કહેવાતું……. “મની લોન્ડરિંગ”….!

ઉઠો વાલમજી…. નવ ના ટકોરા પડી ચુક્યા હવે તો….. ક્યારના !! ( બોલો આવો સુરીલો ટહુકો પડે તો સવાર કેવી રસમધુર થઈ જાય નહિ.?! પણ હું કોણ….! મુસીબતો સિવાય તો જિંદગી કેવી રસહીન બની જાય નહિ ..! )

અરે ! પણ તને કીધું નહોતું વેહલાં ઉઠાડજે ?

રેકોર્ડીંગ ખાલી ફોનમાં જ કરતા ને ?! હવે થી લાઈવ પણ કરજો… કે’દિ કીધું તું બોલો તો ? (સીધું બોલવાની અમને કોઈને આદત નથી હોં ! તમારે ય વાંચવું હશે તો ટેવ પાડવી પડશે ! પછી ઉપ્પર થી જાય અને હથોડો લાગે તો સોરી )

શ્રીમતીજી નો કોન્ફીડન્સ જોઈ પાછી પાણી કરતા કીધું : તે ના કીધું હોય તોય શું ? ચાલુ દિવસે ઓફીસ જવાનું ન હોય ?

ત્રણ વાર ઉઠ્ડ્યા તા… મોન્ટુ બાય કરી સ્કુલે ગયો ત્યારે અને હમણાં આઠ વાગે ફરીથી…. ને ઊંઘ અને ઓફીસ ભેગા નાં કરવા હોય તો ગરબા ઓછા રમો ડીઅર !

વાત તો સાચી હતી.. રાત્રે ૪ વગ્યા સુધી જાગવામાં (હાસ્તો આ ગુજરાત છે ભાઈ, અહી જે વિસ્તારમાં વહેલા ગરબા બંધ થાય ત્યાં શાશક પક્ષે ચિંતામાં મુકાવવું પડે !! ) ગઈ રાત્રે વહેલા તૈયાર થવાનો બોસનો હુકમ આવી ભુલાઈ ચુક્યો હતો ! હવે ????

નોરતા માં ચૂંટણીની આચાર સંહિતા નડી ગઈ છે ભાઈ ! અગ્યાર લાખ જેટલી “નાની” રકમ ના પેમેન્ટ માટે (હાસ્તો ગુજરાત માં થતા વ્યહવારો સામે તો નાની જ ગણાય ! ) અમારે પાંચ લોકો ને જવાનું હતું. ૨.૫૦ લાખ થઈ વધુ નું કેશ ટ્રાન્જકશન ! (ચૂંટણી વાળા બિહાર, up અને ગુજરાત માં કોઈ ફર્ક સમજતા જ નથી તો શું થાય !? )

સારું સારું… જલ્દી ચ્હા મૂકી દે….. હું ન્હાઈ લઉં ત્યાં સુધી……

ઉઠ્યા પછી બીજી વીસેક મિનીટ સુઈ જવાની આદત છે ! સાયન્સ કહે છે કે એ વીસ મીનીટમાં આંખો અને દિમાગ બરોબર ચાર્જ થઈ જાય છે ! પણ અહી બીજી વીસ મિનીટ પાલવે એમ નહોતી… અને સાથે દિમાગ ચાર્જડ નહોતું એની સાબિતી મળવી શરુ ગઈ !

એ…. અહ્હ્મમ્મ્મ ! અલ્યા સીધો રહેને..!! (નારાજગીના ઉદગારો સારી પડ્યા બાથરૂમ માંથી……… ન્હાતા ન્હાતા ! )

કોને કહો છો ??!! ( પત્નીજી ચિંતાતુર નાદે ઉવાચ્યા….. બહારથી ! )

આ દહેજનો સાબુ… જો ને.. વારે વારે લસરી જાય છે ! (કીધુ ને ઊંધું અને માત્ર ઊંધું જ બોલવું..! )

દહેજના તો પતી ગયા… આ તો ગામડેથી નાતનું કવર હજી કાલે જ આવ્યું છે !! ( જોયું પત્નીજી પણ …!! )

જેમ તેમ કરી સાબુને કાબુ માં રાખી…. સ્નાનઆદિ નિત્યક્રમ પતાવી, ભગવાન ને પણ ફાસ્ટ ફાસ્ટ….. હાય હેલ્લો બાય ચલ્લો કહી નાસ્તા માટે ટેબલ પર આવ્યો… ત્યાં તો “બે માથોડા બોસ” નો કોલ આવી ગયો… કેટલી વાર નો !!

