એક ડાયરીના અધખુલ્લા પન્ના ….. પાર્ટ 7

મિત્રો આજે અંતિમ ભાગ. એટલે આપ સૌનો વાચકોનો તહે દિલથી આભાર ન માનું તો નગુણો કહેવાઉં! એટલે આજે થોડીક ડાયરી લેખન, એમાં સહભાગી બનેલા મિત્રો અને એમાં પીરસાયેલા ભાવો વિષે વાત…

કેટલાક દિવસ પહેલા મને ફાલ્ગુની મિસ્ત્રીનો વ્હોટસઅપ આવેલો. જેમાં આવી કોઈક ઘટના વિષે મને લખવા કહેલું. વાસ્તવિકતાને શબ્દોથી વર્ણવવાનો આ મારો પ્રથમ પ્રત્યન છે. સૌ પ્રથમ તો માત્ર આ એક વિચાર જ હતો. અને સાચું કહું તો કદાચ એકાદ લેખ સુધી સીમિત પણ રહ્યો હોત. વાત એટલી ગમેલી કે તેજ દિવસે નાનકડા લેખ જેવું લખી નાખેલું.પણ પછી વિચાર આવ્યો કે ના… પાત્રના શબ્દોમાં લખવું વધુ અસરકારક લાગશે એટલે ભાષા અને વ્યાકરણ થોડા બદલી ડાયરીનું એક પેજ થાય એ મુજબ લખ્યું જેનો રફ ડ્રાફ્ટ મેં ગૌરાંગભાઈને બતાવેલો.અને થેન્ક્સ ટૂ ગૌરાંગભાઈ કે જેમણે મને તે વખતે અને સમગ્ર પ્રક્રિયા દરમ્યાન વખતોવખત પ્રોત્સાહન આપ્યું અને એક વાસ્તવિકતાના નાનકડા વ્હોટસઅપને સાત પગલા, સાત દિવસોમાં વહેંચી શક્યો.

વાત સ્ત્રી વિષયક હતી. વાચકોની કોમેન્ટ્સને હું મારી વ્યસ્તતાને લીધે ન્યાય ન આપી શકું એટલે પોસ્ટ એક સ્ત્રી કરે એ વિચારને સ્મિતા પાર્કરજી એ બખૂબી પાર પાડ્યો. વાચકોમાં લગભગ દરેકે સરાહના કરી અને એક માત્ર ઉણપ વિજયભાઈની જણાઈ.. બે દિવસ પહેલા એમની સાથે મેસેજમાં વાત થઇ અને મને મારી ભૂલો સમજાઈ પણ એમના કહ્યા મુજબ સઘળું પરિવર્તન કરવું અશક્ય હતું કારણ કે ત્રણ ભાગ અમે પોસ્ટ કરી ચુક્યા હતા. છતાં એમની અમુલ્ય સલાહને ધ્યાનમાં રાખી શક્ય એટલા સુધારા કર્યા છે. (છ માંથી એક જ પોસ્ટમાં એમની લાઈક છે!)આપણી નાયિકા ગાર્ગી વ્યાસ શાહ, પ્રોફેશનલ લેખક નથી એટલે કોઈક ઠેકાણે સાદી બોલચાલની ભાષા રાખી હતી. જેમ કે જ્યાં “અને” આવ્યું ત્યાં મોટેભાગે “અ” નો લોપ થયો. એટલે સમજો કે એ ભૂલ નહોતી.

અંત વિષે પણ થોડું કહેવું જરૂરી છે. અમે અલગ અલગ પરંતુ કાલ્પનિક એવા ત્રણ અંત વિચારેલા. જે માટે જે તે ક્ષેત્રના નિષ્ણાંતોની સલાહ પૂરી પાડવા માટે ફરી એક વાર ફાલ્ગુનીનો આભાર. ત્રણમાંથી એક અંત વાચકોની કોમેન્ટ્સ અને સ્મિતાજીને આવતા મેસેજ પર આધારિત હતો તે ટેકનીકલી અને બીજો જે મને પસંદ હતો એ કાયદાકીય રીતે શક્ય નોહ્તો. એટલે આ જે વાસ્તવિક છે એ જ ફાઈનલ રાખ્યો છે. આખરે જિંદગી જિંદગી છે, કોઈ નાટ્યમંચ નહિ..

ફરીથી એક વાર અમારી ટીમ વતી … આપ સૌ વાચકમિત્રોનો આભાર…. જેમણે પ્રોત્સાહન આપ્યું અને અમે સરળતાથી લેખનના અંત સુધી પહોચી શક્યા…

—————————————————————————————————————————————————

Image

૦૭/૦૩/૨૦૧૪
Friday

ઘણા વખતે નિહાગ આજે બેંક સુધી મૂકી ગયો. હાસ્તો મેજ કીધેલું એટલે જ સ્તો! ને મેં બેક સીટ રાઈડની મજા લીધી. નૈન મટક્કા લાગા રે… મન બેક સીટ પે ભાગા રે… ! ખાસ્સી જૂની યાદો તાજી થઇ. ભલે વરસાદ નહોતો પણ બંને શરીરો અડે એટલે અંદરથી અંતર તરબોળ થઇ જ જાય! દિશુંની કે અન્ય કોઈ વાત એ જાણી જોઇને નોહ્તો કરતો. સામે હું એનો મૂડ બગાડવા નોહતી ઇચ્છતી. બાકી અંદરથી બંને સરખા વલોવાયેલા હતા. રાઈડિંગની એ ૧૫ ૨૦ મિનીટ અમે એ વલોપાત સાઈડ કરી દીધેલો. ઘરની તંગદીલી ઘર પુરતી રાખવામાં સફળ થયા. બાકી એટલો લોચો હતો કે આ ડફર આજે જોડે જ ન આવ્યો… ને મને પહેલ કરવામાં કાયમી શરમ નડી ગઈ. મને ઉતારી એક સ્માઈલી જેવા ફેસ સાથે એણે વિદાય લીધી અને હું પાછી ચકરાવે ચડી.

એક સ્ત્રી જયારે પત્ની બને છે ત્યારે સમજો એ પુનર્જન્મ જ લેતી હોય છે. ૨૨ ૨૫ વર્ષ સુધી માં-બાપને ઘેર. પછી બધું છોડી સાવ અજાણ્યા નવા ઘેર પગલા. બીજા ઘરને પોતાનું કરવાની કસોટીની એરણ પર ખુશી ખુશી ચડે છે અને અપવાદો બાદ કરતા સરોતર પાર ઉતરે છે. નાઉ ઇટ્સ ઈનફ. એ નારીના વજૂદને એની ખામીઓથી જ આંકવાનું હવે બંધ થવું જોઈએ. સ્ત્રી માં ન બની શકે એટલા માટે એ નિષ્ફળ? ૮૪ લાખ ફેરા ફરી માનવ અવતારનો એનો ધક્કો જ માથે પડ્યો જાણે! ભલે પછી અન્ય કોઈક રીતે એ સારા એવા સ્ટેટ્સ, આઈડેનટીટી ધરાવતી હોય. સમાજે નક્કી કરેલી વ્યાખ્યા મુજબ “માં” ન હોય એવી કેટલીય સ્ત્રીને અનાથાશ્રમના સેવા બજાવતી મમતા વહાવતી જોઈ છે. & વાઈસે વર્સા. છોકરું જણ્યું હોય એને કદર નથી હોતી!

કોણ કહે છે જમાનો બદલાયો છે? આધુનિક બન્યો છે? હું માનું છું કે એણે માત્ર વાઘા બદલ્યા છે. અંદરથી એનો એજ જુનવાણી હતો અને રહેવાનો. ઉલ્ટાનો એની જંગલિયતનો સ્વીકાર ડંકે કી ચોટ પર કરતો થયો છે. યેસ, સોશિયલ નેટવર્ક પર હું એક્ટીવ છું. ખાસ્સું એવું ફ્રેન્ડ લીસ્ટ-એ કેમ છે એની જરૂર છે કહેવાની?- ધરાવું છું. હોમ પેજ ચેક કરતી હોઉં ત્યારે દર ત્રીજું સ્ટેટ્સ પત્ની વિષયક સેટાયર હોય છે. ફ…….. ઓફ મેન… વ્હોટ ઈઝ ધીસ ? આટલા જ હેરાન છો તો લાઈકની જેમ જ છુટા છેડાનું ઓપ્શન પણ અવેલેબલ છે જ! પણ શું કામ લે? ફૂલ ડે કામ વાળી (ને એમાય હવે તો કમાતી!) જે રાત્રે પણ ………… કોણ છોડે ??!! આવતી કાલે વુમન્સ ડે છે.. એનાય ભદ્દા -૩૬૫ દિવસ પત્નીનાં જ હોય છે- ટાઈપના મેસેજીસ અને એક જ સમયે એક હાથે ફોન, બીજાથી પુરીઓ તળતી, ટીવી જોતી અને પતિને ખખડાવતી સ્ત્રીના ફોટા… કઈ રીતનો વિકૃતવાદ છે આ ?? નાલાયકોને ખબર નથી લગતી કે એમને જન્મ દેનાર પણ સ્ત્રી જ હતી.

