હું કોણ?

હું..
નિહારિકા..
ઉપાધ્યાય કે દવે..
શું ફેર પડે છે?
એવું કેમ હોય છે કાયમ સ્ત્રી જ બદલે?
ઘર, સ્થળ, સંબંધો, બોલી, પરિધાન, રસોઈ..
અરે એની અટક સુધ્ધા??
શું મારું કોઈ વજૂદ કોઈ સ્ટેટ્સ ખરું?
એઝ અ લેડી…?
મને મન ફાવે તેમ ગમ્મે ત્યાં જોડી દેવાની?
ભીંડા જેવા ભીંડા સાથે ??
લેડીઝ ફિંગર !
કોઈ આકારથી લાગે છે એ મારી આંગળી જેવો?!
કોણ કહે છે જમાનો બદલાયો છે.
કોઈ પણ સજીવ
ત્યારે જ બદલાય જયારે એ ખુદ બદલવા માંગે!
એટલીસ્ટ મારે નથી બદલાવું..
હું જે છું તે… સ્વીકારો નહિ તો ચાલતી પકડો…
બસ હવે તો આજથી હું….
માત્રને માત્ર..
નિહારિકા…

~એજ તન્વય..!

ત્રિનેત્ર !

કોઈક વાર
એક આંખને સારું ગમે છે…
બીજીને સાચું!
કદીક એનાથી ઉલટું
પણ હોય છે..
સારું એટલે કદાચ ગમતું…
પણ સાચું એટલે?
એ તો ચોક્કસ પણે ગમતું !
જે ખોટું પણ હોઈ શકે..
તો વાસ્તવિકતા શું?
કોણ કહેશે?
કોઈ નહિ… જાતે જ ગોતવી પડશે…
દ્વેતના ચક્કરમાંથી
છૂટશું… ત્યારે સમજાશે….
ત્રિનેત્ર !

~એજ તન્વય..!

આઈ કાન્ટ……………

શું થયું પાછુ ?
કહ્યુંને…
કવિતા નથી ફાવતી યાર.
હું તો છું સાવ સીધો સાદો..
એકાઉન્ટનો માણસ !
કવિતા ફવિતા ક્યાં કદી પલ્લે પડે મને !
અહી તો “દો દુની ચાર” વાળી વાત કર…
તો કૈંક વાત બને !
ઈમોશનલ નહિ પ્રેક્ટીકલ બન..
તો કૈંક વાત બને !
પ્રેમમાં કળા હોવી જોઈએ.
એટલે કલાકાર જ પ્રેમ કરી શકે?
સીધા સદા માણસને પ્રેમનો અધિકાર જ નથી ?
ઉસ્કા પ્યાર પ્યાર હમારા પ્યાર શાલીમાર?
નથી મારી પાસે… વૈચારિક સુઘડતા..
નથી શબ્દોની ભરમાળ…
નથી હોતા મારા વિચારો… અલોકિક..
નથી હોતા મારા પ્રયાસો એક્સ્ટ્રા ઓર્ડીનરી…
એથી શું થયું ?
આઈ ડોન્ટ… લવ યુ….?
કે પછી આઈ કાન્ટ……………

~એજ તન્વય..!

કોને ખબર..??!!

પાનખરની પસ્તી કરી દઉં
વસંતને ખીલે બાંધી દઉં
ચાંદને ગુન્દરે ચોડી દઉં
કીલીમાંન્જારોને પાદરે જડી દઉં..
એક માત્ર તું રિસાઈ એમાં
સૃષ્ટિની આવી અવઢેલના થઇ ગઈ જો !
કેમ ?? આમ અચાનક ?
ધરપત જ નથી ને !
અધીરાઈ તો સમયની
હરેક ક્ષણ જેવી છે મને!
એક પતે નહિને બીજી હાજર…
કોકે કહ્યું પણ ખરું
ધરપત રાખ બાપલીયા
અલ્યા એકાદ ક્ષણ વીતવા તો દે…
સોડા બોટલના ઉભરા ય શાંત થાય છે
આજ રૂઠી છે તે કાલ માની પણ જશે!
જોકે આમ તો વાત સાચી….
રીસાવાની “આદત” નથી…
ને મનાવવાની આવડત નથી…
પેટ દુખે ને સાલું માથું કુટાય છે!
એમ ને એમ દ્વેત ફંટાય છે!
એક સેકન્ડ માટે જ તું રિસાઈ…
અને બીજી ક્ષણે તો માની પણ ગઈ!
છતાં…
એ બે પળ વચ્ચે વીતેલી સદીઓ
ગોતવામાં…
કેટલા આયખા વીતશે…..
કોને ખબર..??!!

