About અક્ષરયોગ

શાંત હદયમાં કોણે કાંકરીચાળો કર્યો? ઉઠ્યા વમળ, મને રમતિયાળ કર્યો! ~એ જ તન્મય..!

વિરોધ કે ફૂટેજ ખાવાની પ્રક્રિયા?!

દરેક સંસ્કૃતિને પોતાની આગવી ઓળખ હોય છે. (હા ભાઈ… ભારેખમ લેખ છે. શબ્દોય ભારેખમ આવશે.. તૈયાર રહેજો) ભાષા, રહેન સહેન, ખોરાક, પોષાક કે ઇવન ઉત્સવ. દરેક માટે એ ભિન્ન અભિગમ હોઈ શકે છે. હોવા જોઈએ. આપણે જે વિષય વસ્તુને મહત્વ ન આપતા હોઈએ એ અન્યો માટે પ્રાણ પ્રશ્ન હોઈ શકે. (હાસ્તો આપણે જે રેડિયો ભંગારમાં નાખેલો એ આમીર માટે…. 😛 ) એનો અર્થ એ નથી કે એ વિષય વસ્તુ આપણને સ્વીકાર્ય જ ન હોય. બે સંસ્કૃતિ વચ્ચે સરખામણી ( કમ્પેરીઝન યુ નો!) કરવી હાસ્યાસ્પદ વાત છે. આ વાત જેમને ગળે નથી ઉતરતી એમને ઉલ્ટી કરવી પડે છે. (જે આપણે જોવી પડે છે) એ વધુ હાસ્યાસ્પદ વાત બને છે.

ખાસ કરીને ઉત્સવ વખતે. આપણે જાણીએ છીએ એમ પ્રશ્ચિમ ડે’ઝ ઉજવવામાં વધુ માને છે. (મધર ફાધર સિસ્ટર બ્રધર વગેરે વગેરે વગેરે વગેરે) જે ખાસ કરીને રવિવારે રજાના દિવસે નક્કી થયેલા હોય છે. જે ત્યાની પ્રજાને પોતાના બીઝી શેડ્યુલ મુજબ અનુકુળ છે. સબંધો સાચવવા એમને આવા દિવસોની જરૂર પડે છે. જે સહજ વાત છે. અને એમના એ દિવસો આપણે ઉજવીએ એમાં ય કશું ખોટું નથી. વાસ્તવિકતા તો વિરોધ નામથી જ ન હોવો જોઈએ. કોઈક એમના ઘરમાં કઈ પણ કરે એથી કોઈ નિસ્બત ન હોવી જોઈએ. બ શર્તે આપના ઘરમાં એમનો ફટાકડો ન પડવો જોઈએ! એ દિવસો ઉજવીને આપણી સંસ્કૃતિ નષ્ઠ થશે એ માન્યતા ગળે નથી ઉતરતી. ઝમાનેમે ઇતના દમ કહાં બચા હૈ! (વર્ષોથી રોક્કળ ચાલે છે ગુજરાતી ભાષાનું શું થશે? શું થયું? એમની એમ જ છે બિચ્ચારી!) આથી આવા આંધળા વિરોધીઓ પ્રત્યે ચોક્કસ ધૃણા જાગે. જાગવી જોઈએ.