ખરી વેદના તો ત્યારે થાય જયારે એક સ્ત્રી ખુદ બીજીને ડીપ્રેશનની કે એનાથી આગળની હદ સુધી પરેશાન કરે! અરે યાર. યુ ઓલ્સો અ વુમન ડેમ. નરવી વાસ્તવિકતા છે કે એક સ્ત્રી ની સૌથી મોટી દુશ્મન પણ સ્ત્રી જ હોવાની! સારું છે આ બધું મારે સહન કરવું નથી પડ્યું. સાચ્ચે જ નાથને દસેય આંગળીએ પુજેલા. જેના ફળ રૂપે મળ્યો છે આ ડફર નિગ! થેન્ક્સ બકા. તું પતિ જ નહિ મિત્ર પણ છે. લાખ બુરાઈયાં મુજમે સહી, બટ યુ સ્ટીલ લવ મી.

મૂડ ન હો તો અપોર્ચ્યુંનિટી હોવા છતાં ખુશ નથી થવાતું. ગમ્મે તેટલું મન મનાવ્યું પણ ગઈ કાલની બીના પછી આખો દિવસ મૂડ પાછો ન જ આવ્યો. લંચ, કલીગની બર્થ ડે પાર્ટી, ગુર્જરી ઇન્વીટેશન, વુમન્સ ડેની પૂર્વસંધ્યાએ યોજાયેલો પરિસંવાદ બધું અવોઇડ કરી સાંજે સીધી જ ઘરે આવી ગઈ. હોટ શાવરમાં બાથ લઇ સાંજની સરસ રસોઈ કરી નાખી. હા આજે સારી બનેલી… ઈત્તફાક સે! નિહાગને હજી વાર હતી. મદન મોહનની સીડી ચડાવી અને સાંભળતા સાંભળતા જ આંખ મીંચાઈ ગઈ. એણે આવીને ઉઠાડી ત્યારે ખાસ્સી હળવી બની ગયેલી. સંગીતમાં જાદુ તો છે જ. એમાય મદન મોહન….. આહ્હાઁ ક્યાં કહેને… વધુમાં રાહતના સમાચાર આપ્યા કે દિશું ઓપરેશનમાટે રેડી છે. ત્રણેક દિવસ પછીની તારીખ આવી. ચિરાગકુમાર એને સમજાવી શક્યા ને એણે મારી માફી માંગી છે. આ વખતે સ્માઈલી મેં આપી.

કાલે વુમન્સ ડે પર સાડી પહેરવાની છે. પાર્લરવાળી જલ્દી આવે તો સારું. બાકી મને ક્યાં આવડે છે! એ કોઈક બટન વાળી સાડીની વાત કરતી તી. સ્કર્ટની જેમ પહેરી લેવાની! જોઈએ કાલે કેવી હશે.. ફાવશે તો દસેક ખરીદી લઈશ. કાયમની જફા જાય સાડી પહેરવી.

ડાયરી જલ્દી જલ્દી પતાવી બેડમાં મારા નિહાગની છાતીમાં લપાઈ જવાની ઈચ્છા છે.. પણ એ એની આવતી કાલની પોસ્ટ.. પોલીટીક્સ પર છે એટલે લાંબુ કરશે. ડીયર નિહાગ, તે દરેક સ્ટેજે મારો સાથ આપ્યો છે. મારા દરેક નાના મોટા ડીસીઝન ઘરના રીનોવેશનથી માંડી છેક ગઈ કાલ સુધીના. ઘરેથી ભાગવાનું હતું કે જોબ લેવાનું. લેપ્રોસ્કોપી હોય કે IVF . ડોનર હોય કે અડોપ્શન. હવે તારી જ સમજાવટથી નાઉ આઈ ફિલ કે…… હજી ઈશ્વરની નજરોમાં હું માં બનવાને લાયક નથી !

તને ખબર જ છે કે અડોપ્શન કોઈ કાળે મારા માટે ઓપ્શન હતું જ નહી. મારે તો માત્ર ને માત્ર તારા બાળકની જ માતા બનવું હતું. જે હજી શક્ય નથી બન્યું ધેન ઓકે.. જિંદગી થોડી પતી ગઈ છે! કાલથી.. કાલથી શું કામ આજથી જ નવા પ્રયત્ન કરશું. અને બાળક નહિ પણ થાય તોય શું? વી આર મેડ ફોર ઈચ અધર. ભાગીને કરેલા લગ્નથી માંડી આજ સુધી આટ આટલી તકલીફો વચ્ચે આપણે હજી એટલો પ્રેમ જાળવી શક્યાં છીએ એ શું ઓછુ છે? તારા વગર આમે ય જીવન કલ્પી ન શકું. બાળક હો કે ન હો….. ક્યાં ફર્ક પડતા હૈ. કમ ઓન નિગ.. આઈ નીડ યુ. આઈ વોના ફિલ યુ. જો સાંભળ જરા….અંદર હજી ય મદન મોહન વાગી રહ્યા છે………

લગ જા ગલે કે ફિર એ હસીં રાત હો ન હો….
શાયદ ફિર ઇસ જનમ મેં મુલાકાત હો ન હો !

નિગ જલ્દી આવ બકા !

પૂર્ણ..

~એજ તન્વય..!
————————————————————————————-
ફોટો કર્ટસી : માફ કરશો પ્રાપ્ય નથી..
————————————————————————————

એક ડાયરીના અધખુલ્લા પન્ના ….. પાર્ટ ૬

Image
૦૬/૦૩/૨૦૧૪
Thursday

અપસેટ… ટોટલી અપસેટ. ગઈ રાતથી ઊંઘ જ ઉડી ગઈ. સવારે ઉઠતાની સાથે બે કપ હોટ ચ્હા લેવી પડી વિચારો સતત અને સખત રીતે હથોડા મારતા હતા. કડવી પણ આખરે સાચી વાત હતી. બે સ્ત્રી. એકને ઘેર સાંબેલાધાર. બીજાને છાંટો પાણી નાં ય ફાંફા. એકની નદીમાં ઘોડા પુર.. બીજીમાં વગર ભીનાશે ટળવળતા. એકને માં બને છે એટલે સાંભળવું પડે છે. બીજીને ન બનવાને કારણે.

ધર્મ કહે છે કર્મના બંધનથી ખુદ ઈશ્વર પણ બચી નોહતા શક્યા. દરેક કર્મનું સારું કે ખોટું ફળ ક્યારેક ને ક્યારેક ભોગવવું પડતું હોય છે. તો શું હું કે દિશું, આ સૌના પરભવના અપરાધી હતા? કે પછી એ સૌ એમના ભાથામાં નવા કર્મો બાંધે છે? દીશુના સાસુ તો હંમેશા ધર્મ ધ્યાનમાં રચ્યા પચ્યા હોય છે આખો દિવસ… એ શું માત્ર દેખાવ?

બાળક ન થવા માટે કદાચ કોઈક એક જવાબદાર હશે. પણ થવા માટે બંને સરખા ભાગીદાર ગણાય. તોય માત્ર સ્ત્રીને જવાબદાર ગણવી એવો વિરોધાભાસ કેમ? પુરુષ પ્રધાન સમાજ આવી દીવા જેટલી સ્પષ્ટ વાત સ્વીકારતો કેમ નથી? ને વળી, આ સમાજના લેખા જોખા સાવ ખોખલા અને હાથીના દાંત જેવા દોગલા છે. અરે ઈશ્વરે તો માત્ર આત્મા મોકલી છે. સ્ત્રી અને પુરુષના ભાગલા ય માણસે પડ્યા છે!

બપોરે દીશુનો વ્હોટસ અપ આવ્યો. “સાંજે ફ્રિ હોવ તો મળીએ. થોડી વાત કરવી છે. એકલામાં” ૬.૩૦નો ટાઈમ આપી બંનેને નજીક પડે એવા ઈટાલીયા પર જ બોલાવી લીધેલી. કેમ છો કેમ નહિ પતાવ્યું. ને એણે વાત શરુ કરેલી.

