લપેટમાં….

લેવી છે આજ જિંદગી એવી લપેટમાં;
છુ ને હતો હું જે રીતે, તારી લપેટમાં!

એવું તો શું કહ્યું ‘તું તે, નજરો ઝુકાવીને;
પાણી ભરે જગત હવે, આવી લપેટમાં.

લીધા-દીધાના ખેલમાં, સઘળું મૂકી દીધું;
આ આયખું ગયું એ, જુઆરી લપેટમાં.

રણમાં ફર્યો તો ખૂબ હું, ઝાકળની શોધમાં;
ને ઝાંઝવે લીધો મને, એની લપેટમાં.

સસ્તો થયો છે આદમી, ઉપજે નહી કશું;
ફૂટે કપાળ આવીને, સરકારી લપેટમાં.

ઓ કાફિયા! મને હવે પજવે છે કેમ, હાં?
લે આજ ખુદ રદ્દીફ છે, મારી લપેટમાં!

ઈશ્વર થશે શું કોઈનો ? તન્મય ભૂલી જજો;
શું કામ લે છે સૌ ને, એ ખુદની લપેટમાં!

~તન્મય..!

(June 6, 2013)

તો કહું….

ટેરવા તુજના, જો અડકે તો કહું
સાવ કોરા શ્વાસ લપસે, તો કહું

લો કરું કોશિષ ને ફાવે તો કહું;
ઝાળ સાગરમાં જો પ્રસરે તો કહું.

દેહમાંથી પ્રાણ જાણે નીકળ્યા
નેહ ભીના હાથ ફરકે, તો કહું

રાત આખી મૌનમાં કાઢી હવે
તું સવારે સામી મળશે, તો કહું

રોજની કેડી ભલા શું માંડશે?
આ તરફ અમથી, તું રઝળે તો કહું

સાંજની દેરીએ દીવડા હું ધરું;
લાગણી સાચી જો જડશે તો કહું.

હું ને તું તો સાવ નોખા ને અલગ
નાદ એકાકાર રણકે, તો કહું

એ કદી ઉગતો કે આથમતો નથી;
આ સમયને માન મળશે તો કહું.

કોણ ‘કે છે જિંદગી નાટક હશે?
ટેક વિના કોક ભજવે, તો કહું.

~એજ તન્મય..!

(June 15, 2013)

અજાણે……

લાલ તું અમથી અટાણે થાય છે;
શાંત થા! થોડું વધારે થાય છે!

વાત છો ને અક્ષરોમાં થઇ રહી;
એ ન સમજો, કે પરાણે થાય છે!

ખાલી ફોગટની બબાલો શું ભલા?
કાં તને ગુસ્સો કટાણે થાય છે!

ભૂલ પૂછી તો કહે ‘દિલમાં જુવો’;
ભૂલ છે હા પણ, અજાણે થાય છે!

આમ શું રિસામણા નાહક જરા?
આપણી ચર્ચા વચાળે થાય છે!

~એજ તન્મય..!

(June 19, 2013 )