દુશ્મન કા દુશ્મન ભાઈ એ નાતે આ વિરોધીઓનો વિરોધ (ઓફ્ફ વિરોધ વધી ગયો નહિ?!) કરનારને ટેકો અપાઈ જાય જાણ્યા વિચાર્યા વગર જ. વિરોધ કરવામાં કળા જોઈએ. (હાવ મોઢવાડિયા કે વાઘેલા બનો એ થોડી ચાલે!) પહેલા પેરાગ્રાફમાં કહ્યું એમ બંને સંસ્કૃતિ અલગ છે. એમના ઉત્સવો પણ. ચેરાપુંજીમાં વરસાદ પડે અને હું રાજસ્થાનમાં હોડકું વસાવું એ કેવું?! બંને ઉત્સવોની સરખામણી શક્ય નથી. “ફ્રેન્ડશીપ, ફાધર, મધર વગેરે કોઈ પણ ડે ન ગમતા હોય તો જન્માષ્ટમી કે રક્ષાબંધન વિશ પણ નહિ કરો ને?!” બોલો છે ને ધીન્ચક વિવાદાસ્પદ વિધાન. આપણને બાલમંદિરથી ભણાવાય છે કે આપના ઉત્સવો ચોક્કસ તિથીએ જ આવે છે. (હા કદાચ કોન્વેન્ટમાં ઘરની બુક્સ ભણીને CBSC ટોપર થયા હોય તો જુદી વાત છે!) જે દરેક ઉજવણી પાછળ કોઈક ને કોઈક કારણ હોય છે. જેમ કે જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણ (કૃષ્ણ હોં…. ક્રિશ્ના નહિ!)નો જન્મ દિવસ છે એ ચોક્કસ તિથી એ જ આવે. એમાં સગવડતા નાં ઉમેરાય કે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે જન્માષ્ટમી જાહેર કરીએ! (૨૫ ડિસેમ્બરે આવતી ક્રિસમસ ડીસેમ્બરના છેલ્લા રવિવારે ઘોષિત કરવા જેવી વાત!) ઉત્તરાયણ સિવાય બધા જ ભારતીય ઉત્સવો તિથી મુજબ હોય છે. હોળીમાં ફાગણનો મહિમા હોય છે. રક્ષા બંધને ભાઈ બહેનના પ્રેમ વિષે વાત હોય છે. દશેરાએ અન્યાય પર વિજય અને દિવાળીએ પ્રભુ રામ ઘરે પધાર્યા એટલે ઉજવાય છે.

શું કહું આ માર્ગ ભૂલેલા જીવન પથિકને? વિરોધ કરવા માટે પાત્રતા હોવી જરૂરી છે. જે અસંખ્ય વાર હું કહી ચુક્યો છું. સોશિયલ નેટવર્ક સાથે જોડાયેલા રહીને ટેગિંગ ગેમિંગથી પરેશાન હોવાના બળાપા કાઢી ન શકાય. એ સહજ વાત છે. સ્વીકાર્ય હોવી જોઈએ.  ક્યારેક ઇગ્નોર કરી શકાય છે. ક્યારેક હદથી વધુ હથોડા પડે ત્યારે આમ ઉભરો ઠાલવવો પડે છે. કોઈક મહા જ્ઞાની આ રીતની વાત કરે ત્યારે એમની બુદ્ધિ પ્રતિભાને પોતાના ખર્ચે સાયકોલોજીકલ સારવાર કરાવવાની લાલસા પણ થઇ આવે છે! શું કરીએ….. અમે દિલથી લાગણીશીલ છીએ.

સોરી પર્સનલી થઇ ગયું હોય તો…. 🙂  મારા જ વિચારો છે. તમને છૂટ છે ઈચ્છો એ વિચારી શકો. દરેક ભારતીય તહેવાર રવિવારે આવે એવો ખરડો ય લાવી શકો છો. જેમાં કોઈ સાથ નહિ આપે એ મારી ગેરેંટી (હાસ્તો………. માંડ માંડ જાહેર રજા મળતી હોય ! એમાં ય :\ )

BTW ત્યાંય ઈન્ડીપેન્ડન્સ ડે તારીખ મુજબ જ ઉજવાય છે…. તમારી જાણ ખાતર!

~એજ તન્વય..!

ઘટના…

૨૪ એપ્રિલ ૨૦૧૪……

એક દસેક વર્ષનો છોકરો… પાણીના પાઉચથી મોઢું પલાળતો હતો.. મને જોઇને કહે… અંકલ ઇન્કમ ટેક્સ સુધી લઇ જશો…. મારા પગ બહુ બળે છે..

ચલ બેસી જા… (બાઈક સ્ટાર્ટ કરીને) ચપ્પલ કેમ નથી ?

એટલા પૈસા નથી !

ક્યાં જાય છે?

વાડજ..

કેમ? આટલી બપોરે ?

હું ત્યાં જ રહું છું…!