~એજ તન્વય..!

અંગુઠો….

કેટલી અને કેવી?
સતત અને સખત…
આજીજીઓ..અને મનામણા..
લાજ આવે એટલી
રડી રડીને લળી લળીને
કરેલી વિનંતીઓ..
બધી જ નિષ્ફળ ?
તે થાય જ ને.. ફળની આશા
શું કામ રાખે છે બકા!
સાફ દિમાગ અને શૂન્ય
હ્રદય રાખી બસ..
આંખ બંધ કરી જોઈ લે એને…
ખબર પડી જશે સઘળી..
પણ ના.. હું તો માણસ ખરો ને!
મારે મન આજેય……
હથેળી કરતા “અંગુઠો”
વધુ મહત્વનો !

~એજ તન્વય..!

પછી શું?

ભભૂતિ-જનોઈ ચઢાવ્યા પછી શું?
પ.પૂ. ને ધ.ધૂ. પણ લખાવ્યા પછી શું?

અંતરથી પર્માંતરને પામી શકો ના,
ને પામી શકો જો તો પામ્યા પછી શું?

છે સપનું મિલનનું મધુરું અધૂરું,
સવારે જણાયું કે જાગ્યા પછી શું?

અનુભવનું જાણે કે શબરી અને બોર
હો મીઠાં કે ખાટા એ ચાખ્યા પછી શું?

એ શેખો શરિફોના શાસ્ત્રોની વાણી
સમજમાં સજાવી સમાવ્યા પછી શું?

નથી ભૂખ બાકી હવે શબ્દ તારી
ખુદાને ગઝલ આ ધરાવ્યા પછી શું

~એજ તન્વય..!
૩૧/૦૩/૨૦૧૪

એક ડાયરીના અધખુલ્લા પન્ના ….. પાર્ટ 7

મિત્રો આજે અંતિમ ભાગ. એટલે આપ સૌનો વાચકોનો તહે દિલથી આભાર ન માનું તો નગુણો કહેવાઉં! એટલે આજે થોડીક ડાયરી લેખન, એમાં સહભાગી બનેલા મિત્રો અને એમાં પીરસાયેલા ભાવો વિષે વાત…

કેટલાક દિવસ પહેલા મને ફાલ્ગુની મિસ્ત્રીનો વ્હોટસઅપ આવેલો. જેમાં આવી કોઈક ઘટના વિષે મને લખવા કહેલું. વાસ્તવિકતાને શબ્દોથી વર્ણવવાનો આ મારો પ્રથમ પ્રત્યન છે. સૌ પ્રથમ તો માત્ર આ એક વિચાર જ હતો. અને સાચું કહું તો કદાચ એકાદ લેખ સુધી સીમિત પણ રહ્યો હોત. વાત એટલી ગમેલી કે તેજ દિવસે નાનકડા લેખ જેવું લખી નાખેલું.પણ પછી વિચાર આવ્યો કે ના… પાત્રના શબ્દોમાં લખવું વધુ અસરકારક લાગશે એટલે ભાષા અને વ્યાકરણ થોડા બદલી ડાયરીનું એક પેજ થાય એ મુજબ લખ્યું જેનો રફ ડ્રાફ્ટ મેં ગૌરાંગભાઈને બતાવેલો.અને થેન્ક્સ ટૂ ગૌરાંગભાઈ કે જેમણે મને તે વખતે અને સમગ્ર પ્રક્રિયા દરમ્યાન વખતોવખત પ્રોત્સાહન આપ્યું અને એક વાસ્તવિકતાના નાનકડા વ્હોટસઅપને સાત પગલા, સાત દિવસોમાં વહેંચી શક્યો.

