“રેડી?” નિહાગ આજે વહેલો ઉઠી ગયેલો. કાયમની જેમ ! મને સ્નિગ્ધસ્નાતાના પરિવેશમાં જોઈ બોલી ઉઠ્યો.. અને હમ્મેશની જેમ જ મેં પ્રત્યુત્તર વળ્યો… યેસ બટ અત્યારે કઈ નહિ હો ! કાલે ગુલાબ ગેંગ જોયું છે, ખબર છે ને ?!
ઓહ્હોઓ. માધુરી આન્ટી..! બટ આપણે તો રાવડી રાઠોર… જો મેં કહેતા હું..વો મેં કરતા હું…ઓર જો નહી બોલતા……. કહી થોડો પાસે આવ્યો.
એક વાર કીધું ને રાત્રે એટલે રાત્રે..(સાલું હજી ય આ ડફરથી કેમ શરમાઈ જવાય છે?!) જલ્દીથી ફ્રેશ થઇ જા… નહી તો લેટ માર્કિંગથી મારી મોર્નિંગ બેડ થઇ જશે.
રાત કી બાત રાત મેં…. બાય ધ વે… પરિંદામાં પણ માધુરી જ હતી!
કમ ઓન નિહાગ ઉભો થા ને.. ગેટીંગ લેટ યાર… રાત્રે વાત બકા પ્લીઝ…
“નિહાગ? નો વે… હવે તો નહિ જ… ચાર ચાર યુગ વીતી ગયા ખબર છે ને! અને નિહાગ કહેવાની સજા ગણી લે બસ્સ બટ અત્યારે એટલે અત્યારે જ” કહીને રીતસરની ઊંચકી ભીના વાળ સાથે જ બેડ પર નાખી. આગળ કશું બોલવાનું હતું નહિ. વધુ તો શું લખું… ૭ ના ૮.૩૦ ક્યારે વાગી ગયા, ખબર જ ન રહી!
નિહાગ… સોરી નિગ ક્યારેય નથી માનતો. આજે ય ન માન્યો. ચાર દિવસને ચાર યુગ ગણાવે છે! ઉપરથી ભલે ના કહું, અંદરથી તો હું એગ્રી જ હતી. ચાર દિવસ એના વગર ન રહી શકી. કોક વાર મને સાચ્ચે ડાઉટ પડે છે. ૧૨ ૧૨ વર્ષ સુધી નિરંતર, એકધારો પ્રેમ? આટલો રોમાન્સ ? એક સાવ સામાન્ય પાત્રની સાથે? હું ક્યારેય સર્વથા સર્વ ગુણ સમ્પન્ન ક્યારે નોહતી. કોલેજ કાળથી જ ગુસ્સો દુર્વાસા મુનિ જેવો હતો. જે મને પરણ્યા બાદ પણ એટલો જ નડેલો. ભણતર સિવાયની ઘરકામ કે રસોઈ જેવી કોઈ આવડત ખાસ્સા સમય સુધી નોહતી આવી. એક્ઝામ દેવા જાઉં ત્યારે પેન ભૂલી જાઉં એટલી ભુલકણી પણ! એક વાર નિયતને ફરવા લઇ ગયેલી ને ત્યાં જ ભૂલી આવેલી. ખાસ્સી દોડધામ પછી મળેલો. વાત છેક પુલીસ સુધી પહોંચેલી. રસોઈ તો હજી ય ચોપડી વાંચી બનાવવી પડે છે! તો પણ આટલો પ્રેમ કઈ રીતે? આસપાસના અનુભવો ચર્ચાઓ ખબરો બધાનો નીચોડ એમ જ કહે છે કે આટલા વર્ષે એટલીસ્ટ પુરુષ સ્ત્રીને ટેક્ન ફોર ગ્રાન્ટેડ લેવા લાગે છે. પત્ની એણે માટે રૂટીન, સીઝન્ડ, ઘર કી મુર્ગી ટાઈપ લાગવા લાગે છે. ને આ ડફર, મારો ગાંડીયો નિગ. કાય્ય્મ કામદેવના વિભિન્ન સ્વરૂપે જ પ્રગટ થતો રહે છે!
