સિમ્બોલ

આંગણના ક્યારાએ
ખીલતા પહેલા
પોતાના અસ્તિત્વ વિષે
કેટલાય કલ્પનો
વિચારી લીધા.
કારણ કે
એણે
જીન્સ પેન્ટ પહેરેલી
એક છોકરીને
ઈ-મેલમાં ગુલાબ
સેન્ડ કરતા જોઈ લીધી.

~એજ તન્મય..!

સપનું…!

આજે….
સવારથી નક્કી કર્યા મુજબ બે હદ કામ કર્યું.
જાત માટે આરામનો દિવસ હતો.
સામે દેશ માટે સમર્પણનો ભાવ હતો.
સૌથી પહેલા ધ્વજવંદન કરી
રાષ્ટ્રની ધન્ય ધરાને ધન્યવાદ આપ્યા.
બે-ચાર રાષ્ટ્ર ગીત ગઈ પોરસ ચડાવ્યું.
એકાદ-બે શેરી મહોલ્લામાં સાફ સફાઈ કરી.
બપોરે ફૂટપાથ પર જઈ જમવાનું વહેંચ્યું-પીરસ્યું.
વરસાદમાં થયેલી ગંદકી પર ગેમેક્ષીન પાવડર છાંટ્યો.
ટ્રાફિકના નિયમો શીખવ્યા.
સારા નાગરિકની પરિભાષા સમજાવી.
સાંજે પ્લાસ્ટીકના વેર વિખેર નાના નાના ઝંડાઓ
વીણી વીણીને યોગ્ય નિકાલ કર્યો.
આ બધું કર્યા પછી…. દિવસ ભરનો રઝળપાટ….
દેશ માટે કૈંક કર્યાના અહેસાસ વાળી….
ચીર શાંતિમય નિંદ્રામાં પોઢેલો હતો અને….
અચાનક એક બુમ આવી…………
‘ચાલો ઉઠો હવે… બપોરના ૧૨ થયા.
૧૫ મી ઓગસ્ટ આમ પથારીમાં કાઢવાની છે કે શું?!’

~એજ તન્વય..!

દ્વિધા…

હું આ લખું છું.
એટલે કે….. લખવાનું કાર્ય કરી રહ્યો છું.
કે મારે કર્મ છોડવા છે… ઓછા કરવા છે…
પણ એમ કરતા હું જાણતા અજાણતા
એક નવું જ કર્મ બાંધુ છું!
એક ને છોડવા અનેકનો સ્વીકાર…
જાણે કે બંધ મુઠ્ઠીમાં કરવા લાયક
કામનો સર્વાધિક પ્રચાર…

આમ જ ચક્ર ફરતું રહેશે એની ધરી ઉપર..
ક્યાય પહોંચશે નહિ, કશું પણ પામશે નહિ.
આ નથી કરવું.. આ ખરાબ છે
આ રસ્તો યોગ્ય છે. આ મીઠો પ્રવાહ છે.
કેટ કેટલા વાડામાં બંધાઈ ગઈ છે આ જાત.
હું ખુદ જ… તારાથી અલિપ્ત થઇ ગયો છું.

જો ને …. ખુબ સહન કરવું પડે છે…..જન્મ લેતા
પાણીના ખદબદતા અંધારિયા ખાબોચિયામાં
કેટલાય દિવસો વિતાવવા પડે છે.
છતાય જયારે ખુલી હવામાં શ્વાસ લીધો ના લીધો..
ને બસ, ભૌતિક સુખની લાલસામાં રચ્યા પચ્યા થઇ જવાય છે.

પણ બસ…. હવે બહુ થયું…
ક્યાં સુધી મારી વાસના માટે
અન્ય જીવને પીડિત કરતો રહીશ?
છોડના અંકુરણ માટે બીજને તૂટવું પડે છે.
મને જન્મ દેવા કોઈકને પ્રસવ વેઠવી પડે છે.
કેમ? શા માટે હું કૈંક એવું ન કરી શકું
જેથી આ જીવનચક્ર જ સમાપ્ત થાય..

ફરી જન્મુ જ નહિ…
અને માયા પામું જ નહિ..
લ્યો ! ફરીથી………..
ન જન્મવાની પણ ઈચ્છા તો થઇ જ ગઈ!
આવી ગ્યા હતા ત્યાના ત્યાં !
કહ્યું ને…… ક્યાય પહોંચાતું નથી..
છતાંય…..

હું આ લખું છું.
એટલે કે લખવાનું કાર્ય કરી રહ્યો છું.

~એજ તન્વય…!

અરિસો…..

અરિસો અને મિત્ર ? હોઈ જ ન શકે.
શું?
હું રડું ત્યારે એ હસતો નથી એમ ?
જરા ધ્યાનથી જો.
એ સૌથી વધારે હસે છે!

એકાદ આંસુ આપી જો.
હવાના સંસર્ગમાં આવીને સુકાય
એ સિવાયનું અક્ષરશ: પાછુ આપશે.
લૂછવાનું નો શક્ય જ નથી…
ગ્રહણ પણ નહિ કરે.

