ભારત દેશ. ગમ્મે તેટલી અવગડ હોવા છતાં; એ તો માનવું જ પડે કે, આ દેશ ઉત્સવ પ્રિય તો ખરો. દરેક ઋતુ માટે ખાસ ઉત્સવ મૂકી ગયા છે વડવાઓ આપણા માટે. કુદરતના બદલાવના “પગરવ”ને સહર્ષ વધાવી લેવાનો પ્રસંગ એટલે જ તો આ ઉત્સવ. જેને પ્રતાપે વ્યક્તિને પણ પોતાની ફાસ્ટ લાઈફમાંથી થોડો સમય પોરો ખાવાને મળી રહે છે. ટૂંકમાં કહું તો, ઉત્સવો વ્યક્તિ માટેના પેટ્રોલ પમ્પ ( હા ભાઈ, ગેસ સ્ટેશન બસ..!) જ ગણાય! ભાગી દોડીને થાકી ચૂકેલાં જીવતરમાં દુનિયા નામના ઉબડખાબડ, અન-ઇવન રસ્તા સામે જીંક જીલી શકે એ માટે નવા જોમ નવા ઉત્સાહના રીફીલીંગ, સર્વીસીંગ, કરવાના સ્ટેશન એટલે જ આ ઉત્સવો…!
ને એમાંય દિવાળી એટલે તો ગેસ સ્ટેશન વિથ શોપિંગ મોલ….! પાંચ દિવસનો ફૂલ ટૂ ફટાક ઉત્સવ. અવનવા તદ્દન નવા વસ્ત્રોના મલ્ટીપ્લેકસ. કામધંધા અને ભણવામાંથી મરજી હોય એ દુકાનમાં ઘુસવા જેવી આઝાદી. બાળકો કે ઇવન મોટેરાં સાથે પણ મસ્તીથી રમી શકાય એવા ક્રિકેટ, બેડમિન્ટન, લખોટી, આંધળો પાટો, સ્ટોપ-બોચી જેવી રમતોનો ગેમિંગ ઝોન. એકની એક ઘરેડ પ્રકારની રસોઈમાંથી છુટકારો અને ખાસ દિવાળીએ બનતા ફાફડા, મઠીયા કે ઘૂઘરા મગસના મેક, સબ-વે કે કોફી-ડેના સટાકા. ટોટલ રીફ્રેશમેન્ટ. ૧૦૦% એન્ટરટેઇનિંગ. હા ભાઈ, આ બધા પાછળ શોપિંગ મોલમાં થાય છે એથીય વધુ ખર્ચો થાય! બટ ઇટ્સ એક્સેપ્ટેબલ અગેઇનસ્ટ ધ ફન.
વાસ્તવમાં તો, એ એક રાત એક સામાન્ય રાતથી વિશેષ કશું નથી. હા, અમાસની હોવાથી થોડીક વધુ અંધકારમય ઉદાસીન લાગે પણ એય સ્વાભાવિક જ. ને, આમ જુઓ તો.. એ રાત વડે એક આખું વર્ષ હતું ન હતું થઇ જાય છે, ભૂતકાળ બની જાય છે.. દિવાળી…. આસો વદ અમાસની રાત. ભગવાન રામના વનવાસ પૂર્ણ થયાની રાત. પ્રભુ મહાવીરના નિર્વાણની રાત. જૂના ને સ્થાને નવા વર્ષના બદલાવની રાત. જૂની યાદો, પ્રસંગો, દુઃખો, ગમગીનીઓ, વેદનાઓ, ખુશીઓ, આનંદો_સઘળાને ભૂતકાળની દાબડીમાં પેક કરવાની રાત. નવા ઉમંગો, નવી જિંદગી, નવા સમીકરણો, નવા વિચારો, નવી શક્યતાઓ સઘળી નવીનતાના “પગરવ”ને બિરદાવવાની રાત.
આટલાં બધા વખાણ પછી’ય જો ખોડખાંપણ ના કાઢીએ તો, અમારું નામ બદલવું પડે યારો..! શું છે કે, સ્વભાવ પેલ્લેથી જ આવો કચકચિયો. ચોરીમાં બેઠેલા ત્યારે’ય પંડિતને કીધેલું, “મંત્રો હાચા ભણજો.. પેહલી વારનું છે, કઈ ઊંચુંનીચું થ્યુ ને ફરી ઘોડે ચડવાનું આયુ તો, એ બીજા લગ્નનો આખો ખર્ચો તારી જોડે વશુલ કરે!” પંડિત તો રાભાની જેમ મારું ડાચું જોવા માંડ્યો. ત્યારે ભાવી ભાર્યાએ વાત વાળી લેતાં કીધું, “ટેન્શન ના લો પંડિતજી, આ ‘ડફોળ’ મને છોડશે નહિ!” (હાસ્તો છે….ક ત્યારના એ મને ઓળખી ગયેલાં..!! ) ને પંડીતના હાવભાવ પરથી લાગેલું બેનબા ખોટી જગ્યાએ ભરાયા લાગે છે! આજે’ય બાપડો દર રક્ષાબંધને ફોન કરે છે…!!
