ઘર….

Image
કેવો નાનકડો શબ્દ છે નહિ ?! કાનો માતર વિનાના બે અક્ષરો. કેજી માં શીખેલા ઘ ઘરનો ઘ. ઘ ને કઈ નહિ ઘ…. ર ને કઈ નહિ ર ! ઘર. કક્કો બારાખડીમાં આવા શબ્દો આમે ય વધુ ગમતા. જોડણીની જફા નહિ….ઘરકામ (એમાય ઘર!) માં ૫ શબ્દો અપાય તો દસ લખાઈ જાય! ઉચ્ચારણમાં સીધું સટ. આજે ય ગમે છે. (એટલે? ઓયે મારી અને મારા કરતા તો તમારી કમનસીબી છે કે હું હજીય એટલો બાળક નથી…વાંચો આગળ) એ વખતે અક્ષરો ગમતા, આજે એનો અર્થ ગમે છે.

મારા મતે, આ બે અક્ષરો વડે બનેલા શબ્દના અર્થને પામવું, કદાચ પ્રત્યેક પુખ્ત વ્યક્તિની એક માત્ર ચાહના હશે. ઘર….. ધરતીનો છેડો ઘર… અથવા તો ધરતી જ્યાંથી શરુ થાય એ પ્રારંભ એટલે ઘર. એક એવું સ્થળ જ્યાં સામાજિક પ્રાણી નામે માનવી… સહજ પણે, સાદી ભાષામાં કહું તો…. જંગલની જેમ વર્તી શકે એવી જગ્યા એટલે ઘર! વ્યક્તિ જેને પોતાનું ઘર સમજી શકે, એ જગ્યા એને માટે આખા જગત જેવું જ હોય છે.

ફાવે તેમ કરી શકે, ઈચ્છે તેમ ચરી શકે, ભલે ને ન આવડે…. છતાય ગાઈ શકે, નાચી શકે. જાતની મર્યાદા બાજુમાં મૂકી, એ જ મર્યાદા પર કાબુ મેળવવા પ્રયત્નો કરી શકે, ઇન શોર્ટ, દિલ ફાડીને જાતને જીવી શકે. એવી જગ્યા એટલે ઘર. ઘર જ એની ધરતી અને આ સઘળી લાગણીઓ, ખુશીઓ, ગમો, દુ:ખો, વેદનાઓ આંસુઓ, ધડકનો… પ્રત્યેક જીવતી પળોની લેહરાતી મોહલાતનો એક માત્ર રણી ધણી એ પોતે!

ભીનો ટુવાલ સૂકવ્યો ન હોય, પેપરના પાના પંખાની હવા સાથે તાલમાં આવી ઉડતા હોય, દાઢીનો સામાન ધોયા વિનાનો બેઝીંગ શોભાવતો હોય, મ્યુઝીક સીસ્ટમ કોક’દી દેવકીની બકબક તો કોક’દી ગાયત્રી મંત્ર સંભળાવતું હોય, રસોઈ માંથી મનગમતા પકવાનની ખુશ્બુ આવતી હોય, વાતો તાડુકાથી નહી, લાગણીથી થતી હોય, થોડી ઘણી ધમાલ મસ્તી, ધીંગા મસ્તી, અવળ ચંડાઇ, કેટલાક હ્યુમર મિશ્રિત કટાક્ષો, કેટલીક દર્દભરી કબુલાતો, અસંખ્ય વેદનાઓ અને એમાંથી ઉભરવા માટેના પ્રયત્નો, કોઈ પણ પરિસ્થિતિમાં સાથે રહેવાના પ્રયાસો…. આ બધું એક મકાનને જીવંત બનાવે છે, ઘર બનાવે છે…

કેટલાક પરિવારમાં શિસ્ત અને શિષ્ટ બંનેનો ખાસ્સો એવો આગ્રહ જોવા મળે છે. રાખવો જોઈએ ખોટું નથી….આમ બેસો, આમ સુઓ, આમ કરો, આમ ન કરો….  ઉફ્ફ્ફ્ફ! આ તો ઘર છે, ભૈ મ્યુઝીયમ થોડી છે! મમી તો કબરોમાં શોભે ઘરમાં નહિ. ઇન શોર્ટ…. અહી તો જીવંત હોવાનું છે! અને એટલે જ કદાચ એણે ઘર કહેવાય છે! વાસ્તવમાં જ્યાં પૂરી ચાર દીવાલો પણ ન હોય એ જગ્યા કોઈકનું ઘર હોય છે અને ચાળીશ દીવાલો વાળા બંગલા કે ચારસો દીવાલો વાળા મહેલો પણ, કોઈકના મકબરા થી વિશેષ નથી બની શકતા. તો આ ઘર એટલે શું? એની સાચી વ્યાખ્યા પાયાની શરત શું?

મારા હિસાબે (હાસ્તો બ્લોગ મારો, મેહનત મારી, વિચાર મારા, શબ્દો મારા, તો હિસાબે ય મારો જ ને !) ઘર એટલે એક એવું સ્થળ જ્યાં એક નાનકડું પરિવાર ધબકતું હોય, શ્વાસ લેતું હોય, જીવતું હોય. ભલે ને એ પછી પાકું તો શું ઇવન નળિયા કે છાપરા વિનાનું બસ માત્ર ફૂટપાથને ટેકે તાડપત્રીની આડશમાં બનાવેલું, ટાઢ તાપ કે વરસાદી વાછટથી બચવા, માત્ર ચૂલો સળગી શકે અને ત્રણેક વ્યક્તિ સાથે બેસીને જમી શકે અને પછી સફાઈ કરી એજ જગ્યાને સુવાના ઉપયોગમાં લેવાય એવું…..કોઈક શ્રમિકનું આશ્રય સ્થાન કેમ ન હોય!

યેસ, સાથે બેસીને જમી શકાય એવી જગ્યા એટલે ઘર……

(સોરી યાર, એક લીટી સમજાવવા આટલી લાંબી ખેંચી એ બદલ…)
Image

~એજ તન્મય..!