ભાભી, મમ્મી અબોર્શનની હા પાડે છે અને ચિરાગ ના… હવે?

વ્હોટ?? મને હતું કે ઊંધું થશે !

મને પણ… જોકે બંને એ અંતિમ નિર્ણય મારી પર છોડ્યો છે…. અને.. બીજી પણ એક વાત ચિરાગ સાથે રાત્રે થઇ….

કેવી વાત?

એણે કહ્યું કે…………………. વિ વિલ કંટીન્યુ વિથ ધ બેબી & પછી એ નિહાગને સોંપી દઈએ તો ?

વ્હોટ ????? આ ચિરાગકુમારે કહ્યું? આશ્ચર્યથી મારી આંખો પહોળી થઇ ગઈ.

યેસ ભાભી….. અને સાચું કહું તો મારી પણ એજ ઈચ્છા છે. ચિરાગ બધી લીગલ ફોર્માલીટીઝ કરી આપવા તૈયાર છે. બાળક પર માત્ર ને માત્ર તમારો જ હક રહેશે. યુ વિલ બી અ મધર ઇન શોર્ટ ટાઈમ.

વેલ ધેટ્સ ગ્રેટ બટ ગાંડી, એક રીતે તો આ તારી ચોથી પ્રેગ્નન્સી થશે… તારી હેલ્થનું શું?

અરે એ તો ટેવાઈ ગઈ હવે..! ચિરાગ છે ને.. આટલો ફર્ટાઈલ પતિ મળ્યો છે એટલું ય નહિ કરે !

હા ભાઈ એ ખરું… ને આ સમય દરમ્યાન બાળકો નું શું?

મમ્મી સાચવી લેશે એમને..

બટ મમ્મી રેડી થશે? ને થાય તો એમની સંભાળનું શું?

મમ્મીને મનાવવાની જવાબદારી પણ ચિરાગે લીધી છે! વધુ માં જરૂર હશે તો તમે પાસે જ છો ને!

અરે વાહ.. દરેક શક્યતાઓના જવાબ… ખાસ્સું હોમવર્ક કરીને આવી લાગે છે. ચિરાગકુમાર આટલા લટ્ટુ છે એ તો આજે જ ખબર પડી!!

હોય જ ને! બાંધી રાખ્યો છે..! ભાભી.. હવે બસ. તમારે વધુ કઈ વિચારવાનું નથી. મમ્મીની વાતો ચીરાગને પણ સંભળાય છે એટલે એ જ સામેથી રેડી થયો છે.

નિહાગને પૂછવું પડશે પહેલા…

ભાઈ સાથે પણ ચિરાગે વાત કરી લીધી છે……. એમણે તમારા પર છોડ્યું છે. ફાઈનલ તમે કહો એ મુજબ આગળ વધીએ.

બાપ રે..! વાત આટલે સુધી ચર્ચાઈ ગઈ ને એ ડફર કઈ કહેતો નથી મને ! પણ બંધુક મારા ખભે કેમ મૂકી બધાએ ?!

નો પણ નો બણ… તમે હા કહી દો એટલે વાત પતે.

ઇટ્સ ટફ ડીસીઝન દિશું લેટ મી થીંક ફર્સ્ટ..

જો અમે ચૂંટણી કરશું તોય અમે જ જીતશું…. સમજી લેજો..

દિશું આવા નિર્ણયો આવી ગમ્મતમાં ન લેવાય.. ઓકે હું આજે ૧૨ pm પહેલા વ્હોટસ અપ આપી દઈશ… બટ એ દરેકને માન્ય હોવો જોઇશે.

અરે યાર… ધીસ ઇસ નોટ ફેર.. બાળક મારું ૯ મહિના પ્રેગનેન્સી બધું મારે સાચવવાનું… હું રેડી છું પછી શું કામ ?

સો નાઈસ ઓફ યુ.. અને એટલે જ કહું છું બકા… ઇટ્સ ઓલ અબાઉટ યુ. મારે પહેલા તારો વિચાર જ કરવાનો છે. મારા પક્ષે તો આમેય કઈ ગુમાવવાનું નથી. વધુ માં વધુ તારી દેખરેખ માટે જોબ છોડવી પડશે, એ તો સાવ શુલ્લક વાત થઇ…

ભાભી… ખોટું ન લગાડતા બટ………. તમે હજી તમારો જીદ્દી સ્વભાવ છોડી નથી શક્યાં………… દિશા આટલું સંભળાવી પગ પછાડી ચાલી નીકળી.

!!!!!!! હું ભૂલી છું કે નહિ.. એ પછીની વાત આવી અત્યારે તો એ નથી ભૂલી લાગતી! આંખ બંધ કરી થોડું બેસી રહી.. ચિલ્ડ એસીમાં પણ અંદરની લ્હાયથી પરસેવો વળતો હતો. ફર્સ્ટ ઇમ્પ્રેસન ઈઝ લાસ્ટ વન… હજી કેટ કેટલી સાબિતીઓ આપવાની બાકી હતી મારે ? અચાનક અંદરથી એક જબકાર થયો કૈંક યાદ આવ્યું હોય એમ મેં દિશાની હોસ્પિટલ ફોન કરી ડોક્ટરની અપોઈનમેન્ટ લીધી. સદનસીબે ડોક્ટર મળી ગયા. અને એમને કહ્યું એ ખરેખર સીરીયસ હતું. દિશું જીદ કરશે તો બંને માંથી કોઈ એક ના ચાન્સ……………… અને આ વાત એમણે દીશુને અગાઉથી કરી દીધેલી.

ડોકટરની સલાહ રેકોર્ડ કરી લીધી. એના રીપોર્ટસની એક કોપી પણ સાથે લઇ સીધી નિહાગની ઓફિસે પહોંચી ગઈ. “મને પૂછ્યા વગર તે હા કેમ પડી??” મને આમ અચાનક પહેલી વાર ઓફિસે જોઈ એ ચેર પરથી ઉભો થઇ ગયેલો. “અરે પણ એ બંને એ ખુબ ફોર્સ કર્યો બકા… ને મેં કહ્યું જ હતું તું નહિ માને” જવાબમાં મૌન રહી સાથે લાવેલા રીપોર્ટસ અને મેસેજ આપ્યા. “ઓહ્હ માઈ ગોડ.. દિશું ગોન મેડ ગર્ગ.. મારે ચીરાગને કહેવું જ પડશે… થેન્ક્સ અ લોટ ફોર સેવ હર.” ચિરાગકુમાર પણ આ વાતથી અજાણ હતા. ત્રણેય સાથે સમ્મતી લઇ લીધી અને મેં ફરી એક વાર અળખામણી બની દિશુંને વ્હોટસ અપ કર્યો… “નો”

વળતા હુમલા તરીકે એણે લખ્યું… “આઈ નો તમે આજ લખવાના હતા, ગો ટૂ હેલ. હું ઓપરેશન જ કરાવી લઈશ. ન રહેગા બાંસ ન…….. “

જવાબ માં મેં માત્ર સ્માઈલી છોડી… ભલે ગુસ્સામાં લેવાયો બટ એ નિર્ણય એણે માટે સાચો હતો. હું મારા સ્વભાવ ગત એનો એ વર્તાવ નિગ અને ચિરાગકુમાર બંને ને કહી શકત. હું કેટલી સાચી છું એનો દેખાડો કરી બળતા માં ઘી હોમી શકત. છતાં મેં એવું કેમ ન કર્યું? નિહાગે થેન્ક્સ કહ્યું ત્યારે પણ હું શું કામ મૌન રહેલી? જવાબમાં ગઈ સાંજના સાસુમા ના શબ્દો યાદ આવી ગયા…..

વેવાણની જગ્યાએ કેવા’ઓ તમે…!

અપૂર્ણ…

~એજ તન્વય..!
———————————————————————————————————–
ફોટો કર્ટસી : http://hortusclosus.wordpress.com/2014/02/25/cancer/
———————————————————————————————————–

એક ડાયરીના અધખુલ્લા પન્ના…. પાર્ટ ૫

Image
૦૫/૦૩/૨૦૧૪
Wednesday

“રેડી?” નિહાગ આજે વહેલો ઉઠી ગયેલો. કાયમની જેમ ! મને સ્નિગ્ધસ્નાતાના પરિવેશમાં જોઈ બોલી ઉઠ્યો.. અને હમ્મેશની જેમ જ મેં પ્રત્યુત્તર વળ્યો… યેસ બટ અત્યારે કઈ નહિ હો ! કાલે ગુલાબ ગેંગ જોયું છે, ખબર છે ને ?!