વગર નાસ્તે બહાર નીકળવું પડ્યું ! ( અહી મારી હિંમત ને દાદ દેવી પડે..! લગ્ન ને દિવસે પણ નાસ્તો કર્યા વિના નહોતો ગ્યો ! સાયન્સ યુ સી…!! )

અમે પાંચ બાઈકર્સ અને સામે પણ લગભગ એટલી જ સંખ્યામાં “માલ” દેવા આવેલા લોકો જોઈ… કોઈક નાઈન્ટીઝ ની ટીપીકલ વિલન હીરો વાળી ફિલ્મો યાદ આવી ગઈ..! એક એક થઈ ચડીયાતી “નોટો” (ગુજરાતમાં બધાને સામેની વ્યક્તિ “નોટ” જ લાગે ભાઈ….!!) એક મેકના હસ્ત ધૂનન….. પાંચ અલગ અલગ ખૂણે થતો વ્યહવાર …..

હીરોગીરી કરવામાં પાછીપાની કોણ કરે પાછુ !! (બંને પક્ષ સામે વાળાને વિલન ગણતા ) કોલર ઉછાળી, બાઈકની ફૂટરેસ પર પગ મૂકી, ઘૂંટણ પર હાથની કોણી ટેકવી…. એક હાથમાં ગોલ્ડ ફ્લેક ને બીજામાં સાદી RMD … (વીર માવાવાળો ગુટ્કેશ હવે અદ્રશ્ય થવા લાગ્યો છે ! પડીકી બંધ અને મસાલો મોંઘવારી ને લીધે સિગરેટ કરતા મોંઘો !) બે લાખ જેટલી “મામુલી” રકમ એ રીતે ચૂકવતો જાણે…. બે કરોડ દેતો હોય… ને એય પાછા ગાંઠના !

ને એક પછી એક SMS આવતા ગયા “ડન” ના ! પાંચેય વ્યહવાર પતાવી નીકળ્યા અને સૌથી વધુ ટેન્શન બોસ ને હતું !

બોસ ડોન્ટ વરી પતી જશે બધું…

તનીયા… ૨.૫૦ લાખ તો હવે ફોતરું ગણાય.. આ સાલાઓ બધાને એક જ લાકડીએ હાંકે છે ! હાળું હવારથી ટેન્શન માં છીએ બધા. એક તો ગામના રૂપિયા ને બેંકમાં જમા ન થાય તો ત્યાય લોચા..!

ડોન્ટ વરી બોસ ……પણ આમ તો સારું કે’વાય ને..! રીક્સ ડાઈવર્ટ થઇ ગ્યું ને !!

અલ્યા, વધી ગ્યું એમ બોલ… ૧૧ એક જ જગ્યાએ હોય તો ધ્યાન એક જ દિશામાં રાખવું પડે… આ તો સાલું પાંચેપાંચ હેમખેમ ના પહોંચે ત્યાં લગી જીવ અદ્ધર !

ઓહ્હ ! સાતમાં આઠમાં માં આવતી “સંભાવના” મને કેમ નહોતી સમજાતી એ હવે ખ્યાલ આવ્યો… રિસ્ક ઘટ્યું નહોતું ઉલ્ટાનું પાંચ ગણું વધી ગયું હતું…!

હે માં…. માતાજી…. અમારો સંઘ “કાશીએ” હેમ ખેમ પહોંચાડજો માડી…..!

કામ પત્યું એટલે બાકીની દુનિયા પર ધ્યાન ગયું…! નાસ્તો બાકી હતો…..૧૨ વાગી ચુક્યા હતા.. માથામાં દુખાવો (ભૂખને કારણે ) શરુ થઇ ચુક્યો હતો…… દિવસ આખો ખરાબ થવાના અણસાર આવી ચુક્યા હતા !

લોકલ નેતાને ઉઠાવી ફોન જ કરી દીધો… “બોસ, આ નાટક બંધ કરાવો નહિ તો મારા ૫૦ વોટની સામે ૧૦૦નો લાફો પડ્યો સમજજો..! ”

કાં ભાઈ, આટલો મોટો “પર્સનલ વ્યહવાર ?! બહુ તેજી લાગે છે ને કઈ !

અરે, નાં યાર કસ્ટમર નું પેમેન્ટ હતું બેન્કના સેટલમેન્ટનું..!

તે એમાં આટલા બધું ગભરાવા ની શું જરૂર?

કેમ, આ તમારી ૨.૫૦ વાળી આચાર સંહિતા નાં નડે?

અરે ભાઈ સમજો, એ લોન્ડરિંગ વિષયક છે ! તમે બકાયદા રીસીપ્ટ આપીને પેમેન્ટ લીધું ને ….. એટલે એ સંહિતા અહી લાગુ ન પડે !!!

બોલો ખોદ્યો ડુંગર ને નીકયો ઉંદર..!