સોરી..સોરી..ગાડી જરા આડે પાટે આઈ મીન ટૂ સે, રીવર્સમાં જતી રહી. હા, તો ક્યાં હતા?? ઓહ્હ યસ.. દિવાળીની ખોડખાંપણ…. સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી એક જ વાત…..સાલ્લું દિવાળીમાં ઘેર રોટલી કેમ નથી બનતી??! કહે છે, એ પાંચ દિવસ (પહેલાં તો છેક લાભ પાંચમ સુધી, આ સજા રહેતી, કાળક્રમે સાબરમતી મધ્યસ્થ જેલમાં આઈ પી એસ સંજીવ ભટ્ટની મ્ધ્યસ્થીથી સુધારણા આવ્યા એમ, આમારી આ સજામાં સગવડ નામના તત્વે મધ્યસ્થી કરી અને સજા ભાઈ બીજ સુધી સીમિત થઇ…. હાશ) તવી ન મૂકાય..! સાલ્લું, પાંચ દિવસ બહારનું ખાઈએ તો બાકીનો આખો મહિનો આર્થિક અને શારીરિક બંને રીતે રોટલીને લાયક ન રહીએ.
વડલાઓએ આ નિયમ બનાવેલો જેની પાછળ મારી સમજણ એવું કહે છે કે, એ સાફસફાઈ, ઘરકામ, સાજ-સજાવટ, નાસ્તા-પાણીની વ્યવસ્થા પછી ‘ગૃહલક્ષ્મી’ થાકી જાય એટલે, એમને પણ એટલીસ્ટ રૂટીન રસોઈમાંથી તો આરામ મળવો જોઈએ. ડોહા હાચા હતા અને હશે ય ખરા… પણ, એમાં તો આપણાં જેવાં હલવાઈ જાય ને?! એ બાપડાઓને થોડી ખબર મોડર્ન ગૃહલક્ષ્મી શું શું કારસ્તાન કરશે?!! દરેકે દરેક કામમાં હારોહાર હાથ (કેટલેક ઠેકાણે તો પગ પણ ) દેવડાઈએ તો’ય…….. આજથી રોટલી બંધ…! એકવાર તો મેં કીધેલુ ય ખરું, “હું બનાવું તો?!” જવાબ આવ્યો તો, “પછી આજથી કાયમ માટે તમે જ બનાવજો…!” હારીને હથિયાર હેઠા મેલવા સિવાય કોઈ ચારો હતો?! બોલો રણછોડરાયજી, કેમ બોલતાં નથી?! (શું બોલશે, રોટલી તો એમણે ય નહિ જ ખાધી હોય!) એકલી લાપસી ને તુવેરો વડે કેટલાં દા’ડા ખેંચવાના?!
આ તો થઇ ગમ્મતની વાત. એક તરફ તો લાગે કે, આવા જડસુ નિયમોનું હાલની પરિસ્થિતિમાં કોઈ સ્થાન નથી, બદલી નાખવા જોઈએ. (કેટલાક ઘરે સુધારણા શરૂ થઇ ચૂકી છે. પાંચમાંથી બે કે ત્રણ દિવસ) ને, બીજી તરફ લાગે..નાં યાર, આવું કૈંક તો હોવું જોઈએ..રૂટીનથી અલગ. કહે છે ને, વસ્તુની એહમિયત એની દૂરતાથી વધુ સમજાય છે. છો’ પાંચ દિવસ વાહલી રોટલી ન મળતી, પછી તો કાયમ થાળીની શોભા બનવાની છે જ. ચલ બકા, એટલો વિરહ તો સહી લેવાશે.
હાલો રજા લઉં….. મને તો ભૂખ લાગી આટલું લખતાં લખતાં. એ..ય ને ધીમી ધારે મહેમાનના પગરવ સંભળાયાં… અલ્યા જાઓ, આખો દિ’ અહીં જ કાઢશો કે શું?! આવકારો એમને… જો, જો, એમને કે’તાં નહિ પાછા…. આવું ગાંડુ ઘેલું વાંચવામાં ટાઈમ બગડ્યો. બિચારા મને વાંચતા હશે તોય નહિ વાંચે!
~એજ તન્મય..!