા, તસ્વીર એક જ હોવી જોઈએ….. આલ્બમ નહિ…………!!!!!!!!!!! રજુ કરું છું… અન રેકોર્ડેડ શેર સાથે……જે પાછળથી એકલો જ ગઈ સંભળાવ્યો…..

બીજાની જેમ જ તમે પણ એને પાગલતા ગણી લેશો
નથી હારે છતાં મેં મારી હારે તમને જોયા છે.
………
અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહીં પાછા નયન ના નુર ને વાળી શક્યો નહીં
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને તે આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહીં

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

ઋતુ એકજ હતી પણ રંગ નો’તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે

નહીંતર આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે

ગણી તમને જ મંઝિલ એટલા માટે તો ભટકું છું,
હું થાક્યો છું તો એક એક ઉતારે તમને જોયા છે.

નિવારણ છો કે કારણ ના પડી એની ખબર કંઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.

બીજાની જેમ જ તમે પણ એને પાગલતા ગણી લેશો
નથી હારે છતાં મેં મારી હારે તમને જોયા છે.

નથી મસ્તી મહોબ્બત એવું કંઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચું છે અમે એના મઝારે તમને જોયા છે.

~બરકત વિરાણી “બેફામ”
http://youtu.be/iyOTewbLyJA
****
ત્યાર બાદ…. મનહરભાઈએ પોતાના અપ્રિતમ ગીત “હર કિસીકો નહી મિલતા યહાં પ્યાર ઝીંદગીમેં ” સાથે શ્રોતાગણ અને આમત્રિત મહેમાનો સાથે મિલાપ કરતા AMC અને આયોજકોના આભાર સાથે……એક સાચા મિલનસાર ગુજરાતીને છાજે એવું ભલે ઇંગ્લીશમાં પણ “લવ યુ અમદાવાદ” કહી.. સમાપન કર્યું……… અને સમારંભનો પહેલો મુકામ પૂર્ણ થયો….. ગઝલના અપ્રિતમ યુગ સાથે…
****
તને પ્રેમ કરું છું…. હું તને પ્રેમ કરું છું…..
જાણું નહિ કે કેટલો ને, કેમ કરું છું….!!

અરે અરે..! આટલું વાંચનાર સાચ્ચે જ હકદાર હોય આ પંક્તિના! પણ એ તો છે સમારંભના બીજા દોરના પ્રથમ ગીતની…પંચોળી સાહેબની રચના! (કઈ ઊંધું ન લેતા દોસ્તો) ત્યાર બાદ સૌમિલભાઈ, આરતીબેન, જેવા ઘણા દિગ્ગજોની કળા પેશ થવાની બાકી હતી… પરંતુ મારે સમયના અભાવે ભાગવું પડ્યું…

સો સેડ યાર… પણ ખુશી એ વાતની છે… તુષારભાઈ અને મનહરભાઈ બંનેની જુગલબંધી સાથે બે સવા બે કલ્લાક ક્યાં વીતી ગયા.. ખબર ન પડી. મારી જેમ જ આખું ઓડીયન્સ, આખો કાર્યક્રમ માણવા એઝ ઈટ ઈઝ હતું! ચિક્કાર મેદની અને ઓડીટોરીયમની બહાર મુકેલા સ્ક્રીન પર પણ એટલી જ સંખ્યામાં દર્શકો કાર્યક્રમને નિહાળી રહ્યા હતા. સાચ્ચે છોટી કટિંગનું રસિક મારું અમદાવાદ………. સાહિત્યપ્રેમી બની ગયું…. લવ યુ અમદાવાદ…. અને આભાર AMC

Image

4 thoughts on “નેશનલ બુક ફેર, અમદાવાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s