અતીત ના સંભારણા… (પાર્ટ – ૪)

————————————–

૩૦મી ડીસે. આ વર્ષે જીગી (જીગીષા)નો ફોન સાંજે આવ્યો. બાકી એ સવારે જ કરે, અચૂક! ૧૧ વર્ષ થી એણે આ ક્રમ જાળવી રાખ્યો છે! કોલ કરી થેન્ક્સ કહેવાનો! અમે ૧૧ વર્ષ માં માંડ ૩ વખત મળ્યા હોઈશું અને ફોન પણ ભાગ્યેજ! જીગીષા કમલેશ પરમાર.. કમલેશ.. મેહસાણાની લાઈફ માં મારું સૌથી ગમતું પાત્ર (હા, પાત્ર જ ગણાય, એને મેં જ બનાવ્યો હતો ને..!) સ્વચ્છંદ
ી, આખાબોલો, ઉદ્ધત, પણ દિલનો સાફ! અમારી ફેક્ટરીનો પ્રોડક્શન મેનેજર અને એના ગામ બોરીયાવીનો એક માત્ર ગ્રેજ્યુએટ માણસ..!

દેખાવમાં થોડો વ્હાઈટ, અને ડ્રેસિંગ તથા વ્યક્તિત્વથી બિલકુલ નરેશ કનોડિયાની ઝેરોક્સ લાગે! ખભાથી આગળ વિસ્તરતી ઝુલ્ફો, ચાલતો એનાથી ૪૫* નો ખૂણો બનાવી સામાન્ય કરતા વધારે હલતા હાથ અને પહેલી વાર કોઈ જુવે તો સ્ત્રેણ જ સમજે એવી લહેકા વાળી ચાલ..! ટ્રેડમાર્ક હતા અમારા મેનેજર સાહેબના..!

બોલવામાં તો અઠંગ બ્રામ્હણ નેય શરમાવે એવો કોડાફાડ!…. “અલ્યા વોણીયા, ચ્યો ગુડાણો વરી પાસો,, ઓય મર ને હવ,,, ત્યો હું દોટ્યું સે.. તે આખો દી ભરાઈ રે સે… ઓફીસ મો..!!!” …..આ રીતે બોલાવતો મને જમવા માટે..!!

સામે જીગી.. જીગીષા.. શાંત, સોમ્ય અને વિકાસશીલ! સહેજ ભીને વાન એટલે કમા (દેદીયાહણ સે ભાઈ.. કમલેશ નું કમો જ થાય..!) કરતા થોડી ઘાટી લાગે, પણ વાણી વર્તનમાં તો કમાને ક્યાય ટક્કર મારે એવી! પાટણમાં PTC કરતી અને હોસ્ટેલમાં રહેતી એટલે શહેરી રંગ થોડો ગણો ચડ્યો હતો! બોલચાલમાં રહેણીકરણીમાં સ્વતન્ત્રતા ચાડી ખાઈ રહી હતી! (પોતાની સગાઇમાં એ બ્લેક ડ્રેસ પહેરીને આવી હતી!)

એને જોઈ આપણી તો હળી કરવાની ટેવ જાગૃત થઇ ગઈ! “કમા.. આ તારા હાથમાં નહી રહે.. હાચવજે નહી તો ભાગી જશે..!!”

કમો તો તાડૂક્યો..”ઈમ શીની ભાગી જાય, વોણીયા… ચોટલો ઝાલી ચૂલે ના બેહારું તો નોમ બદલી નાખજે..!!”

એટલે આપણે વધારે ઘી નાખ્યું..” હારું બકા..!! કાલે અમદાવાદ થી હારી ચોપડી લેતો આયે.. જે ગમે એ નોમ રાખી લેજે.. બાકી આ ફટાકડી બોરીયાવી ના ચૂલે તો નહી જ બેહે..!!!” (મારી ભાષા પણ મેહોણાં જેવી જ સેટ થઇ ગઈ હતી!)

૩૦મી ડિસે. એમની સગાઇ હતી. અને બંને પહેલીજ વાર મળવાના હતા! (ફોટા બતાવી પસંદગી… હા બોસ.. હજીય એ પ્રથા ચાલુ છે!) એટલે આ નોટ એવી તૈયાર થઇ હતી.. ને પૂછ્યું તો કહે…”રોફ જમાવવા…!!” બોલો થનારી પત્ની પર પહેલીજ મુલાકાત માં “રોફ” જમાવશે.. ૨૧ મી સદીનો ઇન્ડિયન ગ્રેજ્યુએટ..!!

જે વિધિ સગાઇ પહેલા થવી જોઈએ,, (બંને ને એકાંત માં મળવા દેવું..! જોકે મને તો આ પણ જબ્બરનું ફની લાગે છે! બોલો વધુ માં વધુ ૩૦ મિનીટની મુલાકાત માં ૭ જન્મો ના બંધન…!! વાહ રે ઇન્ડિયન કલ્ચર..!!) એ હવે થવા જઈ રહી હતી! અમારો હીરો ઘોરી સામે સોમનાથ બચવા જંગે ચડ્યો હોય એમ… છાતી ફુલાવી મેદાને (રૂમમાં) પડ્યો!

ગયો એવો જ ૨૦ મિનીટ માં બહાર..!