તો અહી શું કામ આવેલો ??

હું અહી નોકરી કરું સુ… (ઇન્કમ ટેક્સ પહોંચ્યા પછી.. ) ચાલો થેંક્યું અંકલ..

અરે વેઇટ… તને એકાદ સ્લીપર આપવી દઉં..

ના અંકલ…. આટલું બૌ થેઈ ગયું….ચાલશે..

ઓકે જો.. સામે એક મોચી દેખાય છે.. ત્યાંથી કોઈક જૂનામાં આપવી દઉં તો?

એ એગ્રી થયો અને અમે બંને એ મોચી પાસે પહોંચ્યા.. મોચી નોહ્તો.. એની રાહ જોઈ અમે બંને ઉભા રહ્યા.. હું હંમેશની ટેવ પ્રમાણે ઘડિયાળ જોઈ રહ્યો.. ગરમીને કારણે અણગમાના ભાવ પણ આવી ગયા.. પાંચેક મીનીટમાં આ ઘટના સાતેક વાર બની… અંતે એ બોલ્યો… “રહેવા દો અંકલ… મેં કીધેલું ને…. ચાલશે…!!!! અને એ રોડ ક્રોસ કરી સામેની સાઈડ જતો રહ્યો… મારે આંબાવાડી આવાનું એટલે સહસા અમારે ફંટાવું પડ્યું..

હજીય વિચારું છું…. કે એણે ચપ્પલ કેમ નહિ લીધા હોય? મારી ઉતાવળ જાણી ગયો હશે? જોકે મારે વહેલા ઓફિસે જઈ કોઈ લાટા નોહતા લેવાના ! દસેક મિનીટ વધુ રાહ જોઈ હોત તો આ સ્વમાની છોકરાને એટલીસ્ટ જુના ચપ્પલ આપવી શક્યો હોત… કારણ કે એ મોચીની પાસે માંગી શકે એટલી હિમ્મત ક્યાંથી લાવવાનો ??!!

કેટલીક વાર આપણને અ-કારણ ઉતાવળ હોય છે. એ વખતે મને મારી હયાતીની જરૂર ક્યાં વધુ છે એ સમજાઈ ગયું હોત તો…??!!

*****
૨૫ જુન ૨૦૧૪…

નવા શાહીબાગ ઓવર બ્રીજ પરથી એક માજી સવારે દસેક વાગે માટલાની લારી ભરીને લઇ જતા હતા. ચઢાણ તો વ્યવસ્થિત થઇ ગયું. ઉતરાણમાં બેલેન્સ ગુમાવી બેઠા. લારીએ પડખું ફેરવી લીધું અને સાથે બધાજ માટલા હતા ન હતા થઇ ગયા. સમય પણ એવો કે સૌને ઉતાવળ. એકટીવા સવાર એક ભાઈ રોકાયા. (હું પણ) પછી બીજા ચારેક પણ રોકાયા. લારી તો ઉભી કરી માજીને પણ પાણી વગેરે આપી સ્વસ્થ કર્યા.. નાઉ વ્હોટ? એક પછી એક સૌ વિખેરાવા લાગ્યા.

હવે સૌથી પહેલા રોકાયેલા ભાઈએ માજીને કહ્યું “માટલું કેમ આલ્યું બા?”

માજી ટેન્શનમા હતા તોય હસી પડ્યા. “એમ ને એમ લઇ જાઓ બાપા.”

પેલા ભાઈએ ત્રણ ચાર કાચલી ઉઠાવી. માટલાનો નીચલો હિસ્સો. પંખીઓને પાણી પીવડાવવા કામ લાગે એવી. પછી કહ્યું “આના કેટલ દવ?”