સાંત્વના આપવા ખભો જોઈએ છે.
અરીસાને બાથ ભરાય છે?
બે ઘૂંટણ વચ્ચે રડતો ચહેરો છુપાવી શકાય છે.
અરિસો તો ત્યાંય કહી દે છે…
લ્યા તું રડતો બહુ જ ખરાબ લાગે છે!

અરિસો તો દુનિયા છે…. નકરી વાસ્તવિકતા.
હંમેશા સાચું જ દર્શાવશે.. પણ હું?
એજ જોઈ શકું છું જે મને ગમે છે!
જેમ કે વેલ ડ્રેસ્ડ તૈયાર થયેલો.. ખુદને ગમીશ.
અરિસો સાથે સાથે આંખના કાળા કુંડાળા
પણ બતાવે છે… જે મારે જોવા નથી!

ખરેખર એ સમજવાનું છે.
જાતની ઓળખાણ… ખુદની સમજણ…
મા જેવી આપણી સ્થૂળ આંખેથી નહિ…
જેને હંમેશા પુત્ર સારો લાગશે…
પણ અરીસાની સુક્ષ્મ આંખથી.
જેને હંમેશા તું જેમ છું એમ લાગશે..

~એજ તન્મય..!

હા, દીકરી મારી મોટ્ટી થઇ છે ……..

મોમ્મ્મ્મમ્મ્મ…હું ઉઠી ગઈ.
હા, હવે ૬.૩૦ની બુમનો
સુર બદલાઈ ગયો છે !
સાથે સાથે ઘણું ખરું બદલાઈ ગયું છે…

અગાઉ ગરમ પાણી કાઢવું પડતું
હવે માત્ર ગરમ કરવાનું છે.
પહેલા લેસ બાંધવી પડતી
હવે માત્ર શુઝ ગોતવાના છે.
પહેલા દૂધ પીવડાવવું પડતું
હવે માત્ર લંચ પેક કરવાનું છે.
કારણ કે
હા, દીકરી મારી મોટ્ટી થઇ છે ……..

સાથે હું પણ.. અને જવાબદારી પણ!
પહેલા માત્ર શારીરિક ઊઠવાનું હતું..
હવે દિમાગથી સજાગ થવાનું છે!

એને વાળમાં વધુ તેલ ગમતું નથી…
એ તેલની ચીકાશનો પર્યાય શોધવાનો છે.
દર ત્રણ મહીને યુનિફોર્મ ચેન્જ કરવાના ? હાસ્તો
સ્કુલ ફ્રોક ક્યારે ઊંચું પડશે એ જોવાનું છે.
એની વાતોમાં વર્તાવમાં ગેલ ગમ્મત ચાલશે..
ઉદ્ધતાઈ તોછડાઈ ન આવે એ જોવાનું છે.
ફ્રેન્ડસ કેટલા છે કે કેટલી છે …… વાંધો નથી.
કેવા છે એનું ધ્યાન રાખવાનું છે.

યેસ્સ.. ને આ બધ્ધું પાછુ એની જાણ બહાર કરવાનું છે…
કારણ કે…
હા, દીકરી મારી મોટ્ટી થઇ છે ……..

~એજ તન્વય..!

હું કોણ?

હું..
નિહારિકા..
ઉપાધ્યાય કે દવે..
શું ફેર પડે છે?
એવું કેમ હોય છે કાયમ સ્ત્રી જ બદલે?
ઘર, સ્થળ, સંબંધો, બોલી, પરિધાન, રસોઈ..
અરે એની અટક સુધ્ધા??
શું મારું કોઈ વજૂદ કોઈ સ્ટેટ્સ ખરું?
એઝ અ લેડી…?
મને મન ફાવે તેમ ગમ્મે ત્યાં જોડી દેવાની?
ભીંડા જેવા ભીંડા સાથે ??
લેડીઝ ફિંગર !
કોઈ આકારથી લાગે છે એ મારી આંગળી જેવો?!
કોણ કહે છે જમાનો બદલાયો છે.
કોઈ પણ સજીવ
ત્યારે જ બદલાય જયારે એ ખુદ બદલવા માંગે!
એટલીસ્ટ મારે નથી બદલાવું..
હું જે છું તે… સ્વીકારો નહિ તો ચાલતી પકડો…
બસ હવે તો આજથી હું….
માત્રને માત્ર..
નિહારિકા…

~એજ તન્વય..!

ત્રિનેત્ર !

કોઈક વાર
એક આંખને સારું ગમે છે…
બીજીને સાચું!
કદીક એનાથી ઉલટું
પણ હોય છે..
સારું એટલે કદાચ ગમતું…
પણ સાચું એટલે?
એ તો ચોક્કસ પણે ગમતું !
જે ખોટું પણ હોઈ શકે..
તો વાસ્તવિકતા શું?
કોણ કહેશે?
કોઈ નહિ… જાતે જ ગોતવી પડશે…
દ્વેતના ચક્કરમાંથી
છૂટશું… ત્યારે સમજાશે….
ત્રિનેત્ર !

~એજ તન્વય..!