આવીને કહે.. “લ્યાં.. તારી હારે કઈ વાત બાત થઇ કે હું..?? આતો તારી ભાષા જ બોલે હે..!! કે સે.. હગાઈ ભલે થઇ.. પણ હોંજે મેહોણાં મળવા આવજો પસે નક્કી કરીસ.. હગાઈ રાખું કે તોડું..!!

લ્યો ભાઈ..! મને તો જાણે નવું કામ મળી ગયું! કમા ને કીધું.. “ચાલ વાત કરાવ મારી..!” કમો તો ડરતા ડરતા (!) લઇ ગયો જીગીને મળવા!

પેલીએ સીધી હાથ આગળ કર્યો શેક હેન્ડ માટે..! “હાય… જીગીષા પરમાર.. PTC લાસ્ટ ઈયર.. પાટણ..”
વાહ..!

પછી હું જાલ્યો રહું??! “તન્મય શાહ.. ફર્સ્ટ ઈયર.. BSC ભવન્સ કોલેજ.. અમદાવાદ.”

થોડી ઘણી ઔપચારિક વાતો અને ઓળખાણ પછી મેં કમા ને ખસવા કહ્યું..! જીગી પણ ઈશારો સમજી ગઈ અને એની ફ્રેન્ડને પાણી લેવા મોકલી! (ફિકવન્સી સેટ..!)

એક પણ ક્ષણના વિલંબ વગર (મારે જે જાણવું હતું એને માટે એ જરૂરી હતું! આખા ઘર માં મહેમાનો છવાયેલા હતા!) સીધુજ પૂછી લીધું. ” તમે હા… કેમ પાડી તો પછી..??”

“ગ્રેજ્યુએટ સમજીને!.. બાકી એટલો ગમાર હશે એની કલ્પના નોહતી..! સાંજે વધુ વાત કરીશ એની જોડે.. નહી ગમે તો સગાઇ ફોક.!” એ જે બોલી એ ૧૦૦% સાચું હતું.. કોઈ પેહલી વાર માં કમાને પસંદ નાજ કરે!

મેં કહ્યું.. “હું એને તમારા લાયક “માણસ” બનાવી દઉં તો..!”

“યા શ્યોર.. તમારી પાસે…. ૫ કલ્લાક છે..” બોલી ને જતી રહી..!

ભાઈ ભાઈ.. હવે વાત નાક પર આવી ગઈ.. “કમા છોકરી ગમે છે..??

“હાસ્તો.. પણ નક્કી ચૂલે તો નહી જ બેહે..!”

“અરે પહેલા હાંજ નું વિચાર.. પાસે ઘેર આવે એટલે ચૂલે ય બેહવાની!”

“તું બોલ તો હું કરું..??”

“હું કહું એમ કરે..??”

“હાઉરે.. પણ જોજે વોણીયા.. હગાઈ તૂટવી નો જોહે..!”

“અલ્યા સીધું બોલ.. કરીશ..?? નહી તો જા ભાળ માં..!” મને તો જે ગમ્મત થઇ રહી હતી…!!!

“આ વોણિયો આજ બવ.. ભાવ ખાશ.. હારુ.. કરે.. પણ જોજે હાચવજે..”

અને સિધ્ધાં પહોંચી ગયા મહેસાણા.. બપોરેજ! (મહેસાણા થી બોરીયાવી 12KM ) સમીરને ઘેર! પછી શરુ થયું ક્માનું મેક ઓવર! સારામાં સારા હૈર ડ્રેસર જોડે વાળ કપાવ્યા, શેમ્પુ કરાવી સ્મુધ બનાવ્યા, પાંધી વચ્ચેની સાઈડ કરાવી દીધી! એ વખતની લેટેસ્ટ ફેશન પ્રમાણે લાઈટ બિસ્કીટ કોટન ટ્રાઉઝર અને ડાર્ક બ્લુ લીનન શર્ટ! બેલ્ટ, રીસ્ત, વુડ લેન્ડ શુઝ બધુજ બદલાવી અમે ૫.૩૦ વાગે ફ્રી પડ્યા!

બપોરે નીકળ્યા ત્યારથી કમા માંથી કમલેશ બનવાના લેશન તો ચાલુજ હતા! મેં અને સમીરભાઈએ (ઓલ્સો લવ મેરીડ!) અમારો સમગ્ર અનુભવો નો નીચોડ એના દિમાગ માં ઘુસાડવાની મહેનત કરી નાખી! અને તોય નક્કી થયું.. કઈ લોચો વાગે તો મારે માથે લઇ લેવું!

અને ભગવાનનું કરવું અને કૈંજ લોચો ના થયો! મહેનત રંગ લાવી હતી અને કમો અમારા ચાવી દીધેલ રમકડાની જેમજ વર્તતો હતો! સામે જીગી પણ થોડી ડીફેન્સીવ લાગી રહી હતી! કદાચ એને ૫ કલાક માં આવેલા કમા ના બદલાવને સ્વીકારી લીધો હતો!

