પાડવાના…

મેઘ ક્યાં વરસે ઘણા? છો ગાજ્વાના;
બેઉ આંખે સત્યને શું જાણવાના?

જે કહે છે કૈક આપી કૈક પામો ;
પૂર્ણતા માપ્યા પછી શું પામવાના?

જીવતા મા-બાપની કાવડ રચે.. એ
લોક શી રીતે શ્રવણને જાણવાના?

હું હજી જીવું છું એ કાફી છે ડીયર!
પ્રેમના મારે પ્રમાણો આપવાના?

હાથ આવ્યું એટલું સ્વીકારજો …શું
ચાખવાના ‘ને પછી ફળ પાડવાના?

~એજ તન્વય..!

પછી શું?

ભભૂતિ-જનોઈ ચઢાવ્યા પછી શું?
પ.પૂ. ને ધ.ધૂ. પણ લખાવ્યા પછી શું?

અંતરથી પર્માંતરને પામી શકો ના,
ને પામી શકો જો તો પામ્યા પછી શું?

છે સપનું મિલનનું મધુરું અધૂરું,
સવારે જણાયું કે જાગ્યા પછી શું?

અનુભવનું જાણે કે શબરી અને બોર
હો મીઠાં કે ખાટા એ ચાખ્યા પછી શું?

એ શેખો શરિફોના શાસ્ત્રોની વાણી
સમજમાં સજાવી સમાવ્યા પછી શું?

નથી ભૂખ બાકી હવે શબ્દ તારી
ખુદાને ગઝલ આ ધરાવ્યા પછી શું

~એજ તન્વય..!
૩૧/૦૩/૨૦૧૪

હે માનવી….!

Imageખુદની ભૂલે કાન, આંખ આડે ધર્યા;
બીજાની ભૂલે એ, સુપડાં સમ કર્યા!

લાગી છે તારી નજર, કલમને હવે;
લખવી ‘તી ગઝલો, નર્યા ઉખાણા સર્યા!

સૌ કોઈ પલ્લે શનિને, સરખા જ છે…
રાહત શેની? પાપ જ્યાં કર્યા તે નર્યા!

થૈ થૈ ને આવો જ થ્યો તું? હે માનવી!
લખ લખ ફેરાં તે શું જખ મરાવા ફર્યા?

કર્મોના ફળથી બચ્યો ન ઈશ પણ કદિ;
માર્યો તો રામે, એણે જ કૃષ્ણ હર્યા!

~એજ તન્મય..!

નહિ આવું….

હું મારો વટ આ તોડીને, તને મળવા નહિ આવું;
મરદ છું, લાજ ઓઢીને, તને મળવા નહિ આવું.

ભલેને આ જગત ગણતું રહે પાગલ મને અમથું;
હું સમજણ એ વળોટીને, તને મળવા નહિ આવું.

ફરીથી ઢોંગ તું કરશે, હવે અણસાર છે મોઘમ;
નયન મીચી હું દોડીને, તને મળવા નહિ આવું.

જનમ દેનાર જનનીનો ઘણો, ઉપકાર છે ગાંડી;
એ મા નો રોષ વ્હોરીને, તને મળવા નહિ આવું.

હજી તો જાતને પુરવાર કરવી સ્હેજ છે બાકી;
અધૂરા કામ છોડીને, તને મળવા નહિ આવું.

પ્રણય બાકી નથી તો પણ હવે આમંત્રણો શાના?
કસમ મારી હું તોડીને, તને મળવા નહિ આવું.

હજી તો માંડ બેઠું છે હ્રદય, તારા એ જ્ખ્મોથી;
હ્રદય મસળી મરોડીને, તને મળવા નહિ આવું.

એ પાનું ફેરવી લેજે જ્યાં મારી વારતા આવે;
હું એ ખુમારી છોડીને, તને મળવા નહિ આવું.

~એજ તન્મય..!

(May 15, 2013)

ચાલશે….

કોક અવસરમાં, મળો તો ચાલશે;
મારી સમજણમાં, રમો તો ચાલશે..

કેટલા બાકી રહ્યાં દિવસો હવે..
પળને પણ વરસો ગણો તો ચાલશે ..

કાં લખો ગઝલોમાં વાતોને તમે?
જિંદગી સરખી લખો તો ચાલશે..

હું સતત જીવી ગયો ‘ઊપર મુજબ’;
કૈં નવું અપનાવશો તો ચાલશે..

હું લખું “તારા વિષે”, “મારી ઉપર”;
વાત એ એક જ, ગણો તો ચાલશે.

~એજ તન્મય..!

(May 22, 2013)

કેમ છો….

પૂછવાના શું સવાલો, કેમ છો!
કોણ દે સાચા જવાબો, કેમ છો!
અક્ષરોને મેં કદી જીરવ્યા નહિ
પૂછવું પડશે હે શબ્દો! કેમ છો!
શ્વાસ ત્યાં મારા બન્યા છે બેખબર;
સાંભળી જ્યાં આપનું, ‘તો! કેમ છો’!
મતલબી તો કેમ છો પૂછનાર છે
ઈશ ક્યાં પૂછે છે ભક્તો કેમ છો !
કોકની સામે ધરો શું આંગળી ?
જાતમાં ખુંપો તો જાણો કેમ છો!
આજનો નેતા પૂજે વેપારને,
કોણ પૂછે ઓ શહીદો! કેમ છો!
~એજ તન્મય..! (06/03/2014)

જરા…..

નિષ્ફળ પ્રણયના અમને, દિલાસા મળે જરા;
આવી “એ” બેરૂખી ના, ખુલાસા કરે જરા.
સરહદ વટાવી ખુદ, માં શોધું મને જરા;
હો લાલસા ખુદાની, ને પામું તને જરા.ખળખળ વહે છે નીર આ, કોના વિચાર માં?
પાણીની એ તરસની સફર તો ફળે જરા.

એવું છે કોણ જેમ ને, ઈશ્વર દયા ફળી;
ઈચ્છા કબુલ થાય, “એ” પાછા ફરે જરા.

રાતે ઉજાગરા કરી, ગઝલો લખી અમે;
ગમતીએ દાદ કોક તો, આપી જશે જરા.

~એજ તન્મય..!

(May 28, 2013)