ઓહ્હોઓ. માધુરી આન્ટી..! બટ આપણે તો રાવડી રાઠોર… જો મેં કહેતા હું..વો મેં કરતા હું…ઓર જો નહી બોલતા……. કહી થોડો પાસે આવ્યો.

એક વાર કીધું ને રાત્રે એટલે રાત્રે..(સાલું હજી ય આ ડફરથી કેમ શરમાઈ જવાય છે?!) જલ્દીથી ફ્રેશ થઇ જા… નહી તો લેટ માર્કિંગથી મારી મોર્નિંગ બેડ થઇ જશે.

રાત કી બાત રાત મેં…. બાય ધ વે… પરિંદામાં પણ માધુરી જ હતી!

કમ ઓન નિહાગ ઉભો થા ને.. ગેટીંગ લેટ યાર… રાત્રે વાત બકા પ્લીઝ…

“નિહાગ? નો વે… હવે તો નહિ જ… ચાર ચાર યુગ વીતી ગયા ખબર છે ને! અને નિહાગ કહેવાની સજા ગણી લે બસ્સ બટ અત્યારે એટલે અત્યારે જ” કહીને રીતસરની ઊંચકી ભીના વાળ સાથે જ બેડ પર નાખી. આગળ કશું બોલવાનું હતું નહિ. વધુ તો શું લખું… ૭ ના ૮.૩૦ ક્યારે વાગી ગયા, ખબર જ ન રહી!

નિહાગ… સોરી નિગ ક્યારેય નથી માનતો. આજે ય ન માન્યો. ચાર દિવસને ચાર યુગ ગણાવે છે! ઉપરથી ભલે ના કહું, અંદરથી તો હું એગ્રી જ હતી. ચાર દિવસ એના વગર ન રહી શકી. કોક વાર મને સાચ્ચે ડાઉટ પડે છે. ૧૨ ૧૨ વર્ષ સુધી નિરંતર, એકધારો પ્રેમ? આટલો રોમાન્સ ? એક સાવ સામાન્ય પાત્રની સાથે? હું ક્યારેય સર્વથા સર્વ ગુણ સમ્પન્ન ક્યારે નોહતી. કોલેજ કાળથી જ ગુસ્સો દુર્વાસા મુનિ જેવો હતો. જે મને પરણ્યા બાદ પણ એટલો જ નડેલો. ભણતર સિવાયની ઘરકામ કે રસોઈ જેવી કોઈ આવડત ખાસ્સા સમય સુધી નોહતી આવી. એક્ઝામ દેવા જાઉં ત્યારે પેન ભૂલી જાઉં એટલી ભુલકણી પણ! એક વાર નિયતને ફરવા લઇ ગયેલી ને ત્યાં જ ભૂલી આવેલી. ખાસ્સી દોડધામ પછી મળેલો. વાત છેક પુલીસ સુધી પહોંચેલી. રસોઈ તો હજી ય ચોપડી વાંચી બનાવવી પડે છે! તો પણ આટલો પ્રેમ કઈ રીતે? આસપાસના અનુભવો ચર્ચાઓ ખબરો બધાનો નીચોડ એમ જ કહે છે કે આટલા વર્ષે એટલીસ્ટ પુરુષ સ્ત્રીને ટેક્ન ફોર ગ્રાન્ટેડ લેવા લાગે છે. પત્ની એણે માટે રૂટીન, સીઝન્ડ, ઘર કી મુર્ગી ટાઈપ લાગવા લાગે છે. ને આ ડફર, મારો ગાંડીયો નિગ. કાય્ય્મ કામદેવના વિભિન્ન સ્વરૂપે જ પ્રગટ થતો રહે છે!

બંને નીકળ્યા ત્યારે ખાસ્સું લેટ થઇ ગયેલું. એકટીવાને સર્વિસમાંથી લાવવાનું ભૂલી ગયેલી. ટ્રાફિકને લીધે કારમાં વધુ મોડું થયું. વધુમાં ચાવી અંદર રહી ગઈ! જોકે આવું તો આવું અનેકોવાર થયું છે એટલે ગેરેજવાળાએ મને બહારથી અંદરનું લોક ખોલતા શીખવી દીધું છે. જેમાં માસ્ટરી આવી ગઈ છે! યેસ, બાકી સબ ઠીક હૈ. લેટ માર્કિંગ ની ત્રણ મિનીટ પહેલા પહોંચી ગઈ જેમ તેમ કરીને.

બપોર સુધી તો કંઈ બન્યું નહિ. ૨.૩૦ વાગે ‘રસોઈ માંથી રજા, ઘરે જલ્દી પહોંચજે. વિલ ગો સમવ્હેર આઈ રીચ્ડ એટ ૬.૪૫’ જેવા નીગના મેસેજથી મારા ઉપરના વિચારને સ્વીકૃતિ મળી. હું મનોમન પોરસાઈ. એ ડફર આવા સરપ્રાઈઝ આપવામાં માહેર હતો છેક કોલેજ કાળથી. ‘ક્યાંક” જવાનું હતું એટલે એ મુજબના ડ્રેસિંગ સાથે સાંજે પરફેક્ટ ૬.૪૫ વાગે રેડી થઇ ગઈ. ટાઈમિંગ માટે એને બ્રેવરી અવોર્ડ મળવો જોઈએ. એના કહ્યા મુજબ વોચ સેટ કરીએ તોય વાંધો ન આવે! ૬.૪૫ને ડોરબેલ વાગી, બારણું ખુલતા જ મને શીફોનના V નેક ફૂલ સ્લીવ લોંગ ઇવનિંગ ગાઉનમાં જોઈ થોડો ઝંખવાણો પડી ગયો. “સોરી બકા, આપણે દીશુને ઘેર જવાનું છે” ઓહ્હ હવે?

“ચાલશે આમ જ.. માલ લાગે છે” થોડી આનાકાની, થોડી શરારત, થોડો રોમાન્સ (નિગ અને રોમાન્સ એ બે પર્યાય વાચી શબ્દો ગણાય!) ૭.૨૫ વાગે અમે નીકળ્યા. અલબત્ત ઉપર બ્લેઝર પહેરી લીધું. કારમાં એણે કેમ જઈ રહ્યા છીએ એનો ચિતાર અને ગભરાટ બંને સાથે આપી દીધા. મમ્મી ગયા પછી દીશુની સાસુના વધી ગયેલા ટોણા હવે સહન નોહતા થતા. એમની સાથે વાત કરતા હંમેશા એવું લાગતું કે હું કોઈ ન કરેલા ગુન્હાની સજા કાપું છું. એમના દોહિત્ર ને ભૂલી આવવા જેવી મારી ભૂતકાળની નાદાનીઓને હજીય એ ભૂલ્યા નોહતા. નીગના કહ્યા મુજબ એ પ્રતિક્રમણ માટે જતા રહ્યા હોય અને એમનો પ્રત્યક્ષ સામનો નાં થાય એવું મનોમન પ્રાર્થી રહી.

જોકે બધી પ્રાર્થના સંતોષાય તો ‘ગોડ તુસ્સી ગ્રેટ હો!’ જેવું નાં થાય?! સાસુ દરવાજે જ જડી આવ્યા! મને જોતાની સાથે જ બોલ્યા… “રસ્તામાં કોઈ આખલાએ તમને જોયા નથી લગતા ગાર્ગી રાણી!” (ગાઉનનો કલર ચેરી રેડ!) ના ના એવું તો કઈ નથી મમ્મીજી…… પ્રણામ, જય જીનેન્દ્ર “જય જીનેન્દ્ર.. સારું સારું…. તમારી લાડલી ઉપર છે… ને હા કહી દઉં છું. આવી મેક્ષી ફેક્ષી પે’રીને વેવઈ વરોટમાં નાં જવાય. લાજો હવે થોડા. વેવાણની જગ્યાએ કેવા’ઓ તમે !”

આટલું બોલી એ તો નીકળ્યા…. મારા આંસુ જોવાય નાં રોકાયા! ફરિયાદી ચહેરે નિગ સામે જોયું. એણે સોરીની મુદ્રા ધારણ કરી નિયત, નિર્ધાર સાથે નિયતિને રમાડવા લાગ્યો સાથે લાવેલા ટોયઝ આપીને.. ચુપ ચાપ ઉપર ચાલી દિશું પાસે. એય રડમસ બેઠી હતી. મને જોઈ રીતસરની બાજી પડી. એને જોઈ મારી બધી પીડા શમી ગઈ. મારે કોઈક વાર સહન કરવા પડતા એના સાસુ જોડે એને કાયમનો પનારો હતો ને! આમ તો એ દિલના ઘણા સાફ હતા. બીજી કોઈ વાતે તકલીફ નોહતા આપતા તો પછી પણ ઈશ્વરે એમને આવી કડવી જીભ કેમ આપી હશે?