પછી તો મેં અને એની સાથે આવેલી ફ્રેન્ડે એ બંને ને એકલા મુક્યા… જેથી.. બંને વધારે ખુલી શકે.!.. છુટા પડતા એ બોલી…”થેન્ક્સ્સ..!! ૫ કલ્લાક ની મહેનત દેખાય છે! હવે તમારી પાસે પુરા ૫ મહિના છે!(લગ્ન વૈશાખમાં!) મારું જીવન (કમો) તમારા હાથ માં છે..!

બસ.. પછી તો બંનેની ગાડી એવી પાટે ચડી ગઈ છે… જીગી મહેસાણા સાર્વજનિક સ્કુલમાં ટીચર છે! અને “કમો” હજીય આ વોણીયાને ભૂલ્યો નથી!

શું જાણે કેવા ઋણાનુબંધ હશે કે એ ૧૧ માસ ની જોબ નો એક એક દિવસ અક્ષરસ: યાદ છે! રોજે રોજ નાવીન્ય થી ભરેલી! આટલી તો આ ૧૦ વર્ષ ની કોર્પોરેટ જોબ પણ યાદ નથી! જે મળે છે એ ફુલ્લી પ્રોફેશનલ હોય છે…!! લાગણી વગરના, પ્રાણી જેવા..!

કદાચ એ વખતે માણસો જે કોઈ પણ મળ્યા એમને માટે પૈસો સર્વસ્વ નોહ્તો..! ક્માનીજ વાત કરું તો એ કદાચ ગામડાનો હતો એટલે મને સોંપી શક્યો…. બાકી…….. સાચેજ પૈસો દરેક જગ્યાએ મહત્વનો નથી જ હોતો..!!

~એજ…તન્મય..!!

અતીત ના સંભારણા…(પાર્ટ – ૩)

————————————

સ્થળ અને સમયને અનુરૂપ થઇ જવું…. એને મેં જીવનમંત્ર માની લીધો હતો,, એટલે જ એક તદ્દન ભિન્ન વાતાવરણ, મેહસાણા શહેરથી દુર અંતરિયાળ દેદીયાસણ GIDC માં આવેલી એક ઇન્ટર નેશનલ પ્રોડક્ટ્સ (સીલીકોન સ્લીવ્સ.. માથાના વાળ જ પસાર થઇ શકે (૦.૩-૦.૮) એટલી જાડાઈથી લઇ.. નેવી જહાજોના ભૂંગળા કવર કરતી મોટી) મોનોપોલી સાથે બનાવતી ફેક્ટરી માં સેટ થઇ ગયો!

નવાઈની વાત એ હતી કે હાઈલી પ્રોફેશનલ સ્ટ્રીમ (મેડીકલ જેવી) માં વપરાતી આ પ્રોડક્ટ્સ તદ્દન અભણ અને અલ્પશિક્ષિત કહી શકાય એવા માણસો બનાવતા! અમારી કંપની ISO પ્રમાણિત પણ હતી..!! ફેક્ટરી માં ૨૧ નો સ્ટાફ. હું, કમલેશ (પ્રોડક્શન મેનેજર), સમીરભાઈ (ડીસ્પેચ ડીવ.), શંકરકાકા, યાદવકાકા, રાજુ મોટો બસ આટલાનીજ મસ્ટર પર સાઈન આવતી, બાકી બધાના અંગુઠા!!

એવામાં રાજુ મફા (ફેક્ટરી માં ત્રણ રાજુ હતા! એટલે છોગાં સાથે બોલવા પડતા.. લોચાના થાય એટલે!) ના લગ્ન લેવાયા. (૧૭ વર્ષની વયે..ઓફ્ફ્ફ્ફફ્ફ..!) બિચારો ડરતા ડરતા મને અને રાજુભાઈ (ફેકટરીના માલિક એ અમારા ત્રીજા રાજુ..!) ને ઇન્વાઈટ કરવા આવ્યો! (ઓફીસ માં હેલ્પર્સ અલાઉડ નોહતા.. પણ એ કેમ નોહતા એની જાણ પછી થઇ!)

એના ગયા પછી રાજુભાઈ કહે.. : “તું જઈ આવજે મારા વતી..!!.. એને સારું લાગશે..!!” અને બીજું વાક્ય થોડું ભાર દઈ બોલ્યા..”મારાથી થોડી જવાશે આમ પણ..??!!” હવે આ વાત મને સમજી નહિ એટલે કાઉન્ટર ક્વેશન કર્યો.. અને જવાબ વધારે આઘાત જનક હતો “વાત હેલ્પરની નથી.. તારા લગ્ન માં હું જરૂર આવતો!! પણ રાજુ એવી જગ્યાએ થી આવે છે જ્યાં અહીના કોઈ “સારા માણસો” નથી જતા..!!”