માજી બોલ્યા “કીધું ને, લઈ જાઓ એમ જ”

“એમ તે કઈ હોય” કીધું. અને લારી પર ઉપરની બોર્ડરની ફાંટમાં કશુક ભરવી એમણે ચાલતી પકડી. માજી તો બે ધ્યાન જ હતા. મેં ત્યાં જોયું. rs . ૫૦૦ ની નોટ હતી! દિલ બાગ બાગ થઇ ગયું. હેટ્સ ઓફ મેન હવે મેં એવી બીજી કાચલી ગોતવા માંડી. ત્રણેક ઉઠાવી. માજીને કહ્યું “બા હું આ લઇ જાઉં છું. ને હા અહી કશુક ભરાયું છે એ લઇ લેજો”

બાઈક ચાલુ કરી હેલ્મેટ પહેરતા પાછળ જોઈ લીધું. માજી બે પાંચસોની નોટ જોઈ ખુશ હતા…

આમેન

એક નિખાલસ એકરાર:  અહી મેં કોઈક સારું કામ કર્યું એની પ્રશંસા જરાય નથી. અને ધન્યવાદ દેવા હોય તો પેલા એકટીવા સવાર વ્યક્તિને દેવા પડે. કદાચ પહેલા પ્રસંગમાં થયેલી ભૂલ ભગવાને આ રીતે સુધારવાનો ચાન્સ આપ્યો હશે.

કહેવાનું માત્ર એટલું જ છે કે મદદ કોઈ પણ રીતે થઇ શકે છે. ભાવના હોવી જોઈએ. —

દ્વિધા…

હું આ લખું છું.
એટલે કે….. લખવાનું કાર્ય કરી રહ્યો છું.
કે મારે કર્મ છોડવા છે… ઓછા કરવા છે…
પણ એમ કરતા હું જાણતા અજાણતા
એક નવું જ કર્મ બાંધુ છું!
એક ને છોડવા અનેકનો સ્વીકાર…
જાણે કે બંધ મુઠ્ઠીમાં કરવા લાયક
કામનો સર્વાધિક પ્રચાર…

આમ જ ચક્ર ફરતું રહેશે એની ધરી ઉપર..
ક્યાય પહોંચશે નહિ, કશું પણ પામશે નહિ.
આ નથી કરવું.. આ ખરાબ છે
આ રસ્તો યોગ્ય છે. આ મીઠો પ્રવાહ છે.
કેટ કેટલા વાડામાં બંધાઈ ગઈ છે આ જાત.
હું ખુદ જ… તારાથી અલિપ્ત થઇ ગયો છું.

જો ને …. ખુબ સહન કરવું પડે છે…..જન્મ લેતા
પાણીના ખદબદતા અંધારિયા ખાબોચિયામાં
કેટલાય દિવસો વિતાવવા પડે છે.
છતાય જયારે ખુલી હવામાં શ્વાસ લીધો ના લીધો..
ને બસ, ભૌતિક સુખની લાલસામાં રચ્યા પચ્યા થઇ જવાય છે.

પણ બસ…. હવે બહુ થયું…
ક્યાં સુધી મારી વાસના માટે
અન્ય જીવને પીડિત કરતો રહીશ?
છોડના અંકુરણ માટે બીજને તૂટવું પડે છે.
મને જન્મ દેવા કોઈકને પ્રસવ વેઠવી પડે છે.
કેમ? શા માટે હું કૈંક એવું ન કરી શકું
જેથી આ જીવનચક્ર જ સમાપ્ત થાય..

ફરી જન્મુ જ નહિ…
અને માયા પામું જ નહિ..
લ્યો ! ફરીથી………..
ન જન્મવાની પણ ઈચ્છા તો થઇ જ ગઈ!
આવી ગ્યા હતા ત્યાના ત્યાં !
કહ્યું ને…… ક્યાય પહોંચાતું નથી..
છતાંય…..

હું આ લખું છું.
એટલે કે લખવાનું કાર્ય કરી રહ્યો છું.

~એજ તન્વય…!

અરિસો…..

અરિસો અને મિત્ર ? હોઈ જ ન શકે.
શું?
હું રડું ત્યારે એ હસતો નથી એમ ?
જરા ધ્યાનથી જો.
એ સૌથી વધારે હસે છે!

એકાદ આંસુ આપી જો.
હવાના સંસર્ગમાં આવીને સુકાય
એ સિવાયનું અક્ષરશ: પાછુ આપશે.
લૂછવાનું નો શક્ય જ નથી…
ગ્રહણ પણ નહિ કરે.