વાત સ્ત્રી વિષયક હતી. વાચકોની કોમેન્ટ્સને હું મારી વ્યસ્તતાને લીધે ન્યાય ન આપી શકું એટલે પોસ્ટ એક સ્ત્રી કરે એ વિચારને સ્મિતા પાર્કરજી એ બખૂબી પાર પાડ્યો. વાચકોમાં લગભગ દરેકે સરાહના કરી અને એક માત્ર ઉણપ વિજયભાઈની જણાઈ.. બે દિવસ પહેલા એમની સાથે મેસેજમાં વાત થઇ અને મને મારી ભૂલો સમજાઈ પણ એમના કહ્યા મુજબ સઘળું પરિવર્તન કરવું અશક્ય હતું કારણ કે ત્રણ ભાગ અમે પોસ્ટ કરી ચુક્યા હતા. છતાં એમની અમુલ્ય સલાહને ધ્યાનમાં રાખી શક્ય એટલા સુધારા કર્યા છે. (છ માંથી એક જ પોસ્ટમાં એમની લાઈક છે!)આપણી નાયિકા ગાર્ગી વ્યાસ શાહ, પ્રોફેશનલ લેખક નથી એટલે કોઈક ઠેકાણે સાદી બોલચાલની ભાષા રાખી હતી. જેમ કે જ્યાં “અને” આવ્યું ત્યાં મોટેભાગે “અ” નો લોપ થયો. એટલે સમજો કે એ ભૂલ નહોતી.

અંત વિષે પણ થોડું કહેવું જરૂરી છે. અમે અલગ અલગ પરંતુ કાલ્પનિક એવા ત્રણ અંત વિચારેલા. જે માટે જે તે ક્ષેત્રના નિષ્ણાંતોની સલાહ પૂરી પાડવા માટે ફરી એક વાર ફાલ્ગુનીનો આભાર. ત્રણમાંથી એક અંત વાચકોની કોમેન્ટ્સ અને સ્મિતાજીને આવતા મેસેજ પર આધારિત હતો તે ટેકનીકલી અને બીજો જે મને પસંદ હતો એ કાયદાકીય રીતે શક્ય નોહ્તો. એટલે આ જે વાસ્તવિક છે એ જ ફાઈનલ રાખ્યો છે. આખરે જિંદગી જિંદગી છે, કોઈ નાટ્યમંચ નહિ..

ફરીથી એક વાર અમારી ટીમ વતી … આપ સૌ વાચકમિત્રોનો આભાર…. જેમણે પ્રોત્સાહન આપ્યું અને અમે સરળતાથી લેખનના અંત સુધી પહોચી શક્યા…

—————————————————————————————————————————————————

Image

૦૭/૦૩/૨૦૧૪
Friday

ઘણા વખતે નિહાગ આજે બેંક સુધી મૂકી ગયો. હાસ્તો મેજ કીધેલું એટલે જ સ્તો! ને મેં બેક સીટ રાઈડની મજા લીધી. નૈન મટક્કા લાગા રે… મન બેક સીટ પે ભાગા રે… ! ખાસ્સી જૂની યાદો તાજી થઇ. ભલે વરસાદ નહોતો પણ બંને શરીરો અડે એટલે અંદરથી અંતર તરબોળ થઇ જ જાય! દિશુંની કે અન્ય કોઈ વાત એ જાણી જોઇને નોહ્તો કરતો. સામે હું એનો મૂડ બગાડવા નોહતી ઇચ્છતી. બાકી અંદરથી બંને સરખા વલોવાયેલા હતા. રાઈડિંગની એ ૧૫ ૨૦ મિનીટ અમે એ વલોપાત સાઈડ કરી દીધેલો. ઘરની તંગદીલી ઘર પુરતી રાખવામાં સફળ થયા. બાકી એટલો લોચો હતો કે આ ડફર આજે જોડે જ ન આવ્યો… ને મને પહેલ કરવામાં કાયમી શરમ નડી ગઈ. મને ઉતારી એક સ્માઈલી જેવા ફેસ સાથે એણે વિદાય લીધી અને હું પાછી ચકરાવે ચડી.