રાજુ એક પછાત વર્ગ માંથી આવતો હતો. અને દુનિયા ૨૧ મી સદી માં પ્રવેશ માટે તૈયાર હતી અને અહી આ કહેવતો સુધરેલો સમાજ ૧૮ મી સદીના વાહિયાત જાતિવાદ ને પ્રોત્સાહન આપી રહ્યો હતો! કદાચ કોઈક ને અડી જવાય તો પણ ઘેર આવી નહાવાનો રીવાજ હતો અહી.!!!

ઘણી બધી વાતો ઘર કરી ગઈ હતી. અને સંકલ્પ કર્યો કે આના માટે કૈક તો કરીને જ જંપીશ..!! શરૂવાત રાજુના લગ્ન થી જ કરી! હું કમલેશ અને સમીરભાઈ (બ્રાહ્મણ હતા! અને એય….[..:(..)…) ગયા અને અમને આવેલા જોઈ રાજુ ચોરી માંથી ઉઠી સીધો જ દોડી અમારા પગ માં પડી ગ્યો!.. કમલેશે અમારી ઓળખાણ એના સંબંધીઓ ને આપી, ત્યારે સૌ કોઈની નજરો અમારી તરફ હતી… તદ્દન વિસ્ફારિત..!! મેં એને ઉભો કર્યો અને.. કોણ જાણે કેમ પણ અનાયાસે ભેટી પડાયું..! એક ઉજળી કોમની વ્યક્તિ એમને આંગણે આવે એ હજીય દિવાસ્વપ્ન લાગતું હતું સૌ કોઈ ને.!!

મારી ઉમર તો એવખતે fy ના વિદ્યાર્થી જેટલી.. પણ ઠોકરો અને દુન્વયી વ્યહ્વારોએ મને ડબલ ગ્રેજ્યુએટ બનાવી દીધો હતો.! એટલું તો સમજતો થયો હતો કે… હમેશા ઉપરવાળાએ જ હાથ લંબાવો પડે છે… નીચેવાળાને ઉપર લાવવા માટે..!! રૂમ માં પૂરેલા ને બહાર કાઢવા તાળું બહારથી ખોલવું પડે છે!

એ પછી ૬એક માસ મેં ત્યાં જોબ કરી.. અને છેલ્લી સેલરી લેતી વખતે ચોક્કસ કહું તો…. હરખ ના આંસુ આવી ગયા હતા..!! મારી મહેનત રંગ લાવી. (ફેક્ટરી ના દરેક વર્કર્સ ને હું સાંજે ૫.૩૦ થી ૭.૩૦ ભણાવતો અને એમ કરતા મારે ઘેર અમદાવાદ આવતા રાત્રે ૧૧ વાગી જતા!) મસ્ટર પર દરેક વર્કર્સની સાઈન હતી.. એક પણ અંગુઠો નહિ..!!

રાજુભાઈના શબ્દો આજેય યાદ છે…”અહીની દરેક ફેક્ટરી માં તારા જેવો એક સુધારાવાદી એમ્પ્લોઇ હોવો જોઈએ…!! પછી સમાજના નિયમો બદલાતા વાર નહિ લાગે..!!”

રાજુભાઈ પણ રાજુ મફા ના “હાથે” લાવેલું પાણી પીતાં થયા હતા..!!!

~એજ..તન્મય..!

અતીત ના સંભારણા (પાર્ટ ૨)

——————————–

સમયની માંગ હતી એટલે કેટલોક સમય અમદાવાદ થી મહેસાણા જોબ કરવા અપડાઉન કરવું પડ્યું. અંદાજે એકાદ વર્ષ. વહેલી સવારે ૫.૪૦ ની અરાવલ્લી પકડવી પડતી ત્યારે ૮.૩૫ વાગે પહોંચાતું! જોબ હાથી મહેસાણા થી ૬km દુર દેદીયાસણ GIDC માં. રીટર્ન માટે સાંજે ૬.૧૦ ની ઇન્ટરસીટી.

ટ્રેન માં સાથે અપડાઉન કરનારા (વર્ષોથી) થોડા મિત્રો બનવા લાગ્યા હતા. જેમાં ઈરફાન, જયેશ્કાકા, દિનેશભાઈ, વિશ્વાસ અને અરવિંદભાઈ મુખ્ય હતા. દરેક ક્યાંક ને ક્યાંક સારી કંપની માં સારી પોસ્ટ પર હતા અને વેરી વેલ મેચ્યોર પણ! ત્યારે મેં 12TH પાસ કરી FY જોઈન કર્યું હતું! એટલે સૌ મારાથી ઘણા મોટા હતા. મારા થોડા રિઝર્વ્ડ સ્વભાવ ને લીધે એમણે મને એમની “ટોળકી” માં સામેલ કર્યો હતો! બાકી અપડાઉન કરનારા તો ઘણા હતા, ને આ લોકો એ સૌને ચણા મમરા સમજતા!

