રાહ ગોતું ને ગલી ભૂલાય છે;
કોણ જાણે ક્યારથી આ થાય છે!
કૈંક ભૂસું, કૈંક ચેકું તે છતાં;
કૈંક તારું નામ આવી જાય છે!
આપણે સાથે રહ્યાં, ખાસ્સો સમય;
કેમ “હું” ને “તું”, હવે ફંટાય છે
પ્રેમ, પત્થર, હેમ કે બસ વ્હેમ છું;
પારખા શા? બસ હવે જીવાય છે.
આમ જુવો તો હવે સપનું હતું;
તું મને જે રીત થી, દેખાય છે!
ઝાંઝવા પીધા પછી, તરસ્યો રહ્યો;
ઝાંઝવાથી હોઠ ક્યાં ભીંજાય છે!
ખુદ હું મારા શ્વાસને ગોત્યા કરું;
તું બની ચંદન, અહી ફેલાય છે.
તું હતી અક્ષર, લખી એથી ગઝલ;
આજ સઘળી પળ મહીં સંભળાય છે.
કારણો શોધ્યા તને ભૂલી જવું;
ભૂલ થી પણ ભૂલ ક્યાં શોધાય છે.
~એજ તન્મય..!