૦૨/૦૩/૨૦૧૪
Sunday
આજે જયારે આ લખી રહી છું ત્યારે એ ત્રણ ગોઝારા દિવસોમાંથી માયુસી અકળામણ ભર્યો એક દિવસ પૂર્ણ થઇ ચુક્યો છે. લટકામાં એકલતાની ગુંગણામણ સાથે. જનરલી નિહાગ હોય છે જ. બટ સન્ડે હોવા છતાં આજે બરોડા ગયો છે. અને નાઈટ સ્ટે પણ ત્યાં જ કરશે. મારે બીજું તો કોઈ છે નહિ. લવ મેરેજને કારણે ઘરના બધા સબંધોનું તો ઇતિશ્રી થઇ ચુક્યું છે. ક્યારનું. એટલે પ્રમાણમાં બોલકી અને લાડલી નણંદબા દિશુંને બોલાવી હતી. અફસોસ એ ખુદ એના પ્રોબ્લેમ્સમાં ડૂબેલી નીકળી. “ના” કહેવા બદલ બિચ્ચારી કોલમાં જ રડી પડી.
એઝ યુઝવલ, એના કોલમાં આઈ નો… ઇટ્સ ઓકે… ટેક કેર… ચાલ્યા કરે… એવું જ હોય બધે… બાય… આવા બે પાંચ તુટક શબ્દોથી વધારે હું કાઈ બોલી નહિ. બોલી શકી જ નહિ. દિશા અને સાસુ, બંને માં-દીકરી ખરા બોલકા હતા. હું તો ઘરમાં હોઉં કે ના હોઉં, હાજરી વર્તાય એટલો હલ્લો નથી. પણ સાસુ, એમને બોલવા વધુ જોઈતું. અને એ મારા કોઈ જ વાંક ગુના વગર હંમેશા મારાથી નારાજ રહ્યા, ગયા ત્યાં સુધી. એ ખુદ સ્વીકારી નોહતા શક્યા કે……………. હા, બટ બહાર હંમેશા મારું ઉપરાણું લેતા. કહેતા ‘માં બનશે તો બેડોળ થઇ જશે. છો રહેતી નાગરવેલ જેવી!” મિસ યુ મોમ. એન સોરી. આપની ઈચ્છા હું આપના જીવતે જીવ પૂરી ન કરી શકી…
એ ગોઝારા ત્રણ દિવસ એટલે, મેસ્યુંરેશન પીરીયડ. માસિક આવવો. સાવ સામાન્ય વાત. પણ કેવી અસહ્ય! જાણે કે રક્તરંજીત રેપરથી ગીફ્ટ પેક કરેલો બેફીઝુલ શરમનો અહેસાસ. શાસ્ત્રો કહે છે કે સ્ત્રી પાસે એ દિવસોમાં વધુ કામ ન લેવડાવવું. જેનો કારણ દર્શક અર્થ કરું તો… એ દિવસોમાં અશક્તિ વર્તાય છે અને એટલે જ આરામ “પાળવા”ની ફરજ આપવામાં આવતી હશે. એન્ડ સી, સાવ નગણ્ય અને એક હેલ્ધી સ્ત્રી માટે તદ્દન નોર્મલ કહી શકાય એવી આ વાતને કેવા એન્ગલથી જોવાય છે! એમા ય મારા જેવી. સ્ત્રી જે લગ્ન ૧૨ વર્ષ પછી પણ માં નથી બની શકી એને માટે તો ખાસ!
રીપોર્ટસ ચોખ્ખે ચોખ્ખું કહે છે કે હું નોર્મલ છું અને નિહાગમાં કાઉંટ્સ ઓછા છે.. ઈશ્વરની કૃપા થશે તો જ એ પિતા બની શકશે. જે સમયગાળો એક વિક, એક માસ, ત્રણ છ કે બાર મહિના કે પછી આખી જિંદગી.ગમ્મે તે હોઈ શકે છે. હદ તો એ છે કે આ વાતનો સ્વીકાર એણે અનેકોવાર સરા જાહેર પણ કર્યો છે.. છતાં ય મારો જ વાંક ?!
હું એને ખુશ નહિ રાખતી હોઉં…. હું એને અડવા, પ્રેમ કરવાથી રોકતી હોઈશ…. મારે જ છોકરા નહી જણવા હોય…. હું મારી જાન મારા શ્વાસ બની ચુકેલા નિહાગને અળગો રાખતી હોઈશ… વ્હોટ રબીશ યાર! મારા આંસુ, મારું શરીર, મારી વેદના મહિને દર મહિને રક્ત બની સાવ ફોગટમાં વેડફાય છે. એ સ્ત્રાવની અગ્નિ સહન કરું છતાં પણ ???
અરે, એ સ્ત્રાવ છે… મારો સ્ત્રાવ… મારી એકલતાનો શાક્ષી, મારી આંખોની શોધનો થાક, મારા કોશ મારા અંગે અંગનું રુદન જેમાંથી નવું અંકુરણ ન ફૂટી શક્યાનો રંજ. બંજર જમીન પર ઉપસી આવેલી ફાટમાંથી વહી રહેલા લોહીની ટશરો છે એ. હું માં, સર્વ સામાન્ય કુદરતી રીતે માત્ર મારા નિહાગનાં બાળકની માં બનવા માટે ફરી એક વખત નિષ્ફળ ગઈ, એ આરોપનામાં પર મહોર અંકિત કરવા માટેની લાલ સ્યાહી છે એ તો.. એક માંની વિવશતા… એક સ્ત્રીની નિષ્ફળતા… એક પુરુષની અધુરપ.. સઘળી વ્યથાનો મૌન શાક્ષી છે એ. જેનો સમાજ કે પરાણે બની બેઠેલા અમારા સો કોલ્ડ શુભ ચિંતકો એ લેશ માત્ર ઉપહાસ કરવાની જરૂર નથી જ નથી. એ વ્યથા, વેદના, રંજ કે બીજું જે કઈ પણ છે મારું છે અને મારું જ રહેશે…..
નિહાગ તું કહે છે ને કાયમ. થોડી શોશિયલ એક્ટીવ થા. ઓફીસ સિવાય પણ બહાર ફ્ન્ક્શન્સ વગરેમાં જા. ગ્રુપ્સ બનાવ. કિટી અટેન્ડ કર.. etc..etc …બટ શું કામ જાઉં? ઉપર ઉપરથી મળતાવડી લગતી નોટો(!) અંદરથી એટલી જ ટીકા કરતી હોય છે. પીઠ પાછળ વાર કરતી એ સો કોલ્ડ સન્નારીઓ જોવી ય ગમતી નથી વાત તો દૂરની વાત ગણાય. વણજોઈતી સલાહો, ઉપચારો, દોરા ધાગાની સફ્ફાઈઓ એવી ઠોકશે કે જાણે ખુદ પ્રેગ્નેન્સીમાં PHD થયેલી નાં હોય! ડીયર નિગ જોઈ લે, આજ કારણ છે મને સામાજિક થવું નથી ગમતું. કાલ ઉઠીને ફરીથી કોક કહી જશે…………………..
“”આ વખતે પણ તમે આડે બેઠા??””
(અપૂર્ણ)
~એજ તન્વય..!
______________________________________________________________________
ફોટો કર્ટસી : https://bolstablog.wordpress.com/2009/08/
Heart Touchy wordings….
આભાર આરતીજી.. બસ લખાઈ ગયું!