એક સ્ત્રી જયારે પત્ની બને છે ત્યારે સમજો એ પુનર્જન્મ જ લેતી હોય છે. ૨૨ ૨૫ વર્ષ સુધી માં-બાપને ઘેર. પછી બધું છોડી સાવ અજાણ્યા નવા ઘેર પગલા. બીજા ઘરને પોતાનું કરવાની કસોટીની એરણ પર ખુશી ખુશી ચડે છે અને અપવાદો બાદ કરતા સરોતર પાર ઉતરે છે. નાઉ ઇટ્સ ઈનફ. એ નારીના વજૂદને એની ખામીઓથી જ આંકવાનું હવે બંધ થવું જોઈએ. સ્ત્રી માં ન બની શકે એટલા માટે એ નિષ્ફળ? ૮૪ લાખ ફેરા ફરી માનવ અવતારનો એનો ધક્કો જ માથે પડ્યો જાણે! ભલે પછી અન્ય કોઈક રીતે એ સારા એવા સ્ટેટ્સ, આઈડેનટીટી ધરાવતી હોય. સમાજે નક્કી કરેલી વ્યાખ્યા મુજબ “માં” ન હોય એવી કેટલીય સ્ત્રીને અનાથાશ્રમના સેવા બજાવતી મમતા વહાવતી જોઈ છે. & વાઈસે વર્સા. છોકરું જણ્યું હોય એને કદર નથી હોતી!

કોણ કહે છે જમાનો બદલાયો છે? આધુનિક બન્યો છે? હું માનું છું કે એણે માત્ર વાઘા બદલ્યા છે. અંદરથી એનો એજ જુનવાણી હતો અને રહેવાનો. ઉલ્ટાનો એની જંગલિયતનો સ્વીકાર ડંકે કી ચોટ પર કરતો થયો છે. યેસ, સોશિયલ નેટવર્ક પર હું એક્ટીવ છું. ખાસ્સું એવું ફ્રેન્ડ લીસ્ટ-એ કેમ છે એની જરૂર છે કહેવાની?- ધરાવું છું. હોમ પેજ ચેક કરતી હોઉં ત્યારે દર ત્રીજું સ્ટેટ્સ પત્ની વિષયક સેટાયર હોય છે. ફ…….. ઓફ મેન… વ્હોટ ઈઝ ધીસ ? આટલા જ હેરાન છો તો લાઈકની જેમ જ છુટા છેડાનું ઓપ્શન પણ અવેલેબલ છે જ! પણ શું કામ લે? ફૂલ ડે કામ વાળી (ને એમાય હવે તો કમાતી!) જે રાત્રે પણ ………… કોણ છોડે ??!! આવતી કાલે વુમન્સ ડે છે.. એનાય ભદ્દા -૩૬૫ દિવસ પત્નીનાં જ હોય છે- ટાઈપના મેસેજીસ અને એક જ સમયે એક હાથે ફોન, બીજાથી પુરીઓ તળતી, ટીવી જોતી અને પતિને ખખડાવતી સ્ત્રીના ફોટા… કઈ રીતનો વિકૃતવાદ છે આ ?? નાલાયકોને ખબર નથી લગતી કે એમને જન્મ દેનાર પણ સ્ત્રી જ હતી.

ખરી વેદના તો ત્યારે થાય જયારે એક સ્ત્રી ખુદ બીજીને ડીપ્રેશનની કે એનાથી આગળની હદ સુધી પરેશાન કરે! અરે યાર. યુ ઓલ્સો અ વુમન ડેમ. નરવી વાસ્તવિકતા છે કે એક સ્ત્રી ની સૌથી મોટી દુશ્મન પણ સ્ત્રી જ હોવાની! સારું છે આ બધું મારે સહન કરવું નથી પડ્યું. સાચ્ચે જ નાથને દસેય આંગળીએ પુજેલા. જેના ફળ રૂપે મળ્યો છે આ ડફર નિગ! થેન્ક્સ બકા. તું પતિ જ નહિ મિત્ર પણ છે. લાખ બુરાઈયાં મુજમે સહી, બટ યુ સ્ટીલ લવ મી.