મારી અને દિશું વચ્ચે પછી ખાસ્સી દોઢેક કલ્લાક વાતો ચાલી. એ આજે સવારે ડોક્ટર પાસે ગયેલી. બે ટ્વીન્સ નિયત-નિર્ધાર અને નિયતિ પછી ચાર મહિના પહેલા અને આજે ફરીથી……. એ પોઝીટીવ હતી! સ્ત્રી સહજ પારકી પંચાત, છોકરા પતિદેવોની ટીકા ટીપ્પણી, એકાદ બે રેસીપીની આપ લે, કપડા ઘરેણાની ડીઝાઈન ઘણી બધી વાતો… પણ એના હાર્દમાં તો બિચ્ચારીની એજ વ્યથા હતી. એના જ શબ્દોમાં કહું તો. “કોણ જાણે ભગવાન શું કામ આટલો વરસી પડ્યો છે મારા પર , સમજાતું નથી. આટ આટલા પ્રીકોશન્સ અને સારામાં સારી બ્રાન્ડના પ્રોટેકશ્ન્સ મારા જ કિસ્સામાં ફેલ જઈ રહ્યા છે. સાસરીયા.. ઇસ્પેશ્ય્લી સાસુના ટોણા તો સહન જ નથી થતા… મમ્મી હતી ત્યારે દાબમાં રહેતા મારા સાસુ હવે એના ગયા પછી થોડી વધારે ફૂન્ગર્યા છે. ભાભીને તો છાંટો પાણી ના ય ફાંફા છે… ને તારે કમોસમી માવઠા વરસ્યાં જ કરે છે…. થોડી “ફળદ્રુપતા” તારી ભાભીને આપતી હોય તો….એવું એવું બોલે છે ભાભી.. ટૂ ઈરીટેટ ટૂ ઈમ્બેરેસિંગ. મારા વાંકે તમને ય સંભળાવી દે છે. પ્લીઝ ભાભી.. એમના વતી હું સોરી કહું છું… વધુ બાળક સચવાશે નહિ ને ચિરાગ ઓપરેશનની નાં પડે છે… વારે વારે અબોર્શન મને પસંદ નથી. શું કરું સમજાતું નથી. આઈ એમ ટોટલી કન્ફ્યુઝ્ડ ભાભી…

“સૌના હિતમાં નિર્ણય લેજે. ચિરાગકુમાર અને સાસુ સાથે વાત કરી સૌને વિશ્વાસમાં લીધા પછી. જરૂર હશે તો હું આવીશ તારી જોડે.” જેવી ઠાવકાઈ ભરેલી સલાહ આપી અમે ત્યાંથી નીકળ્યા. છેક રેસ્ટોરાંતના રિઝર્વ્ડ ટેબલ સુધી નિગ મૌન હતો. અને હું વિચારોમાં.

અપૂર્ણ..

~એજ તન્વય..!
———————————————————————————————————-
ફોટો કર્ટસી : http://www.oceansbridge.com/oil-paintings/product/79124/studyofawoman
———————————————————————————————————-

એક ડાયરીના અધખુલ્લા પન્ના… પાર્ટ ૪

Image
૦૪/૦૩/૨૦૧૪
Tuesday

નથીંગ.. જસ્ટ રૂટીન. ખાસ કશું નહિ જે ડાયરીમાં લખી શકાય. બટ લખવું તો પડે જ ને! એક માત્ર સખી એવી ડાયરીદેવી રૂઠે તો ક્યાં જવાનું! નીગ્યા જેટલો વાંચવાનો કે રિસર્ચનો શોખ મને નથી. કૈંક ને કૈંક રોજે રોજ મુકતો જાય એના ફેસબુક સ્ટેટ્સ પર! અવનવું બધું. ને પાછા દરેકના દિવસો ફિક્સ! કવિતા, ગઝલ, ગીત, પોલીટીક્સ, રીસર્ચ એનાલીસીસ… કોણ જાણે ક્યાંથી ગોતી લાવે છે! હમણાં વળી હાઇકુ શીખ્યો. એ જો કદાચ FB ની ચૂંટણીમાં ઉભો રહે તો ચોક્કસ જીતી જાય એવા અને એટલા “વફાદાર” ફ્લોઅર્સ છે એના.

આમ કઈ નહિ ને આમ ઘણું બન્યું. ગઈ રાતથી ટપકતા બાથરૂમના નળથી ખાસ્સું ડીસ્ટર્બ થવાયું. એટલે સુધી કે સવારે ડીસ્પ્રીન લેવી પડી, બાકી સબ ઠીક હૈ. બેડરૂમના એલીડીની સ્વીચ થોડી રિસાઈ છે થોડું વધારે પ્રેસ કરીએ તો જ જબકારો આપે છે. બાકી સબ ઠીક હૈ. વોશિંગ મશીનના ટાઈમર નોબની સ્પ્રિંગ પાછી છટકી ગઈ. એનો “એન્જીનીયર” ન આવે ત્યાં સુધી કપડામાં હડતાલ! પાણી બચાવી થોડી ધર્મ કરી લેવાનો. બાકી સબ ઠીક હૈ. ઓવનની ગ્રીલમાં અર્થિંગ વધી ગયું છે. રિકોટીંગ માટે માણસ આવ્યો નથી. બેક ડીશ માટેની સ્ટોર્બેરી, પાઈનાપલ ક્યાં સુધી સાચવીશ? એની વે… બાકી સબ ઠીક હૈ.

હજી આગળ લખું તો…. સોફા કવર અને કર્ટન ચેન્જ કરવાના છે. ત્રણ દિવસ પહેલા લાવેલી તુવેરો ફોલવાની છે, નીગના કપડા આયર્ન માટે આપવાના છે, આપેલા લાવવા માટે એને કીધેલું બટ મારો એ ડફર ભૂલી જ જશે! આખું ઘર અસ્ત વ્યસ્ત છે. પણ થશે એ તો.. શું ઉતાવળ છે? ફરજીયાત છુટ્ટીનો છેલ્લો દિવસ ભોગવી લઉં ને!

જોબને લીધે ઘરે કદી ય ફુરસદ મળી નથી. પણ મને આમાંથી કંટાળો કે થાક નથી આવતો. એક જ શબ્દમાં લખું તો યેસ, આઈ એમ અ હાઉઝ વાઈફ. ધેટ્સ ઇટ. આમાંના અર્ધા કામ કદાચ નીગને કરવાના આવે તો એ પાગલ થઇ જાય. બે માટલા, ગળતા ગળતા દર મહીને એકાદનો વારો કાઢી જ નાખે! ધબાય નમઃ: ઇનસ્ટ્રકશન આપું એ બધું જ કરશે.. પણ એટલો જ બખાળો કરશે.. અંતે ટેગલાઈન.. “બધું મુ જ કરું ??!!” ઓ માય સ્વીટુ… માય જાનું.. આઈ લવ યુ ડોબા. તું જ કરે છે બકા તો શાંતિથી કર ને! બટ નાં. મને ચીડાવશે. સામે હું પણ જવાબો આપું અને એ બહાને…. ઘર થોડું “લાઈવ” થાય!

ઓફિસે પણ એ જ રામાયણ.. રીપોર્ટસ, અલોગેશન, MIS , કોન. કોલ, etc etc …. જસ્ટ લાઈક બાકી સબ ઠીક હૈ! એઝ યુઝવલ છૂટી ત્યારે બોર હતી. (બધા કામકાજથી છુટકારો હતો ને!) ઘરે જઈ એ બોરિયતમાં વધારો કરું એના કરતા… બે મુવી જોઈ આવું?? નિગ પણ આમેય છેક રાત્રે આવશે. ડીનર પણ ક્યાં બનાવવું છે આજે તો?! સો….. એકલી તો એકલી.. ચલી ગાર્ગી મુવી દેખને!