મહેસાણા સ્ટેશન પહેલા એક ગરનાળું આવે છે, જ્યાં કોઈ પણ ટ્રેન ને ફરજીયાત ધીમી કરવી પડતી! ૨ વર્ષ પહેલા થયેલી વર્ષાહેલીના કારણે એ નાળા પરનો પુલ ઘણો ક્ષીણ થઇ ગયો હતો! (રેલ્વે ત્યારે ખોટ કરતી તી ભાઈ! સમય લાલુના રેલવેમંત્રી બન્યા પહેલાનો હતો! )

અહીંથી સીટીની બહાર જવું સહેલું પડતું અને અંદાજે ૧૦ મિનીટનો ટાઈમ પણ બચી જતો, એટલે અમે સૌ ટ્રેન ધીમી પડે ને ચાલુ ટ્રેને ઉતરી જતા અને પાટા ક્રોસ કરી બ્રીજ પરથી નીચે ઉતરી જતા, જે તદ્દન ગેરકાનૂની વાત છે (રેલ્વેના પાટા ઓળંગવા ગુન્હો બને છે!)

એક વાર આજ રીતે પાટા ક્રોસ કરતા હતાને રેલ્વે પોલીસની રેડ પડી! ચારેય બાજુથી પોલીસ આવી અને અમારી સૌની કાયદેસર ધરપકડ કરવામાં આવી! જીંદગીમાં પહેલીવાર કોર્ટ જોઈ હતી! હાથ પગ તો એવા ધ્રુજે ના પૂછો વાત! સાથે “અનુભવી” એવા જયેશકાકાએ થોડું સાંત્વન આપ્યું, છતાય ગભરાટ ઓછો ના થયો!

રીસેસ પછી અમને હાજર કર્યા જજ સામે. જજ ને જોઈ દરેક એક બીજા સામે જોઈ હસવા લાગ્યા! અરવિંદભાઈની આંખોએ જજ સાથે વાત કરી લીધી અને સૌને કહી દીધું.. ‘કબુલ કરી લેજો!’

અમને પૂછવામાં આવ્યું અને નક્કી થયા પ્રમાણે કબુલ કરી લીધું ગુન્હો!… સજા મળી : દંડ પેટે rs ૫ ભરો! પોલીસ ની હાલત તો કાપો તોય લોહીના નીકળે એવી થઇ ગઈ! (અમે ૫૯ જણા હતા.. અને કોર્ટ ના આદેશ મુજબ હવે અમને સૌને.. હોટલમાં જમાડવાની જવાબદારી પોલીસની હતી….!!!)

આખો દિવસ ડ્રામાં ચાલ્યો હતો, (૫૯ પહોંચ ફાડતાં પણ કારકુનને એકાદ કલ્લાક લાગ્યો હતો!) પાછળથી પૂછ્યું ત્યારે ખબર પડી કે, આ જજ જયારે સરકારી વકીલ હતા ત્યારે બાકીનાઓ સાથેજ અપડાઉન કરતા.. અને આજ રીતે પાટા પણ ઓળંગતા..!! નામ હતું કિશોર માંડલિયા..!!!

કોર્ટ છુટ્યા પછી એમણે અમારા માંથી કેટલાકને રોકવા કહ્યું!.. હું પણ રોકાઈ ગયો.. જજને મળવા!
સાહેબ પોતે બહાર આવી સૌને ભેટ્યા.. ઈરફાને મારો પણ ઇનટ્રો કરાવ્યો!

મને જોઈ એટલું જ કીધું… બકા ધ્યાન રાખજે….. દરેક જગ્યાએ ઓળખીતા જજ નથી મળતા..!!!

ઓહ્હ..!! કેટલા સાચા શબ્દો હતા એ…!!… ઘણી પાછળથી ખબર પડી..!!

કેવા સોનેરી દિવસો હતા એ…!!.. અત્યારની પોઝીટીવનેસ અને કામને પ્રેમ કરવાની શિખામણ (વિશ્વાસ પાસેથી) પણ એજ સમયે મળી હતી..!!

~એજ..તન્મય..!

અતીત ના સંભારણા..!

સન્ડે..
આરામ નો દિવસ..

પણ અમે તો પરણેલા છીએ ભાઈ.. એટલે.. કામ નો દિવસ..! અભરાઈ પર ચડાવેલા જુના બોક્સ ની સફાઈ કરવાની માથે આવી ગઈ. ને થયું આમ પણ કોઈ બીજું કામ નોહ્તું એટલે. ખોલ્યા એક પછી એક પટારા. અનાયાસે જૂની યાદો કિશોર રફી ના ગીતો ની જેમ રીવાઇન્ડ થઇ દિલોદિમાગ માં વાગવા લાગી. કોઈક જુનું આલ્બમ. જૂની કેસેટ. કેટલાક સંઘરી રાખેલ છાપા ના કતીન્ગ્સ. અને છેલ્લે હાથમાં આવ્યું.
એક અલાયાદું ઘણા જતન થી સાચવી રાખેલું બોક્સ.