સાંત્વના આપવા ખભો જોઈએ છે.
અરીસાને બાથ ભરાય છે?
બે ઘૂંટણ વચ્ચે રડતો ચહેરો છુપાવી શકાય છે.
અરિસો તો ત્યાંય કહી દે છે…
લ્યા તું રડતો બહુ જ ખરાબ લાગે છે!

અરિસો તો દુનિયા છે…. નકરી વાસ્તવિકતા.
હંમેશા સાચું જ દર્શાવશે.. પણ હું?
એજ જોઈ શકું છું જે મને ગમે છે!
જેમ કે વેલ ડ્રેસ્ડ તૈયાર થયેલો.. ખુદને ગમીશ.
અરિસો સાથે સાથે આંખના કાળા કુંડાળા
પણ બતાવે છે… જે મારે જોવા નથી!

ખરેખર એ સમજવાનું છે.
જાતની ઓળખાણ… ખુદની સમજણ…
મા જેવી આપણી સ્થૂળ આંખેથી નહિ…
જેને હંમેશા પુત્ર સારો લાગશે…
પણ અરીસાની સુક્ષ્મ આંખથી.
જેને હંમેશા તું જેમ છું એમ લાગશે..

~એજ તન્મય..!

પાડવાના…

મેઘ ક્યાં વરસે ઘણા? છો ગાજ્વાના;
બેઉ આંખે સત્યને શું જાણવાના?

જે કહે છે કૈક આપી કૈક પામો ;
પૂર્ણતા માપ્યા પછી શું પામવાના?

જીવતા મા-બાપની કાવડ રચે.. એ
લોક શી રીતે શ્રવણને જાણવાના?

હું હજી જીવું છું એ કાફી છે ડીયર!
પ્રેમના મારે પ્રમાણો આપવાના?

હાથ આવ્યું એટલું સ્વીકારજો …શું
ચાખવાના ‘ને પછી ફળ પાડવાના?

~એજ તન્વય..!

પ્લીઝ વોટ…. :)

મારે ૨૪ કલ્લાક વીજળી પાણીની સગવડ જોઈએ. રસ્તા એકદમ સાફ સુથરા અને નિયોન લાઈટ્સથી ઝળહળતા જોઈએ. સુવિધા સંપ્પન્ન બાગ બગીચા, તળાવો કે રીવર ફ્રન્ટ જેવા ફ્રી માં ફરી શકાય એવા જાહેર સ્થળો જોઈએ. સરકારી સ્કુલ કોલેજોની સ્થિતિ ઇન્ટરનેશનલ હોવી જોઈએ. અત્યાધુનિક અને છેલ્લામાં છેલ્લી અપડેટ્સ વાળી હોસ્પિટલ જોઈએ. આર્થિક સામાજિક ધાર્મિક દરેકે દરેક ક્ષેત્રે પાવર પેક્ડ સલામતી જોઈએ. ટૂંકમાં તકલ્ફ વગરની લાઈફ જોઈએ.. પણ પણ પણ.. વોટ નથ દેવો ! વોટીંગ કરતા તો મારી ઊંઘ અને રજા મહત્વની અને વ્હાલી છે. ચ્યા માઈલા.. કાઈ બોલત રે ! ખ્રિસ્તી સંત જ્હોન કહે છે , “માણસ માટે રજાનો દિવસ ઘડાયો છે. રાજાના દિવસ માટે માણસ નહિ !”

ચાલો આવા કેટલાક નાગરિકોની ઈલ્લોજીકલ દલીલોનો લોજીકલ જવાબો… “મારા એક વોટ ન આપવાથી શું ફેર પડશે?” આમ તો આ વાહિયાત દલીલનો જવાબ એક જ વાક્યમાં આપી શકાય… પેલી ફેમસ અકબર બીરબલ વાળી વાર્તાનો બોધ : “બુંદ સે ગઈ વો હોજ સે નહિ આયેગી!” પણ તમે તો ઉદાહરણોથી જ માનવા ટેવાયેલા ને! સો.. હિઅર ઇટ ઈઝ… કેટલાક ઉદાહરણો ઓછા માર્જીન વડે હારનાર ઉમેદવારોના..

સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની જિંદગીની પ્રથમ ચૂંટણી (૧૯૧૭માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધીકારી તરીકે) માત્ર એક મતથી જીત્યા હતા !

૧૯૯૯ માં પાર્લામેન્ટમાં અટલ બિહારી વાજપેઇની સરકાર માત્ર એક મતથી પડી ગઇ હતી. તેમની સામે અવિશ્વાસનાં પ્રસ્તાવમાં ૨૭૦ મત પડયા જ્યારે એ પ્રસ્તાવની સામે ૨૬૯ મત પડયા.

૧૧મિ લોકસભામાં વડોદરા બેઠક સત્યજીત ગાયકવાડે માત્ર ૧૭ વોટ થી ભાજપ પાસેથી આંચકી લીધેલી.

૨૦૧૨ વિધાનસભાની ચૂંટણીમાં સોજિત્રાના કોંગ્રેસના ઉમેદવાર પૂનમભાઈ પરમાર ભાજપના વિપુલભાઈ પટેલથી માત્ર ૧૬ર મતે જીત્યા હતા. જે તમામ સરકારી કર્મચારીઓના બેલેટ પેપર વાળા વોટ હતા. (મત ગણતરીમાં બંને સરખા હતા!) કલોલના કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે ભાજપના ઉમેદવાર ડૉ.અતુલભાઈ પટેલને ૩૪૩ મતે તો કાંકરેજના કોંગ્રેસના ઉમેદવાર ધારશીભાઈ ખાનપુરાએ તેમના ભાજપના નજિકના હરિફને ૬૦૦ મતે તથા ભાજપના આણંદના ઉમેદવાર દિલીપભાઈ પટેલે તેમના હરિફને ૯૮૭ મતે પરાજય આપ્યો. એજ રીતે ૨૦૦૭ વિધાનસભાની ચુત્નીમાં જાડેજા બ્રિજરાજસિંહ જામજોધપુરથી ૧૭ અને પટેલ હીરાભાઇ લુણાવાડાથી ૮૪ થી જીત્યા હતા. ૧૯૮પ ગોઝારિયા કોંગ્રેસના હરિભાઇ શુકલ સામે ભાજપના મંગળદાસ ૨પ૦ મતે હાર્યા હતાં.

યાદી લંબાઈ શકે છે. આતો ઝટ હાથવગા જાજી ખણખોદ વગર હાથ લાગ્યા એટલા જ છે. આ લોકો નાગરિકોની આવી ઉદાસીનતા ને લીધે જ હારેલા. આથી તમને તમારા મતનું મહત્વ સમજવું જોઈએ. વધુમાં આ લોકોને એમના પક્ષના અન્ય ઉમેદવારની સરસાઈ કોઈ કામે લાગવાની નોહતી. (સલમાને કરી એવી ફિલ્મો ઘણાય પરણિત અભિનેતાઓ કરી શકે… કરી ચુક્યા છે! એટલે આ ઉદાહરણો વધુ ગ્રાહ્ય છે.)

હું ટેક્ષ ભૂરું છું, ટ્રાફિક સુધરાઈ કે અન્ય જાહેર સંસ્થાઓના નિયમો પાળું છું. એ નાતે નાગરિકતાની ફરજ બજાઉં છું. એટલે વોટીંગ માટે સમય ન આપું તો શું ફેર પડશે? …. વધુ એક આંખે હાથ રાખી સુરજના અસ્વીકાર જેવી વાત! ભાઈ ટેક્ષ તું જે કમાય છે, એ પછી તારા (સાચા ખોટા) ખર્ચા, તારી સગવડો (ઘર, ગાડી વગેરેની લોનના વ્યાજથી માંડી, ભિન્ન પ્રકારે લેવાતી સબસીડી બધું જ) તારું ભવિષ્ય ફીનાસીય્લી સ્ટ્રોંગ રહે એ માટે કરતા ઈન્વેસ્ટમેંનટસ (જે બેઝીકલી ટેક્ષ બચાવવા માટે જ કરાતા હોય છે!) વગેરે વગેરે વગેરે સેટિંગ કર્યા પછી ચૂકવતો હોય છે. પેટ ભરાઈ ગયા પછી વધેલું ભિખારીને આપી આત્મસ્ન્તોશ પામે એ રીતે.

