૦૧/૦૩/૨૦૧૪
Saturday
નિહાગ, એલાર્મ પાસે જ રાખજે.. સવારે કદાચ…. મહા મુસીબતે આઉટ સોર્સની આંટી ઘૂંટીઓ વાંચવાનો ડોળ કરતા કરતા બને એટલા સંયમ સાથે મેં કહ્યું..જવાબમાં સોફ્ટવેર ડીઝાઈનીંગમાં ડૂબેલા, સ્વભાવથી તદ્દન વિપરીત, કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા દર્દીના ચહેરા જેવા ફિક્કા સ્મિત સાથે બોલ્યો….. “શું જરૂર છે ગાર્ગી, આમ પણ આજે ઊંઘ ક્યાં આવશે !”……. અને વધુ સહન ન થતા, મેગેઝીન ફેંકી બેડ પરથી સીધી જ એની છાતી સરસી લપાઈ ગઈ. માંડ ખાળી રાખેલા આંસુ છૂટી પડ્યા. “એક્સટ્રીમલી સોરી નિગ… મને માફ કરી દે.. વન મોર ટાઈમ આઈ ગોન ટૂ બી ફેલ્ડ. આઈ લવ યુ નિગ પ્લીઝ મને માફ કરી દે.. ધ્રુસકા, ડુસ્કા, ત્રુટક, ત્રુટક સાદે…. બોલતી રહી ક્યાય સુધી….
ક્યાય સુધી…. એણે મને વહેવા દીધી… કહેવા દીધી.. રીસ્પોન્સમાં માત્ર મારા વાળમાં આંગળીઓ ફેરવતો રહ્યો. ક્યાય સુધી….જ્યાં સુધી હું સ્વસ્થ ન બની ત્યાં સુધી… નિહાગ, આમ તો મારો પતિ હતો.. પરંતુ સરપ્રાઈઝલી (ગામની વાતો, અનુભવો સાંભળ્યા પછી) મારો સાચો “મિત્ર” પણ એ જ હતો. ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું બખૂબી જાણતો. એની વર્કિંગ ચેર પર બેસાડી (જ્યાં એ દિશાને પણ કદી બેસવા ન દેતો) પાણી લઇ આવ્યો. મારા ખોળામાં માથું રાખી ઘૂંટણીએ બેસતા બોલ્યો…
“કેટલા નાટક કરે છે, કાય્ય્મ ! જભ્ભો આખો ભીનો કરી નાખ્યો!” એના માથાના સીધાસટ ઝીણકા વાળમાં ફરતી મારી આંગળીએ અચાનક રોકાઈ જઈ હળવેકથી ટપલી મારી દીધી.અનાયાસે જ.. “ડફર, નાટક લાગે છે?? જવા દે, તને નહિ સમજાય, કોઝ યુ આર અ મેન”
લે બોલ… એમાં મેન વુમન જેવું શું!?!
જવા દે… કહ્યું ને. આટલા પ્રોફેશનલ પુરુષો જ હોય..
ઓહ્હૂઓ… ભાઈ ભાઈ..આ ખરું. તું આમ રડીને આંખો સાફ કરી લે. ને મારે ચશ્માં આઈ ગ્યા! તારી જોડે તો કાકો લાગુ છું હવે. બધું સમજાય છે. ચલ સુઈ જા, ને મને કામ કરવા દે. નહી તો તારા લટકા મટકાના ખર્ચા ક્યાંથી નીકળશે. મિઝ ગાર્ગી વ્યાસ શાહ.
ઓયે…. હું ય જોબ કરું છું, એઝ અ મેનેજર સમજ્યોને?! તમને ક્યારે બોજ પડ્યો મારો બોલજો તો મી. નિહાગ શાહ…??
વ્હોટેવર, ને હા, તારી સગવડ જાતે કરી લેજે. આજે તો કઈ નથ આલ્વાનો જો તુ. બધું મુ જ કરું ??!!
હા હા તે કરી લેશું. ત્રણ ‘દિ કરવાનું એમાં ય જોર પડે છે. તમે શું સાચવવાના અમને આખી જિંદગી. સાચુકલા છણકા સાથે બેડ પર આવી ગઈ. ભાડમાં ગ્યું આઉટ સોર્સ પણ!
વિજયી મુદ્રા ધારણ કરી, ઇન્ટર લોક નાઈટ ડ્રેસ જભ્ભાના કોલર (!) ઊંચા કરતા, એજ ચિરપરિચિત સ્માઈલ સાથે બોલ્યો… “ધેટ્સ માય ગર્ગ ઈઝ બેક…. નિહાગ…. યુ આર ટૂ ગુડ મેન…! એન બાય ધ વે, ઇવન આઈ ફિલ સોરી. કોઝ આઈ ઓલ્સો બિન ફેલ્ડ વિથ યુ. લવ યુ ગર્ગ. ચલ સુઈ જા, મારી ગાર્ગીને આંખે બ્લેક સ્પોટ હું સાંખી નહિ લઉં મિઝ મેનેજર. ઉસકી કિમત બરાબર ચુકાની પડેગી આપ કો !
અને અને અને……બધી વેદના, બધી વ્યથા, બધા સિસકારા, બધા ડુસકા, એના આ શબ્દો થી જાણે કે ગાયબ થઇ ગયા. સાવ નોર્મલ બની રજાઈમાં લપાઈ ગઈ. અલબત્ત આવનારા ત્રણ દિવસોના ડીપ્રેશન, કમ્મરના દુખાવા, ચિડીયાપણું, અનિંદ્રા અને અપચો જેવા માનસિક અને શારીરિક ફેરફારના થડકાર સાથે.
ક્રમશ:
~એજ તન્વય..!
——————————————————————————
ફોટો કર્ટસી : http://teamof6.blogspot.in/2012/07/dear-diary.html