બંને નીકળ્યા ત્યારે ખાસ્સું લેટ થઇ ગયેલું. એકટીવાને સર્વિસમાંથી લાવવાનું ભૂલી ગયેલી. ટ્રાફિકને લીધે કારમાં વધુ મોડું થયું. વધુમાં ચાવી અંદર રહી ગઈ! જોકે આવું તો આવું અનેકોવાર થયું છે એટલે ગેરેજવાળાએ મને બહારથી અંદરનું લોક ખોલતા શીખવી દીધું છે. જેમાં માસ્ટરી આવી ગઈ છે! યેસ, બાકી સબ ઠીક હૈ. લેટ માર્કિંગ ની ત્રણ મિનીટ પહેલા પહોંચી ગઈ જેમ તેમ કરીને.
બપોર સુધી તો કંઈ બન્યું નહિ. ૨.૩૦ વાગે ‘રસોઈ માંથી રજા, ઘરે જલ્દી પહોંચજે. વિલ ગો સમવ્હેર આઈ રીચ્ડ એટ ૬.૪૫’ જેવા નીગના મેસેજથી મારા ઉપરના વિચારને સ્વીકૃતિ મળી. હું મનોમન પોરસાઈ. એ ડફર આવા સરપ્રાઈઝ આપવામાં માહેર હતો છેક કોલેજ કાળથી. ‘ક્યાંક” જવાનું હતું એટલે એ મુજબના ડ્રેસિંગ સાથે સાંજે પરફેક્ટ ૬.૪૫ વાગે રેડી થઇ ગઈ. ટાઈમિંગ માટે એને બ્રેવરી અવોર્ડ મળવો જોઈએ. એના કહ્યા મુજબ વોચ સેટ કરીએ તોય વાંધો ન આવે! ૬.૪૫ને ડોરબેલ વાગી, બારણું ખુલતા જ મને શીફોનના V નેક ફૂલ સ્લીવ લોંગ ઇવનિંગ ગાઉનમાં જોઈ થોડો ઝંખવાણો પડી ગયો. “સોરી બકા, આપણે દીશુને ઘેર જવાનું છે” ઓહ્હ હવે?
“ચાલશે આમ જ.. માલ લાગે છે” થોડી આનાકાની, થોડી શરારત, થોડો રોમાન્સ (નિગ અને રોમાન્સ એ બે પર્યાય વાચી શબ્દો ગણાય!) ૭.૨૫ વાગે અમે નીકળ્યા. અલબત્ત ઉપર બ્લેઝર પહેરી લીધું. કારમાં એણે કેમ જઈ રહ્યા છીએ એનો ચિતાર અને ગભરાટ બંને સાથે આપી દીધા. મમ્મી ગયા પછી દીશુની સાસુના વધી ગયેલા ટોણા હવે સહન નોહતા થતા. એમની સાથે વાત કરતા હંમેશા એવું લાગતું કે હું કોઈ ન કરેલા ગુન્હાની સજા કાપું છું. એમના દોહિત્ર ને ભૂલી આવવા જેવી મારી ભૂતકાળની નાદાનીઓને હજીય એ ભૂલ્યા નોહતા. નીગના કહ્યા મુજબ એ પ્રતિક્રમણ માટે જતા રહ્યા હોય અને એમનો પ્રત્યક્ષ સામનો નાં થાય એવું મનોમન પ્રાર્થી રહી.
જોકે બધી પ્રાર્થના સંતોષાય તો ‘ગોડ તુસ્સી ગ્રેટ હો!’ જેવું નાં થાય?! સાસુ દરવાજે જ જડી આવ્યા! મને જોતાની સાથે જ બોલ્યા… “રસ્તામાં કોઈ આખલાએ તમને જોયા નથી લગતા ગાર્ગી રાણી!” (ગાઉનનો કલર ચેરી રેડ!) ના ના એવું તો કઈ નથી મમ્મીજી…… પ્રણામ, જય જીનેન્દ્ર “જય જીનેન્દ્ર.. સારું સારું…. તમારી લાડલી ઉપર છે… ને હા કહી દઉં છું. આવી મેક્ષી ફેક્ષી પે’રીને વેવઈ વરોટમાં નાં જવાય. લાજો હવે થોડા. વેવાણની જગ્યાએ કેવા’ઓ તમે !”