અને ટ્રાફિક… ફોલો નહિ કરો તો દંડ ભરવો પડશે. (જે પાછો ટેક્ષમાં બાદ નહિ મળે!) અન્યોને અડચણ થશો તો ક્યારેક ઘર્ષણ પણ થશે.. એ બધું ટાળવા. વિદેશ કમાવા ફરવા જાઓ ત્યારે ટેક્ષ અને ટ્રાફિક ફોલો કરો છો ને ? તકલીફ પડે તોય… એમની સિસ્ટમનો વાંક નથી કાઢતા. ક મને ય ફોલો કરવી પડે છે. જસ્ટ બીકોઝ ઓફ યુ આર નોટ અ સીટીઝન ઓફ ધેટ કન્ટ્રી…  મતાધિકાર એક ઉદાહરણીય ફર્ક છે એને એ રહેવો જ જોઈએ…

હવે સમજાયું, “જો વોટ નહિ આપો તો સિસ્ટમને ભાંડવાનો હક નથી?” તે ? મારે તો આ એક જ લીટી લખવી હતી………. જે સમજાવવા આટલું બધું લખવું પડ્યું..! મતદાનની તારીખ ખાસ્સા સમય અગાઉથી નક્કી થયેલ હોય છે. અનિવાર્ય સંજોગો સિવાય મતદાન ટાળવું અપરાધ લેખાશે. ખોટા અને મહત્વાકાંક્ષી માણસના હાથમાં સત્તા આવવાથી શું થઇ શકે?? મહાભારતનું નબળું તો નબળું પણ ટેલીકાસ્ટ ચાલુ છે!

~એજ તો..!

જય હિન્દ…. પ્લીઝ પ્લીઝ પ્લીઝ પ્લીઝ પ્લીઝ વોટ 🙂

હા, દીકરી મારી મોટ્ટી થઇ છે ……..

મોમ્મ્મ્મમ્મ્મ…હું ઉઠી ગઈ.
હા, હવે ૬.૩૦ની બુમનો
સુર બદલાઈ ગયો છે !
સાથે સાથે ઘણું ખરું બદલાઈ ગયું છે…

અગાઉ ગરમ પાણી કાઢવું પડતું
હવે માત્ર ગરમ કરવાનું છે.
પહેલા લેસ બાંધવી પડતી
હવે માત્ર શુઝ ગોતવાના છે.
પહેલા દૂધ પીવડાવવું પડતું
હવે માત્ર લંચ પેક કરવાનું છે.
કારણ કે
હા, દીકરી મારી મોટ્ટી થઇ છે ……..

સાથે હું પણ.. અને જવાબદારી પણ!
પહેલા માત્ર શારીરિક ઊઠવાનું હતું..
હવે દિમાગથી સજાગ થવાનું છે!

એને વાળમાં વધુ તેલ ગમતું નથી…
એ તેલની ચીકાશનો પર્યાય શોધવાનો છે.
દર ત્રણ મહીને યુનિફોર્મ ચેન્જ કરવાના ? હાસ્તો
સ્કુલ ફ્રોક ક્યારે ઊંચું પડશે એ જોવાનું છે.
એની વાતોમાં વર્તાવમાં ગેલ ગમ્મત ચાલશે..
ઉદ્ધતાઈ તોછડાઈ ન આવે એ જોવાનું છે.
ફ્રેન્ડસ કેટલા છે કે કેટલી છે …… વાંધો નથી.
કેવા છે એનું ધ્યાન રાખવાનું છે.

યેસ્સ.. ને આ બધ્ધું પાછુ એની જાણ બહાર કરવાનું છે…
કારણ કે…
હા, દીકરી મારી મોટ્ટી થઇ છે ……..

~એજ તન્વય..!