૨૪ એપ્રિલ ૨૦૧૪……
એક દસેક વર્ષનો છોકરો… પાણીના પાઉચથી મોઢું પલાળતો હતો.. મને જોઇને કહે… અંકલ ઇન્કમ ટેક્સ સુધી લઇ જશો…. મારા પગ બહુ બળે છે..
ચલ બેસી જા… (બાઈક સ્ટાર્ટ કરીને) ચપ્પલ કેમ નથી ?
એટલા પૈસા નથી !
ક્યાં જાય છે?
વાડજ..
કેમ? આટલી બપોરે ?
હું ત્યાં જ રહું છું…!
તો અહી શું કામ આવેલો ??
હું અહી નોકરી કરું સુ… (ઇન્કમ ટેક્સ પહોંચ્યા પછી.. ) ચાલો થેંક્યું અંકલ..
અરે વેઇટ… તને એકાદ સ્લીપર આપવી દઉં..
ના અંકલ…. આટલું બૌ થેઈ ગયું….ચાલશે..
ઓકે જો.. સામે એક મોચી દેખાય છે.. ત્યાંથી કોઈક જૂનામાં આપવી દઉં તો?
એ એગ્રી થયો અને અમે બંને એ મોચી પાસે પહોંચ્યા.. મોચી નોહ્તો.. એની રાહ જોઈ અમે બંને ઉભા રહ્યા.. હું હંમેશની ટેવ પ્રમાણે ઘડિયાળ જોઈ રહ્યો.. ગરમીને કારણે અણગમાના ભાવ પણ આવી ગયા.. પાંચેક મીનીટમાં આ ઘટના સાતેક વાર બની… અંતે એ બોલ્યો… “રહેવા દો અંકલ… મેં કીધેલું ને…. ચાલશે…!!!! અને એ રોડ ક્રોસ કરી સામેની સાઈડ જતો રહ્યો… મારે આંબાવાડી આવાનું એટલે સહસા અમારે ફંટાવું પડ્યું..
હજીય વિચારું છું…. કે એણે ચપ્પલ કેમ નહિ લીધા હોય? મારી ઉતાવળ જાણી ગયો હશે? જોકે મારે વહેલા ઓફિસે જઈ કોઈ લાટા નોહતા લેવાના ! દસેક મિનીટ વધુ રાહ જોઈ હોત તો આ સ્વમાની છોકરાને એટલીસ્ટ જુના ચપ્પલ આપવી શક્યો હોત… કારણ કે એ મોચીની પાસે માંગી શકે એટલી હિમ્મત ક્યાંથી લાવવાનો ??!!
કેટલીક વાર આપણને અ-કારણ ઉતાવળ હોય છે. એ વખતે મને મારી હયાતીની જરૂર ક્યાં વધુ છે એ સમજાઈ ગયું હોત તો…??!!
*****
૨૫ જુન ૨૦૧૪…
નવા શાહીબાગ ઓવર બ્રીજ પરથી એક માજી સવારે દસેક વાગે માટલાની લારી ભરીને લઇ જતા હતા. ચઢાણ તો વ્યવસ્થિત થઇ ગયું. ઉતરાણમાં બેલેન્સ ગુમાવી બેઠા. લારીએ પડખું ફેરવી લીધું અને સાથે બધાજ માટલા હતા ન હતા થઇ ગયા. સમય પણ એવો કે સૌને ઉતાવળ. એકટીવા સવાર એક ભાઈ રોકાયા. (હું પણ) પછી બીજા ચારેક પણ રોકાયા. લારી તો ઉભી કરી માજીને પણ પાણી વગેરે આપી સ્વસ્થ કર્યા.. નાઉ વ્હોટ? એક પછી એક સૌ વિખેરાવા લાગ્યા.
હવે સૌથી પહેલા રોકાયેલા ભાઈએ માજીને કહ્યું “માટલું કેમ આલ્યું બા?”
માજી ટેન્શનમા હતા તોય હસી પડ્યા. “એમ ને એમ લઇ જાઓ બાપા.”
પેલા ભાઈએ ત્રણ ચાર કાચલી ઉઠાવી. માટલાનો નીચલો હિસ્સો. પંખીઓને પાણી પીવડાવવા કામ લાગે એવી. પછી કહ્યું “આના કેટલ દવ?”
માજી બોલ્યા “કીધું ને, લઈ જાઓ એમ જ”
“એમ તે કઈ હોય” કીધું. અને લારી પર ઉપરની બોર્ડરની ફાંટમાં કશુક ભરવી એમણે ચાલતી પકડી. માજી તો બે ધ્યાન જ હતા. મેં ત્યાં જોયું. rs . ૫૦૦ ની નોટ હતી! દિલ બાગ બાગ થઇ ગયું. હેટ્સ ઓફ મેન હવે મેં એવી બીજી કાચલી ગોતવા માંડી. ત્રણેક ઉઠાવી. માજીને કહ્યું “બા હું આ લઇ જાઉં છું. ને હા અહી કશુક ભરાયું છે એ લઇ લેજો”
બાઈક ચાલુ કરી હેલ્મેટ પહેરતા પાછળ જોઈ લીધું. માજી બે પાંચસોની નોટ જોઈ ખુશ હતા…
આમેન
એક નિખાલસ એકરાર: અહી મેં કોઈક સારું કામ કર્યું એની પ્રશંસા જરાય નથી. અને ધન્યવાદ દેવા હોય તો પેલા એકટીવા સવાર વ્યક્તિને દેવા પડે. કદાચ પહેલા પ્રસંગમાં થયેલી ભૂલ ભગવાને આ રીતે સુધારવાનો ચાન્સ આપ્યો હશે.
કહેવાનું માત્ર એટલું જ છે કે મદદ કોઈ પણ રીતે થઇ શકે છે. ભાવના હોવી જોઈએ. —