આટલું બોલી એ તો નીકળ્યા…. મારા આંસુ જોવાય નાં રોકાયા! ફરિયાદી ચહેરે નિગ સામે જોયું. એણે સોરીની મુદ્રા ધારણ કરી નિયત, નિર્ધાર સાથે નિયતિને રમાડવા લાગ્યો સાથે લાવેલા ટોયઝ આપીને.. ચુપ ચાપ ઉપર ચાલી દિશું પાસે. એય રડમસ બેઠી હતી. મને જોઈ રીતસરની બાજી પડી. એને જોઈ મારી બધી પીડા શમી ગઈ. મારે કોઈક વાર સહન કરવા પડતા એના સાસુ જોડે એને કાયમનો પનારો હતો ને! આમ તો એ દિલના ઘણા સાફ હતા. બીજી કોઈ વાતે તકલીફ નોહતા આપતા તો પછી પણ ઈશ્વરે એમને આવી કડવી જીભ કેમ આપી હશે?
મારી અને દિશું વચ્ચે પછી ખાસ્સી દોઢેક કલ્લાક વાતો ચાલી. એ આજે સવારે ડોક્ટર પાસે ગયેલી. બે ટ્વીન્સ નિયત-નિર્ધાર અને નિયતિ પછી ચાર મહિના પહેલા અને આજે ફરીથી……. એ પોઝીટીવ હતી! સ્ત્રી સહજ પારકી પંચાત, છોકરા પતિદેવોની ટીકા ટીપ્પણી, એકાદ બે રેસીપીની આપ લે, કપડા ઘરેણાની ડીઝાઈન ઘણી બધી વાતો… પણ એના હાર્દમાં તો બિચ્ચારીની એજ વ્યથા હતી. એના જ શબ્દોમાં કહું તો. “કોણ જાણે ભગવાન શું કામ આટલો વરસી પડ્યો છે મારા પર , સમજાતું નથી. આટ આટલા પ્રીકોશન્સ અને સારામાં સારી બ્રાન્ડના પ્રોટેકશ્ન્સ મારા જ કિસ્સામાં ફેલ જઈ રહ્યા છે. સાસરીયા.. ઇસ્પેશ્ય્લી સાસુના ટોણા તો સહન જ નથી થતા… મમ્મી હતી ત્યારે દાબમાં રહેતા મારા સાસુ હવે એના ગયા પછી થોડી વધારે ફૂન્ગર્યા છે. ભાભીને તો છાંટો પાણી ના ય ફાંફા છે… ને તારે કમોસમી માવઠા વરસ્યાં જ કરે છે…. થોડી “ફળદ્રુપતા” તારી ભાભીને આપતી હોય તો….એવું એવું બોલે છે ભાભી.. ટૂ ઈરીટેટ ટૂ ઈમ્બેરેસિંગ. મારા વાંકે તમને ય સંભળાવી દે છે. પ્લીઝ ભાભી.. એમના વતી હું સોરી કહું છું… વધુ બાળક સચવાશે નહિ ને ચિરાગ ઓપરેશનની નાં પડે છે… વારે વારે અબોર્શન મને પસંદ નથી. શું કરું સમજાતું નથી. આઈ એમ ટોટલી કન્ફ્યુઝ્ડ ભાભી…
“સૌના હિતમાં નિર્ણય લેજે. ચિરાગકુમાર અને સાસુ સાથે વાત કરી સૌને વિશ્વાસમાં લીધા પછી. જરૂર હશે તો હું આવીશ તારી જોડે.” જેવી ઠાવકાઈ ભરેલી સલાહ આપી અમે ત્યાંથી નીકળ્યા. છેક રેસ્ટોરાંતના રિઝર્વ્ડ ટેબલ સુધી નિગ મૌન હતો. અને હું વિચારોમાં.
અપૂર્ણ..
~એજ તન્વય..!
———————————————————————————————————-
ફોટો કર્ટસી : http://www.oceansbridge.com/oil-paintings/product/79124/studyofawoman
———————————————————————————————————-