ટોટલ સીય્પ્પા અથવા ગુલાબ ગેંગ? અલી & યામિમાંથી યેસ.. યામિ જોવો ગમે એવો ચહેરો બટ એટલા માત્રથી છેક મોલ સુધી નાં જવાય ને ! જસ્ટ ઓન ધ ટીવી. પેલી ફેસ ક્રીમની એડ આવતી જ હશે કોઈક ને કોઈક ચેનલ પર. એટલે નવા નિશાળિયા પર ભરોસો કરવા કરતા જુના ને જાણીતા ને ચાન્સ આપ્યો. બીજું કઈ હોય કે ના હોય માધુરી & સરોજ ખાન ભેગા થયા છે એટલે ડાન્સિંગ તો પરફેક્ટ હશે જ. સિત્તેર ખર્ચવા ખોટા નહિ! હાસ્તો વળી જન્મે બ્રાહ્મણ પણ લગ્ન જૈનમાં કર્યા એટલે થોડી અસર આવવાની!

માધુરી… ધીન્ચક. બટ સરપ્રાઈઝ પેકેજ તો જુહીનું નીકળ્યું! ફિલ્મ જોયા પછી લાગ્યું એણે આટલા વર્ષો એની ગ્રેસફુલ ઈમેજ સાચવી રાખવા માટે વેડફી નાખ્યા. વધુ તો નહિ કહું.. કોઝ આઈ એમ નોટ ક્રિટીક્સ કે પછી ચોરે ને ચૌટે ફૂટી નીકળેલા સો કોલ્ડ વિવેચક. મારે કોઈ મિર્ચી કે સ્ટાર્સ નથી આપવા મુવીને. ફિલ્મ મને ગમી અને મારા સિત્તેર(!) પૂરી રીતે વસુલ થયા ધેટ્સ ઈટ..

માધુરીના મોઢે સંગઠન મેં શક્તિ હૈ…….. જેવા ડાયલોગ્સ & રજ્જોને કપાળે રુપીઝ્નો સિમ્બોલ! કૈંક નવું આવ્યું. રાત્રે નિગ સાથે પરાઠા’સ ટ્રાય કર્યા.. ટેસ્ટ? ઓકે એકાદ વાર જઈ અવાય. ચલ, સુઈ જઈશું ગાર્ગી..? સ્યોર ડીયર ગાર્ગી… કાલથી પાછુ ડ્યુટી પર હાજર થવું પડશે ને! ……….

“ગૃહિણી”ની!

અપૂર્ણ..

~એજ તન્વય..!
————————————————————————————
ફોટો કર્ટસી : http://zizing.blogspot.in/2013/02/ladies-face-pencil-sketches.html
————————————————————————————

એક ડાયરીના અધખુલ્લા પન્ના…. પાર્ટ ૩

Image

૦૩/૦૩/૨૦૧૪
Monday

“ઓહ્હ મમ્મીઈઈ”… ૬.૪૫ના એલાર્મથી આંખી ખુલી. લાઈટ કરતાની સાથે જ સામે બેઠેલી આકૃતિને જોઈ આછેરા થડકારા સાથે ચીસ નીકળી ગઈ.

રીલેક્સ ગર્ગ.. ઇટ્સ મી..

વ્હોટ યાર, આવું કરવાનું ??

સરપ્રાઈઝ ડાર્લિંગ..

શું ધૂળ સરપ્રાઈઝ.. જો તો જરા ધબકારા કેટલા ફાસ્ટ થઇ ગયા મારા. (મારી છાતી રાજધાની એક્સપ્રેસ બની ગયેલી..)

યેસ… આઈ કેન સી ધેટ………! (આંખ મીંચકારીને બોલ્યો. )

લુચ્ચા.. સીધો નહિ રહે એમ ને ! (નીગની આંખનો એ ઈશારો પામી લીધો.)

વ્હોટ યાર.. એક તો છેક સાંજે આવવાનો હતો, ને સવારે આવી ગયો, એમા ય તને એલાર્મ વાગે ત્યાં સુધી સુવા દીધી, એ ય મારો વાંક ? નેકી કર ઓર દરિયા મેં ડાલ, એ આનું નામ.

ના ના… કુછ ભી કર ઓર ફેસબુક પે ડાલ.. મી. એફ્બી એડીક્ટ..

વ્હોટ?? ઓકે.. આજે જ લખું… આ લવ માય ઓઅન વાઈફ… સ્ટીલ એટ થર્ટી+… વિ આર ઇન……… સો ડોન્ટ ડીસ્ટર્બ અસ ટુડે !

વ્હોટેવર… લખ તારી મરજી હોય એ… બાય ધ વે..ક્યારે આવ્યો તું? જબરો સ્માર્ટ… કોઈ અણસાર સુદ્ધાં ના આવવા દીધો.

પોણો એક કલ્લાક.. તું તો ઘસઘસાટ ઘોરતી’તી.

બાપ રે! પોણો કલ્લાક ??!! હા, યાર મળસ્કે જ ઊંઘ આવી. એકલી, ને એમા ય ભૂખી….

ભૂખી ?? નોટ મિઝ શાહ, . મારી ગર્ગને તમે ભૂખી રાખી ??!!

નાટક બંધ કર.. બાય ધ વે….. પોણો કલ્લાક શું કર્યું તે ? સુઈ નાં ગ્યો ?

યેસ્સ્સ્સ… આવો ચાન્સ થોડી છોડાય !

ચાન્સ ?!!

ડોબી…. તને…… જોવાનો ચાન્સ બીજું શું.

ઓયે.. ડોબા શંકર મને જોવાનો ચાન્સ મીન્સ ?? રોજ મારા ભૂતને જુએ છે?

અરે… મિઝ RDM , રોજ તો જલ્દી ઉઠીને ઓલમોસ્ટ રેડી થઇ જાય તારા એક્ઝીક્યુટીવ સૂટમાં.. નખશીખ ઢંકાયેલી… ને આજે, લુક એટ યુ ગર્ગ… માથાના વાળથી નાઈટ ગાઉન. ઉપર થી નીચે સુધી બધું જ અસ્ત વ્યસ્ત! ટ્રાન્સ…………

(એને આગળ બોલતો અટકાવી દીધો. ડફર આજે શાબ્દિક વસ્ત્રહરણના મૂડમાં હતો!) નાલાયક, નાઉ આઈ ગોટ ઇટ! શરમ કર સાલ્લા.. શરમ.

કોની?! અરે સાંભળને…

સ્ટોપ ઇટ નિગ… તને તો નથી, મને આવે છે. (ગાઉન સંકોરી બંને હથેળીમાં ચહેરો છુપાવી દીધો.)

આય હાયે.. મારી ગર્ગ…. એ પણ શાય શાય ! ૧૨ વર્ષે પતિથી એકાંતમાં શરમાય એવી પત્ની તો આજે જ જોઈ!

બસ્સ્સ્સસ્સ્સ્સ… કીધું ને ! કેમ આજે કઈ પ્રેમ વધુ ઉભરાઈ આવ્યો છે ?!

કહેતે હૈ કભી કભી…. “અપની” પત્ની સે ભી ઇશ્ક કર લેના સેહત કે લિયે અચ્છા હોતા હૈ !

તે જાને… જે હ્ગલી જોડે જઉં હોય ત્યાં જા.. રોક્યો તને કદી? છુટ્ટો જા.. એશ કર બચ્ચા. (એટલો ભરોસો ન રાખું તો ફટ્ટ છે મારા પત્ની ધર્મને)

અબે આટલી સેક્સી, સ્લીમ ટ્રીમ કૂડી આમ ફ્રિ માં ઘેરબેઠા મળતી હોય તો કોણ ગાંડો પેટ્રોલના ય પૈસા બગાડે !

નાલાયક હવે સાચ્ચે જ માર ખાઇશ હોં !

ચલ આવી જા……… એ બહાને અડકીશ તો ખરી!

…….

વીસેક મીનીટના રોમાન્સને અંતે શું? આજે તો હજી બીજો દિવસ. ને હું નીગને અડી ન શકું? મારી ખામોશી જોઈ, ધીરગંભીર રીતે બોલ્યો… “ગર્ગ, ઇટ્સ ઓકે. હું આવી કોઈ પ્રથામાં માનતો નથી એ મેં તને અગાઉ પણ કહ્યું છે. આખા ઘરમાં નહિ તો એટલીસ્ટ તું મારી સાથે છૂટછાટ લઇ શકે છે. ને સાંભળ મેં મારા બધા જ કામ પતાવી નાખ્યા છે કાલે આખી રાત જાગીને. આજે ઓફ ને તું પણ લઇ લે. આજનો દિવસ જસ્ટ ફોર યુ હની. વી આર ટુગેધર. આખો દિવસ સાથે જ વિતાવશું. કોઈની ખલેલ વગર. એન આઈ નો, મને ખાત્રી જ હતી કે તું જમી નહિ જ હોય, એટલે એ સરપ્રાઈઝ બ્રેક ફાસ્ટ પણ રેડી રાખ્યું છે. તું ફ્રેશ થઇ જા. નાસ્તો સાથે કરશું…. ” પાસે આવી એક બ્લેસિંગ કિસ ચોડી દીધી.

