હે માનવી….!

Imageખુદની ભૂલે કાન, આંખ આડે ધર્યા;
બીજાની ભૂલે એ, સુપડાં સમ કર્યા!

લાગી છે તારી નજર, કલમને હવે;
લખવી ‘તી ગઝલો, નર્યા ઉખાણા સર્યા!

સૌ કોઈ પલ્લે શનિને, સરખા જ છે…
રાહત શેની? પાપ જ્યાં કર્યા તે નર્યા!

થૈ થૈ ને આવો જ થ્યો તું? હે માનવી!
લખ લખ ફેરાં તે શું જખ મરાવા ફર્યા?

કર્મોના ફળથી બચ્યો ન ઈશ પણ કદિ;
માર્યો તો રામે, એણે જ કૃષ્ણ હર્યા!

~એજ તન્મય..!

નહિ આવું….

હું મારો વટ આ તોડીને, તને મળવા નહિ આવું;
મરદ છું, લાજ ઓઢીને, તને મળવા નહિ આવું.

ભલેને આ જગત ગણતું રહે પાગલ મને અમથું;
હું સમજણ એ વળોટીને, તને મળવા નહિ આવું.

ફરીથી ઢોંગ તું કરશે, હવે અણસાર છે મોઘમ;
નયન મીચી હું દોડીને, તને મળવા નહિ આવું.

જનમ દેનાર જનનીનો ઘણો, ઉપકાર છે ગાંડી;
એ મા નો રોષ વ્હોરીને, તને મળવા નહિ આવું.

હજી તો જાતને પુરવાર કરવી સ્હેજ છે બાકી;
અધૂરા કામ છોડીને, તને મળવા નહિ આવું.

પ્રણય બાકી નથી તો પણ હવે આમંત્રણો શાના?
કસમ મારી હું તોડીને, તને મળવા નહિ આવું.

હજી તો માંડ બેઠું છે હ્રદય, તારા એ જ્ખ્મોથી;
હ્રદય મસળી મરોડીને, તને મળવા નહિ આવું.

એ પાનું ફેરવી લેજે જ્યાં મારી વારતા આવે;
હું એ ખુમારી છોડીને, તને મળવા નહિ આવું.

~એજ તન્મય..!

(May 15, 2013)

ચાલશે….

કોક અવસરમાં, મળો તો ચાલશે;
મારી સમજણમાં, રમો તો ચાલશે..

કેટલા બાકી રહ્યાં દિવસો હવે..
પળને પણ વરસો ગણો તો ચાલશે ..

કાં લખો ગઝલોમાં વાતોને તમે?
જિંદગી સરખી લખો તો ચાલશે..

હું સતત જીવી ગયો ‘ઊપર મુજબ’;
કૈં નવું અપનાવશો તો ચાલશે..

હું લખું “તારા વિષે”, “મારી ઉપર”;
વાત એ એક જ, ગણો તો ચાલશે.

~એજ તન્મય..!

(May 22, 2013)

કેમ છો….

પૂછવાના શું સવાલો, કેમ છો!
કોણ દે સાચા જવાબો, કેમ છો!
અક્ષરોને મેં કદી જીરવ્યા નહિ
પૂછવું પડશે હે શબ્દો! કેમ છો!
શ્વાસ ત્યાં મારા બન્યા છે બેખબર;
સાંભળી જ્યાં આપનું, ‘તો! કેમ છો’!
મતલબી તો કેમ છો પૂછનાર છે
ઈશ ક્યાં પૂછે છે ભક્તો કેમ છો !
કોકની સામે ધરો શું આંગળી ?
જાતમાં ખુંપો તો જાણો કેમ છો!
આજનો નેતા પૂજે વેપારને,
કોણ પૂછે ઓ શહીદો! કેમ છો!
~એજ તન્મય..! (06/03/2014)

જરા…..

નિષ્ફળ પ્રણયના અમને, દિલાસા મળે જરા;
આવી “એ” બેરૂખી ના, ખુલાસા કરે જરા.
સરહદ વટાવી ખુદ, માં શોધું મને જરા;
હો લાલસા ખુદાની, ને પામું તને જરા.ખળખળ વહે છે નીર આ, કોના વિચાર માં?
પાણીની એ તરસની સફર તો ફળે જરા.

એવું છે કોણ જેમ ને, ઈશ્વર દયા ફળી;
ઈચ્છા કબુલ થાય, “એ” પાછા ફરે જરા.

રાતે ઉજાગરા કરી, ગઝલો લખી અમે;
ગમતીએ દાદ કોક તો, આપી જશે જરા.

~એજ તન્મય..!

(May 28, 2013)

સદા…

લખતો રહ્યો છું જાતને, અક્ષર બન્યો સદા;
બાવન જણાની ભીડમાં, જોકર રહ્યો સદા!

ઈશ્વરને ભાંડવાની તો આદત છે લોકની;
માથું દુખે તો પેટને, દર્શાવતો સદા.

આ જિંદગીની દોટમાં, નિષ્ફળ રહ્યો છું હું;
આભાર એમનો મને, લાયક ગણ્યો સદા.

ડરતો નથી ફરજ રૂપે, રણ છોડવું પડ્યું;
મજધારમાં નહિ અને, કાંઠે વસ્યો સદા.

આવ્યો તો જીંદગીમાં હું, દોસ્તી નિભાવવા;
સામે મળ્યો જે દોસ્ત એ, દુશ્મન હતો સદા.

~એજ તન્મય..!

(May 30, 2013)

જિંદગી….

બળતી બપોરે દાહમાં, શેકાય જિંદગી;
ડામરને રસ્તે જીવતી, ભૂંજાય જિંદગી.

ઝાકળ પડ્યું હતું અહી, થોડું સવારમાં;
ડાઘા વિષે સવાલથી, મુંજાય જિંદગી.

તારા કરે છે આપની, ચર્ચા સભા ભરી;
વાદળ નથી ને તે છતાં, વરસાય જિંદગી.

કોરું આ રણ મને હવે, લાગે છે પોતીકું;
ઝરણાને સ્થાન ઝાંઝવે, ભીંજાય જિંદગી.

રાખ્યા’તા ફૂલ સાચવી, એના મિલન વિષે;
અડચણ ઘણી હતી, ને જો કરમાય જિંદગી.

આખું ય રૂપ એમનું અંકિત કરું ને ત્યાં;
કોરા રહે તુમાર ને, વંચાય જિંદગી.

મૃત્યુ પછી જ આવતા અહેવાલ શે બનું?
જીવતી છબી મરણ બની, ચીતરાય જિંદગી.

~એજ તન્મય..!

(June 4, 2013)