હું આ લખું છું.
એટલે કે….. લખવાનું કાર્ય કરી રહ્યો છું.
કે મારે કર્મ છોડવા છે… ઓછા કરવા છે…
પણ એમ કરતા હું જાણતા અજાણતા
એક નવું જ કર્મ બાંધુ છું!
એક ને છોડવા અનેકનો સ્વીકાર…
જાણે કે બંધ મુઠ્ઠીમાં કરવા લાયક
કામનો સર્વાધિક પ્રચાર…
આમ જ ચક્ર ફરતું રહેશે એની ધરી ઉપર..
ક્યાય પહોંચશે નહિ, કશું પણ પામશે નહિ.
આ નથી કરવું.. આ ખરાબ છે
આ રસ્તો યોગ્ય છે. આ મીઠો પ્રવાહ છે.
કેટ કેટલા વાડામાં બંધાઈ ગઈ છે આ જાત.
હું ખુદ જ… તારાથી અલિપ્ત થઇ ગયો છું.
જો ને …. ખુબ સહન કરવું પડે છે…..જન્મ લેતા
પાણીના ખદબદતા અંધારિયા ખાબોચિયામાં
કેટલાય દિવસો વિતાવવા પડે છે.
છતાય જયારે ખુલી હવામાં શ્વાસ લીધો ના લીધો..
ને બસ, ભૌતિક સુખની લાલસામાં રચ્યા પચ્યા થઇ જવાય છે.
પણ બસ…. હવે બહુ થયું…
ક્યાં સુધી મારી વાસના માટે
અન્ય જીવને પીડિત કરતો રહીશ?
છોડના અંકુરણ માટે બીજને તૂટવું પડે છે.
મને જન્મ દેવા કોઈકને પ્રસવ વેઠવી પડે છે.
કેમ? શા માટે હું કૈંક એવું ન કરી શકું
જેથી આ જીવનચક્ર જ સમાપ્ત થાય..
ફરી જન્મુ જ નહિ…
અને માયા પામું જ નહિ..
લ્યો ! ફરીથી………..
ન જન્મવાની પણ ઈચ્છા તો થઇ જ ગઈ!
આવી ગ્યા હતા ત્યાના ત્યાં !
કહ્યું ને…… ક્યાય પહોંચાતું નથી..
છતાંય…..
હું આ લખું છું.
એટલે કે લખવાનું કાર્ય કરી રહ્યો છું.
~એજ તન્વય…!
” મને જન્મ દેવા કોઈકને પ્રસવ વેઠવી પડે છે.
કેમ? શા માટે હું કૈંક એવું ન કરી શકું
જેથી આ જીવનચક્ર જ સમાપ્ત થાય.. ” ……. Awesome !
aabhar mitr 🙂
nice 🙂
thanks 🙂