આજે નિગ ખુબ જ પોઝીટીવ મૂડમાં હતો એટલે વળતા હુમલા તરીકે મેં લીપ કિસ ફટકારી દીધી. (જા બચ્ચા ખુશ હો… વાળી મુદ્રા લઈને બોલી) “ઓકે બાબા.. ફુલ્લ ફન ટૂગેધર.. જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે ! બસ્સ”

જે બાત….

ચલ મને જવા દે.. હેવ ટૂ બી ફ્રેશ્ડ આઉટ. “

ક્યાં જવું હવે છે તારે… નિગ વધુ પાસે આવ્યો. ને એની પક્કડ છોડાવતા કહ્યું. “બાથરૂમમાં ડફર!” ને સાલો હજીય ચાન્સ મારતા બોલ્યો…… “હું આવું ??!!”
ઓશિકાનો પ્રહાર અને નોઓઓઓઓઓઓ …. કહેતા હું બાથ લેવા ચાલી ગઈ. નીગે સાચ્ચે જ નાસ્તો તૈયાર રાખેલો……

સીક લીવ ફોન પર જ લઇ લીધી. બંને નીકળ્યા. આર્ટ ગેલેરી અને ગુફા, પછી શોપિંગ અને લંચ, મેટીની શોમાં મુવી, ફરીથી શોપિંગ, સાંજે વસ્ત્રાપુર લેકની પાળે, રાત્રે લાઈટ ડીનર…. ઊફ્ફ સો ટાયર્ડ. ઘણા વખતે આટલું ચાલ્યા હશું. એ પણ સાથે! રાતના ૧૧.૪૫ થઇ છે અત્યારે. ને આ લખી રહી છું ત્યાં સુધી અમે બંને સાથે જ હતા (છીએ). નિગ તો પડતાની સાથે જ સુઈ ગયો. ચેન્જ કે ઇવન શોકસ પણ કાઢ્યા વગર. એ બેડ પર છે ને હું હજી મનથી તૈયાર નથી ત્યાં જવા. (આજે હજી બીજો દિવસ છે)

ફુલ ડે ટૂગેધર. એક ફ્રેશર નવા નવેલા કપલની જેમ જ. ધીંગામસ્તી, રોમાન્સ, વાતો, હગીંગ, …………. વાઉ સો મચ એન્જોય.. કાલની બધ્ધી ઉદાસી હવા થઇ ગઈ. સાવ હળવી ફૂલ. ટોટલ રીફ્રેશ. અને એટલે જ આજનો દિવસ એની એક એક પણ મને અક્ષરશ: યાદ છે.અને રાખવા માંગું છું. બટ લખવા બેસીશ તો આ ડાયરી આખી પૂરી થઇ જશે! પણ સવારની વાત જરૂરી હતી. નીગના ફોર્સથી જ તો હું તૈયાર થઇ & સી.. ટૂ ડે આઈ એમ ધ હેપીએસ્ટ વાઈફ ઓન ધ અર્થ. થેન્ક્સ ડીયર.. થેંક્યું વેરી મચ. આપ કી નજરોને સમજા પ્યાર કે કાબિલ મુજે. દિલકી એય ધડકન ઠહેરજા મિલ ગયી મંઝીલ મુજે….

નિગ તારી નહિ… મારી સવાર સુધરી ગઈ. આઈ લવ યુ જાનું.

અપૂર્ણ….

~એજ તન્વય..!
————————————————————————————-

ફોટો કર્ટસી : http://weheartit.com/entry/20210976/via/YasmineIsNinja ————————————————————————————-

એક ડાયરીના અધખુલ્લા પન્ના…. પાર્ટ – ૨

Image

૦૨/૦૩/૨૦૧૪

Sunday

આજે જયારે આ લખી રહી છું ત્યારે એ ત્રણ ગોઝારા દિવસોમાંથી માયુસી અકળામણ ભર્યો એક દિવસ પૂર્ણ થઇ ચુક્યો છે. લટકામાં એકલતાની ગુંગણામણ સાથે. જનરલી નિહાગ હોય છે જ. બટ સન્ડે હોવા છતાં આજે બરોડા ગયો છે. અને નાઈટ સ્ટે પણ ત્યાં જ કરશે. મારે બીજું તો કોઈ છે નહિ. લવ મેરેજને કારણે ઘરના બધા સબંધોનું તો ઇતિશ્રી થઇ ચુક્યું છે. ક્યારનું. એટલે પ્રમાણમાં બોલકી અને લાડલી નણંદબા દિશુંને બોલાવી હતી. અફસોસ એ ખુદ એના પ્રોબ્લેમ્સમાં ડૂબેલી નીકળી. “ના” કહેવા બદલ બિચ્ચારી કોલમાં જ રડી પડી.

એઝ યુઝવલ, એના કોલમાં આઈ નો… ઇટ્સ ઓકે… ટેક કેર… ચાલ્યા કરે… એવું જ હોય બધે… બાય… આવા બે પાંચ તુટક શબ્દોથી વધારે હું કાઈ બોલી નહિ. બોલી શકી જ નહિ. દિશા અને સાસુ, બંને માં-દીકરી ખરા બોલકા હતા. હું તો ઘરમાં હોઉં કે ના હોઉં, હાજરી વર્તાય એટલો હલ્લો નથી. પણ સાસુ, એમને બોલવા વધુ જોઈતું. અને એ મારા કોઈ જ વાંક ગુના વગર હંમેશા મારાથી નારાજ રહ્યા, ગયા ત્યાં સુધી. એ ખુદ સ્વીકારી નોહતા શક્યા કે……………. હા, બટ બહાર હંમેશા મારું ઉપરાણું લેતા. કહેતા ‘માં બનશે તો બેડોળ થઇ જશે. છો રહેતી નાગરવેલ જેવી!” મિસ યુ મોમ. એન સોરી. આપની ઈચ્છા હું આપના જીવતે જીવ પૂરી ન કરી શકી…

એ ગોઝારા ત્રણ દિવસ એટલે, મેસ્યુંરેશન પીરીયડ. માસિક આવવો. સાવ સામાન્ય વાત. પણ કેવી અસહ્ય! જાણે કે રક્તરંજીત રેપરથી ગીફ્ટ પેક કરેલો બેફીઝુલ શરમનો અહેસાસ. શાસ્ત્રો કહે છે કે સ્ત્રી પાસે એ દિવસોમાં વધુ કામ ન લેવડાવવું. જેનો કારણ દર્શક અર્થ કરું તો… એ દિવસોમાં અશક્તિ વર્તાય છે અને એટલે જ આરામ “પાળવા”ની ફરજ આપવામાં આવતી હશે. એન્ડ સી, સાવ નગણ્ય અને એક હેલ્ધી સ્ત્રી માટે તદ્દન નોર્મલ કહી શકાય એવી આ વાતને કેવા એન્ગલથી જોવાય છે! એમા ય મારા જેવી. સ્ત્રી જે લગ્ન ૧૨ વર્ષ પછી પણ માં નથી બની શકી એને માટે તો ખાસ!

રીપોર્ટસ ચોખ્ખે ચોખ્ખું કહે છે કે હું નોર્મલ છું અને નિહાગમાં કાઉંટ્સ ઓછા છે.. ઈશ્વરની કૃપા થશે તો જ એ પિતા બની શકશે. જે સમયગાળો એક વિક, એક માસ, ત્રણ છ કે બાર મહિના કે પછી આખી જિંદગી.ગમ્મે તે હોઈ શકે છે. હદ તો એ છે કે આ વાતનો સ્વીકાર એણે અનેકોવાર સરા જાહેર પણ કર્યો છે.. છતાં ય મારો જ વાંક ?!

હું એને ખુશ નહિ રાખતી હોઉં…. હું એને અડવા, પ્રેમ કરવાથી રોકતી હોઈશ…. મારે જ છોકરા નહી જણવા હોય…. હું મારી જાન મારા શ્વાસ બની ચુકેલા નિહાગને અળગો રાખતી હોઈશ… વ્હોટ રબીશ યાર! મારા આંસુ, મારું શરીર, મારી વેદના મહિને દર મહિને રક્ત બની સાવ ફોગટમાં વેડફાય છે. એ સ્ત્રાવની અગ્નિ સહન કરું છતાં પણ ???