અને જાણે ૪૪૦ વોટ નો કરંટ પસાર થઇ ગયો હોય એવી કંપારી સાથે સામે જો…યું. “એ” તો એમના બીજા કામો માં વ્યસ્ત હતા.! થોડી ગણી રાહત તો મળી પણ હાર્ટ બીટ્સ હજીય નોર્મલ કરતા વધુ હતા. રખે ને જોઈ જાય તો..:( એમાં હતી મારી લાગણી મારા સપના કદાચ હું પોતે..! જેમ જેમ એના આવરણો હટાવતો ગયો એટલાજ અતીત ના વમળ માં ફસાતો ચાલ્યો..

આખરે ખુલ્યા એ પાના જે લગભગ સાડા ૧૪ વર્ષ નો હતો ત્યારે લખાયેલા..! એ વખતે કૈંક પણ સારું વાંચવા સમજવા વિચારવા મળે કે તરત એને એક બૂક માં ટપકાવી રાખતો.! જેના વડે તો સજાવી હતી મેં એક આખી દુનિયા અત્યારે ભલે હસવું આવે પણ હા ક્યારેક મારોય જમાનો હતો કે લોકો એમના નિબંધ સુદ્ધા મારી પાસે લખવી જતા.! અને જયારે. ૧૦ માંથી ૯.૫ માર્ક આવે ત્યારે. એક્લર્સ પણ..:) લવ લેટર્સ ના બદલામાં પાર્ટી આપવી પડતી કારણકે સામેવાળી ૧૦૦% પડી જ જાય. અરે એક એક લેટર લખવા માટે એની રીતસરની રેકી થતી.. જીના માં જીની વિગતો આપી જતા.. અને પછી એને અનુરૂપ તૈયાર થતો એક પ્રેમની સુંગંધ થી મધમધતો પત્ર..!

બોક્ષ માં સાથે હતી મારી મનપસંદ પાર્કર નો સેટ. સાલું યાદ નથી કોને ગીફ્ટ કરેલો પણ જેને કર્યો હોય દિલ થી કર્યો હશે.! કેમ.? અરે ભલે મારા લખાણ મારા કામે નથી આવ્યા પણ બીજા ઘણા ના ઘર વસાવ્યા છે એ કલમે.!
પણ મારા ધાર્યા કરતા પણ એ બોક્ષ તો વધુ ખાલી નીકળ્યું..! એમાં લખાણ તો હતાજ નઈ..:( બસ હતા તો ખાલી પીળા પડી ગયેલા લેટર પેડ્સ જેમાં વધુ તો કઈ નઈ પણ મળી આવ્યા કીડી મકોડા.. અને થોડી ઘણી હગાર. કોની હશે એ કહેવું મુશ્કેલ છે.!

શટ કરી દિમાગ માં વિચાર જબ્ક્યો. જે જે ને માટે લેટર્સ લખ્યા હતા દરેક ને ફોન કર્યા પણ યાર. આજેય મારું નસીબ બે ડગલા આગળ હતું..! એક પણ હરી ના લાલે એક પણ કાગળ સાચવ્યો નોહતો..! જવાબો તો એવા મળ્યા કે અહી તો શું પર્સનલ ડાયરી માં પણ ના લખી શકાય. ! ઇન શોર્ટ બધાનો સુર એક જ હતો.. “વેવલા વેળા છોડી કામ ધંધા માં ધ્યાન આપો.!

હશે દુનિયા છે ભાઈ. ચાલ્યા કરે. મેં પણ નવી શરૂવાત કરવાનો વિચાર આદર્યો. અને એમાટે પાયાની જરૂરીયા મુજબ લેટર પેડ અને મારી મનપસંદ પાર્કર માં રીફીલીંગ કરાવી લાવ્યો. અને બેઠો આ પહેલી વાત લખવા. (અત્યાર સુધી જે કઈ પણ લખ્યું છે એ સીધું જ ઓનલાઈન fb પર જ લખ્યું છે ) અને જેવી બોલ પેન ચાલુ કરી ત્યાં એને પણ સાથ ના દીધો..:)

પછી થોડા લાડ લડાવ્યા તોય ચાલુ તો નાજ થઇ.. એને બાજુ પર મૂકી સેટ ની બીજી પેન પકડી. અને વાહ..! શું સ રસ ચાલી.. હવે આ લખાણ પૂરું કરતા એક વાત ઘર કરી ગઈ.. યાર બંને પેન સાથેજ અટકી હતી.. પછી એક કેમ ચાલી ને એક નઈ..??

અંદર થી જવાબ મળ્યો..,, ખોટકાઈ ગઈ એ તારી પ્રેમિકા હશે…
ને ચાલી ગઈ એ……………………………..પત્ની……………..:)

 
~એજ.. તન્મય..!