સદા…

લખતો રહ્યો છું જાતને, અક્ષર બન્યો સદા;
બાવન જણાની ભીડમાં, જોકર રહ્યો સદા!

ઈશ્વરને ભાંડવાની તો આદત છે લોકની;
માથું દુખે તો પેટને, દર્શાવતો સદા.

આ જિંદગીની દોટમાં, નિષ્ફળ રહ્યો છું હું;
આભાર એમનો મને, લાયક ગણ્યો સદા.

ડરતો નથી ફરજ રૂપે, રણ છોડવું પડ્યું;
મજધારમાં નહિ અને, કાંઠે વસ્યો સદા.

આવ્યો તો જીંદગીમાં હું, દોસ્તી નિભાવવા;
સામે મળ્યો જે દોસ્ત એ, દુશ્મન હતો સદા.

~એજ તન્મય..!

(May 30, 2013)

જિંદગી….

બળતી બપોરે દાહમાં, શેકાય જિંદગી;
ડામરને રસ્તે જીવતી, ભૂંજાય જિંદગી.

ઝાકળ પડ્યું હતું અહી, થોડું સવારમાં;
ડાઘા વિષે સવાલથી, મુંજાય જિંદગી.

તારા કરે છે આપની, ચર્ચા સભા ભરી;
વાદળ નથી ને તે છતાં, વરસાય જિંદગી.

કોરું આ રણ મને હવે, લાગે છે પોતીકું;
ઝરણાને સ્થાન ઝાંઝવે, ભીંજાય જિંદગી.

રાખ્યા’તા ફૂલ સાચવી, એના મિલન વિષે;
અડચણ ઘણી હતી, ને જો કરમાય જિંદગી.

આખું ય રૂપ એમનું અંકિત કરું ને ત્યાં;
કોરા રહે તુમાર ને, વંચાય જિંદગી.

મૃત્યુ પછી જ આવતા અહેવાલ શે બનું?
જીવતી છબી મરણ બની, ચીતરાય જિંદગી.

~એજ તન્મય..!

(June 4, 2013)

લપેટમાં….

લેવી છે આજ જિંદગી એવી લપેટમાં;
છુ ને હતો હું જે રીતે, તારી લપેટમાં!

એવું તો શું કહ્યું ‘તું તે, નજરો ઝુકાવીને;
પાણી ભરે જગત હવે, આવી લપેટમાં.

લીધા-દીધાના ખેલમાં, સઘળું મૂકી દીધું;
આ આયખું ગયું એ, જુઆરી લપેટમાં.

રણમાં ફર્યો તો ખૂબ હું, ઝાકળની શોધમાં;
ને ઝાંઝવે લીધો મને, એની લપેટમાં.

સસ્તો થયો છે આદમી, ઉપજે નહી કશું;
ફૂટે કપાળ આવીને, સરકારી લપેટમાં.

ઓ કાફિયા! મને હવે પજવે છે કેમ, હાં?
લે આજ ખુદ રદ્દીફ છે, મારી લપેટમાં!

ઈશ્વર થશે શું કોઈનો ? તન્મય ભૂલી જજો;
શું કામ લે છે સૌ ને, એ ખુદની લપેટમાં!

~તન્મય..!

(June 6, 2013)

તો કહું….

ટેરવા તુજના, જો અડકે તો કહું
સાવ કોરા શ્વાસ લપસે, તો કહું

લો કરું કોશિષ ને ફાવે તો કહું;
ઝાળ સાગરમાં જો પ્રસરે તો કહું.

દેહમાંથી પ્રાણ જાણે નીકળ્યા
નેહ ભીના હાથ ફરકે, તો કહું

રાત આખી મૌનમાં કાઢી હવે
તું સવારે સામી મળશે, તો કહું

રોજની કેડી ભલા શું માંડશે?
આ તરફ અમથી, તું રઝળે તો કહું

સાંજની દેરીએ દીવડા હું ધરું;
લાગણી સાચી જો જડશે તો કહું.

હું ને તું તો સાવ નોખા ને અલગ
નાદ એકાકાર રણકે, તો કહું

એ કદી ઉગતો કે આથમતો નથી;
આ સમયને માન મળશે તો કહું.

કોણ ‘કે છે જિંદગી નાટક હશે?
ટેક વિના કોક ભજવે, તો કહું.

~એજ તન્મય..!

(June 15, 2013)

અજાણે……

લાલ તું અમથી અટાણે થાય છે;
શાંત થા! થોડું વધારે થાય છે!

વાત છો ને અક્ષરોમાં થઇ રહી;
એ ન સમજો, કે પરાણે થાય છે!

ખાલી ફોગટની બબાલો શું ભલા?
કાં તને ગુસ્સો કટાણે થાય છે!

ભૂલ પૂછી તો કહે ‘દિલમાં જુવો’;
ભૂલ છે હા પણ, અજાણે થાય છે!

આમ શું રિસામણા નાહક જરા?
આપણી ચર્ચા વચાળે થાય છે!

~એજ તન્મય..!

(June 19, 2013 )

નીચાણે નીચાણે….

Image

જડે છે કશું ક્યાં? મથાળે મથાળે;
ઉતરવું પડે છે, નીચાણે નીચાણે,

મળ્યો છે કદી કાયમી ક્યાં વિસામો?
ભમું છું સદાથી, પ્રવાસે પ્રવાસે,

કીધા ભૂલવાના પ્રયત્નો તેં અઢળક,
વસ્યો છું હું તારા, વિચારે વિચારે,

મળે છે ખુદા ક્યાં સરળતાથી જગમાં;
છે બેઠા દલાલો, મઝારે મઝારે,

ઉભા છે અડીખમ મિલનના પહાડો;
ને આંસુની નદીઓ, તિરાડે તિરાડે,

વિચારું ‘લગાગા’, મરીઝની અસર છે;
થશે શેરિયત પણ પ્રયાસે પ્રયાસે.

~એજ તન્મય..!

આવી ગયા..

અંત વેળા એ, બધા આવી ગયા;
પારકા થ્યા એ, સગા આવી ગયા..મોત કમજોરી રહી છે, કાયમી;
જીવવું’ તું, ને ખુદા આવી ગયા..

શું હતી મારી કિંમત? ક્યાં છે ખબર;
“હા”… “ના” માં પૈસા, ખરા આવી ગયા !

દર્દ મારું, કોઈ જાણી ના શક્યું :,
હાલ જોવા તો, ઘણા આવી ગયા..

સાથ માં તારા, વ્યથા વેઠી સદા;
તું શું જાણે આમ, ક્યાં આવી ગયા..

જીવ સળવળતો હતો, મારી ભિતર;
દાહ ઠારે કોણ? સુરા આવી ગયા..

અશ્રુ,એકલતા, વ્યથા, પીધી અમે;
ઓડકારો પણ તુરા આવી ગયા..
Image
~સ્મિતા પાર્કર