અરે, એ સ્ત્રાવ છે… મારો સ્ત્રાવ… મારી એકલતાનો શાક્ષી, મારી આંખોની શોધનો થાક, મારા કોશ મારા અંગે અંગનું રુદન જેમાંથી નવું અંકુરણ ન ફૂટી શક્યાનો રંજ. બંજર જમીન પર ઉપસી આવેલી ફાટમાંથી વહી રહેલા લોહીની ટશરો છે એ. હું માં, સર્વ સામાન્ય કુદરતી રીતે માત્ર મારા નિહાગનાં બાળકની માં બનવા માટે ફરી એક વખત નિષ્ફળ ગઈ, એ આરોપનામાં પર મહોર અંકિત કરવા માટેની લાલ સ્યાહી છે એ તો.. એક માંની વિવશતા… એક સ્ત્રીની નિષ્ફળતા… એક પુરુષની અધુરપ.. સઘળી વ્યથાનો મૌન શાક્ષી છે એ. જેનો સમાજ કે પરાણે બની બેઠેલા અમારા સો કોલ્ડ શુભ ચિંતકો એ લેશ માત્ર ઉપહાસ કરવાની જરૂર નથી જ નથી. એ વ્યથા, વેદના, રંજ કે બીજું જે કઈ પણ છે મારું છે અને મારું જ રહેશે…..

નિહાગ તું કહે છે ને કાયમ. થોડી શોશિયલ એક્ટીવ થા. ઓફીસ સિવાય પણ બહાર ફ્ન્ક્શન્સ વગરેમાં જા. ગ્રુપ્સ બનાવ. કિટી અટેન્ડ કર.. etc..etc …બટ શું કામ જાઉં? ઉપર ઉપરથી મળતાવડી લગતી નોટો(!) અંદરથી એટલી જ ટીકા કરતી હોય છે. પીઠ પાછળ વાર કરતી એ સો કોલ્ડ સન્નારીઓ જોવી ય ગમતી નથી વાત તો દૂરની વાત ગણાય. વણજોઈતી સલાહો, ઉપચારો, દોરા ધાગાની સફ્ફાઈઓ એવી ઠોકશે કે જાણે ખુદ પ્રેગ્નેન્સીમાં PHD થયેલી નાં હોય! ડીયર નિગ જોઈ લે, આજ કારણ છે મને સામાજિક થવું નથી ગમતું. કાલ ઉઠીને ફરીથી કોક કહી જશે…………………..

“”આ વખતે પણ તમે આડે બેઠા??””

(અપૂર્ણ)

~એજ તન્વય..!

______________________________________________________________________
ફોટો કર્ટસી : https://bolstablog.wordpress.com/2009/08/

એક ડાયરીના અધખુલ્લા પન્ના…. પાર્ટ – ૧

Image

૦૧/૦૩/૨૦૧૪
Saturday

નિહાગ, એલાર્મ પાસે જ રાખજે.. સવારે કદાચ…. મહા મુસીબતે આઉટ સોર્સની આંટી ઘૂંટીઓ વાંચવાનો ડોળ કરતા કરતા બને એટલા સંયમ સાથે મેં કહ્યું..જવાબમાં સોફ્ટવેર ડીઝાઈનીંગમાં ડૂબેલા, સ્વભાવથી તદ્દન વિપરીત, કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા દર્દીના ચહેરા જેવા ફિક્કા સ્મિત સાથે બોલ્યો….. “શું જરૂર છે ગાર્ગી, આમ પણ આજે ઊંઘ ક્યાં આવશે !”……. અને વધુ સહન ન થતા, મેગેઝીન ફેંકી બેડ પરથી સીધી જ એની છાતી સરસી લપાઈ ગઈ. માંડ ખાળી રાખેલા આંસુ છૂટી પડ્યા. “એક્સટ્રીમલી સોરી નિગ… મને માફ કરી દે.. વન મોર ટાઈમ આઈ ગોન ટૂ બી ફેલ્ડ. આઈ લવ યુ નિગ પ્લીઝ મને માફ કરી દે.. ધ્રુસકા, ડુસ્કા, ત્રુટક, ત્રુટક સાદે…. બોલતી રહી ક્યાય સુધી….

ક્યાય સુધી…. એણે મને વહેવા દીધી… કહેવા દીધી.. રીસ્પોન્સમાં માત્ર મારા વાળમાં આંગળીઓ ફેરવતો રહ્યો. ક્યાય સુધી….જ્યાં સુધી હું સ્વસ્થ ન બની ત્યાં સુધી… નિહાગ, આમ તો મારો પતિ હતો.. પરંતુ સરપ્રાઈઝલી (ગામની વાતો, અનુભવો સાંભળ્યા પછી) મારો સાચો “મિત્ર” પણ એ જ હતો. ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું બખૂબી જાણતો. એની વર્કિંગ ચેર પર બેસાડી (જ્યાં એ દિશાને પણ કદી બેસવા ન દેતો) પાણી લઇ આવ્યો. મારા ખોળામાં માથું રાખી ઘૂંટણીએ બેસતા બોલ્યો…

“કેટલા નાટક કરે છે, કાય્ય્મ ! જભ્ભો આખો ભીનો કરી નાખ્યો!” એના માથાના સીધાસટ ઝીણકા વાળમાં ફરતી મારી આંગળીએ અચાનક રોકાઈ જઈ હળવેકથી ટપલી મારી દીધી.અનાયાસે જ.. “ડફર, નાટક લાગે છે?? જવા દે, તને નહિ સમજાય, કોઝ યુ આર અ મેન”

લે બોલ… એમાં મેન વુમન જેવું શું!?!

જવા દે… કહ્યું ને. આટલા પ્રોફેશનલ પુરુષો જ હોય..

ઓહ્હૂઓ… ભાઈ ભાઈ..આ ખરું. તું આમ રડીને આંખો સાફ કરી લે. ને મારે ચશ્માં આઈ ગ્યા! તારી જોડે તો કાકો લાગુ છું હવે. બધું સમજાય છે. ચલ સુઈ જા, ને મને કામ કરવા દે. નહી તો તારા લટકા મટકાના ખર્ચા ક્યાંથી નીકળશે. મિઝ ગાર્ગી વ્યાસ શાહ.

ઓયે…. હું ય જોબ કરું છું, એઝ અ મેનેજર સમજ્યોને?! તમને ક્યારે બોજ પડ્યો મારો બોલજો તો મી. નિહાગ શાહ…??

વ્હોટેવર, ને હા, તારી સગવડ જાતે કરી લેજે. આજે તો કઈ નથ આલ્વાનો જો તુ. બધું મુ જ કરું ??!!

હા હા તે કરી લેશું. ત્રણ ‘દિ કરવાનું એમાં ય જોર પડે છે. તમે શું સાચવવાના અમને આખી જિંદગી. સાચુકલા છણકા સાથે બેડ પર આવી ગઈ. ભાડમાં ગ્યું આઉટ સોર્સ પણ!

વિજયી મુદ્રા ધારણ કરી, ઇન્ટર લોક નાઈટ ડ્રેસ જભ્ભાના કોલર (!) ઊંચા કરતા, એજ ચિરપરિચિત સ્માઈલ સાથે બોલ્યો… “ધેટ્સ માય ગર્ગ ઈઝ બેક…. નિહાગ…. યુ આર ટૂ ગુડ મેન…! એન બાય ધ વે, ઇવન આઈ ફિલ સોરી. કોઝ આઈ ઓલ્સો બિન ફેલ્ડ વિથ યુ. લવ યુ ગર્ગ. ચલ સુઈ જા, મારી ગાર્ગીને આંખે બ્લેક સ્પોટ હું સાંખી નહિ લઉં મિઝ મેનેજર. ઉસકી કિમત બરાબર ચુકાની પડેગી આપ કો !

અને અને અને……બધી વેદના, બધી વ્યથા, બધા સિસકારા, બધા ડુસકા, એના આ શબ્દો થી જાણે કે ગાયબ થઇ ગયા. સાવ નોર્મલ બની રજાઈમાં લપાઈ ગઈ. અલબત્ત આવનારા ત્રણ દિવસોના ડીપ્રેશન, કમ્મરના દુખાવા, ચિડીયાપણું, અનિંદ્રા અને અપચો જેવા માનસિક અને શારીરિક ફેરફારના થડકાર સાથે.

ક્રમશ:

~એજ તન્વય..!

——————————————————————————

ફોટો કર્ટસી : http://teamof6.blogspot.in/2012/07/dear-diary.html