મૂડ ન હો તો અપોર્ચ્યુંનિટી હોવા છતાં ખુશ નથી થવાતું. ગમ્મે તેટલું મન મનાવ્યું પણ ગઈ કાલની બીના પછી આખો દિવસ મૂડ પાછો ન જ આવ્યો. લંચ, કલીગની બર્થ ડે પાર્ટી, ગુર્જરી ઇન્વીટેશન, વુમન્સ ડેની પૂર્વસંધ્યાએ યોજાયેલો પરિસંવાદ બધું અવોઇડ કરી સાંજે સીધી જ ઘરે આવી ગઈ. હોટ શાવરમાં બાથ લઇ સાંજની સરસ રસોઈ કરી નાખી. હા આજે સારી બનેલી… ઈત્તફાક સે! નિહાગને હજી વાર હતી. મદન મોહનની સીડી ચડાવી અને સાંભળતા સાંભળતા જ આંખ મીંચાઈ ગઈ. એણે આવીને ઉઠાડી ત્યારે ખાસ્સી હળવી બની ગયેલી. સંગીતમાં જાદુ તો છે જ. એમાય મદન મોહન….. આહ્હાઁ ક્યાં કહેને… વધુમાં રાહતના સમાચાર આપ્યા કે દિશું ઓપરેશનમાટે રેડી છે. ત્રણેક દિવસ પછીની તારીખ આવી. ચિરાગકુમાર એને સમજાવી શક્યા ને એણે મારી માફી માંગી છે. આ વખતે સ્માઈલી મેં આપી.

કાલે વુમન્સ ડે પર સાડી પહેરવાની છે. પાર્લરવાળી જલ્દી આવે તો સારું. બાકી મને ક્યાં આવડે છે! એ કોઈક બટન વાળી સાડીની વાત કરતી તી. સ્કર્ટની જેમ પહેરી લેવાની! જોઈએ કાલે કેવી હશે.. ફાવશે તો દસેક ખરીદી લઈશ. કાયમની જફા જાય સાડી પહેરવી.

ડાયરી જલ્દી જલ્દી પતાવી બેડમાં મારા નિહાગની છાતીમાં લપાઈ જવાની ઈચ્છા છે.. પણ એ એની આવતી કાલની પોસ્ટ.. પોલીટીક્સ પર છે એટલે લાંબુ કરશે. ડીયર નિહાગ, તે દરેક સ્ટેજે મારો સાથ આપ્યો છે. મારા દરેક નાના મોટા ડીસીઝન ઘરના રીનોવેશનથી માંડી છેક ગઈ કાલ સુધીના. ઘરેથી ભાગવાનું હતું કે જોબ લેવાનું. લેપ્રોસ્કોપી હોય કે IVF . ડોનર હોય કે અડોપ્શન. હવે તારી જ સમજાવટથી નાઉ આઈ ફિલ કે…… હજી ઈશ્વરની નજરોમાં હું માં બનવાને લાયક નથી !

તને ખબર જ છે કે અડોપ્શન કોઈ કાળે મારા માટે ઓપ્શન હતું જ નહી. મારે તો માત્ર ને માત્ર તારા બાળકની જ માતા બનવું હતું. જે હજી શક્ય નથી બન્યું ધેન ઓકે.. જિંદગી થોડી પતી ગઈ છે! કાલથી.. કાલથી શું કામ આજથી જ નવા પ્રયત્ન કરશું. અને બાળક નહિ પણ થાય તોય શું? વી આર મેડ ફોર ઈચ અધર. ભાગીને કરેલા લગ્નથી માંડી આજ સુધી આટ આટલી તકલીફો વચ્ચે આપણે હજી એટલો પ્રેમ જાળવી શક્યાં છીએ એ શું ઓછુ છે? તારા વગર આમે ય જીવન કલ્પી ન શકું. બાળક હો કે ન હો….. ક્યાં ફર્ક પડતા હૈ. કમ ઓન નિગ.. આઈ નીડ યુ. આઈ વોના ફિલ યુ. જો સાંભળ જરા….અંદર હજી ય મદન મોહન વાગી રહ્યા છે………

લગ જા ગલે કે ફિર એ હસીં રાત હો ન હો….
શાયદ ફિર ઇસ જનમ મેં મુલાકાત હો ન હો !

નિગ જલ્દી આવ બકા !

પૂર્ણ..

~એજ તન્વય..!
————————————————————————————-
ફોટો કર્ટસી : માફ કરશો પ્રાપ્ય નથી..
————————————————————————————